Western Times News

Gujarati News

ધોરણ 2 થી 8 ના ટોપટેન વિદ્યાર્થીઓમાં 70% વિદ્યાર્થીઓ માત્ર ધોળકાની ઈંગોલી પ્રાથમિક શાળાના

સાફલ્યગાથા -જી-શાળા એપ્લિકેશનના ઉપયોગમાં ધોળકા તાલુકાની ઇંગોલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો રાજ્ય કક્ષાએ ટોપટેનમાં સમાવેશ

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ઇ-લર્નિંગ અને મહાવરા સાથે અભ્યાસ માટે જી-શાળા એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં દરેક વિષય અને એકમના ઇ-કન્ટેન્ટ, ઓડિયો, વિડિયો, પીડીએફનો સમાવેશ કરવામાં આવ્યો છે. જી-શાળા એપ્લીકેશનમાં સરકારી શાળાના તમામ વિદ્યાર્થીઓના આઇડી અને પાસવર્ડ જનરેટ કરવામાં આવ્યા છે.

જી-શાળા એપ્લીકેશનનો વિદ્યાર્થીઓ નિયમિત ઉપયોગ કરે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા રિયલ ટાઇમ મોનીટરીંગ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેમાં વિડિયો, પીડીએફ, એસેસમેન્ટના આધારે વિદ્યાર્થીઓને રેન્કિંગ આપવામાં આવે છે.

આખા રાજ્યમાં જે તે ધોરણ મુજબ વિદ્યાર્થીઓને રેન્કિંગ આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ વર્ગ, શાળા, ક્લસ્ટર, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ ટોપટેનમાં સમાવિષ્ટ થઈ શકે છે.

ઈંગોલી પ્રાથમિક શાળાના આચાર્ય ધર્માંશુ પ્રજાપતિ અને શિક્ષકો દ્વારા જી-શાળા એપ્લીકેશનના ઉપયોગ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓને પડતી વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો અભ્યાસ કરી તેના નિવારણ માટે આયોજનપૂર્વક પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા. જેના ભાગરૂપે જાન્યુઆરી-2024 માં રાજ્ય કક્ષાએ ટોપ ટેન માં ધોરણ 2 થી 8 ના કુલ 70 વિદ્યાર્થીઓ માંથી ઈંગોલી પ્રાથમિક શાળાના 49 વિદ્યાર્થીઓ સ્થાન પામ્યા છે.

ઇંગોલી પ્રા.શાળા અને ગામ માટે ગર્વની વાત છે કે, તમામ ધોરણના વિદ્યાર્થીઓ રાજ્યમાં ટોપ ટેનમાં સમાવિષ્ટ થયા છે. શાળા પરિવાર તરફથી આ  વિદ્યાર્થીઓને નિયમિત અને સમયાંતરે પ્રોત્સાહિત કરી અભિનંદન આપવામાં આવે છે.

શાળાના આચાર્ય ધર્માંશુ પ્રજાપતિ દ્વારા શાળા કક્ષાએ જી-શાળા અંતર્ગત ક્રિયાત્મક સંશોધન કરવામાં આવેલ છે. અન્ય શાળાઓના શિક્ષકોને પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી તાલુકા અને જિલ્લા કક્ષાએ એજયુકેશન ઇનોવેશન ફેરમાં જી-શાળા વિષય સાથે રજૂઆત કરવામાં આવેલ છે. આમ, ઈંગોલી પ્રાથમિક શાળા જી-શાળા એપ્લીકેશનના સાર્થક ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.