અમદાવાદ મ્યુનિ. કોર્પારેશનમાં ‘સુપર કમિશનર’ની દાદાગીરી
મ્યુનિસિપલ કમિશનર કરતા વધુ વિવાદાસ્પદ ભૂમિકા સ્વયં સુપર કમિશનર બની બેઠેલા કમિશનરના અંગત સચિવની હોય તેમ માનવામાં આવે છે-ઈજનેર અધિકારીઓની કારકિર્દી ખરાબ કરવાનું ચાલી રહેલું ષડયંત્ર
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, બઢતી મામલે કોઇ જ ધારાધોરણો રહ્યા ન હોય તેવો માહોલ ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. જેના માટે મ્યુનિસિપલ કમિશનર કરતા વધુ વિવાદાસ્પદ ભૂમિકા સ્વયં સુપર કમિશનર બની બેઠેલા કમિશનરના અંગત સચિવની હોય તેમ માનવામાં આવે છે.
AMC મ્યુનિસિપલ કચેરીમાં વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા તેમના અંગત સચિવ કે જેઓ એક એડિશનલ ઈજનેર હોવા ઉપરાંત વિજિલન્સ વિભાગ પણ સાંભળી રહ્યા છે તેમની સામે અનેક ઈજનેર અધિકારીઓની કારકિર્દી ખરાબ કરવા માટે ભૂતકાળમાં અનેક આક્ષેપો થયા હતા.
મ્યુનિ. કમિશનર કચેરી ના સુત્રોનું માની એ તો એક સમયે તેમના ખુદના પ્રમોશન માટે દસ જેટલા ઈજનેર અધિકારીઓ ને ચાર્જશીટ આપી હતી. તેમજ એડિશનલ ઈજનેર તરીકે પ્રમોશન મળ્યા બાદ પ્રજાકીય કામો કરવાના બદલે તેઓ હજી કમિશનર ઓફિસમાં બેસી ક્લાર્ક કક્ષાની કામગીરી કરી રહ્યા છે તેમજ વિજિલન્સ વિભાગ તેમની પાસે હોવાથી તેમની ઇચ્છા થાય ત્યારે કોઈપણ ઈજનેર અધિકારી ને નોટિસ ફટકારી તેમની કારકિર્દી સાથે ચેડાં કરી શકે છે.
તેનું છેલ્લું ઉદાહરણ પાછલા સપ્તાહમાં જ જોવા મળ્યું હતું જેમાં એડી ઈજનેર ના પ્રમોશન માટે લાયક દાવેદાર ગોપાલ પટેલ ની બાદબાકી કરી નિવૃત્તિ આડે માત્ર ચાર મહિના બાકી છે તેવા રમેશ પ્રજાપતિને પ્રમોશન આપવામાં આવ્યું હતું. અહીં, ગોપાલ પટેલની બાદબાકી એટલા માટે કરવામાં આવી હતી કે તેમને વિજિલન્સ વિભાગ ઘ્વારા માત્ર નોટિસ આપવામાં આવી હતી. તેમની સામે ના કોઈ જ આક્ષેપ સાબિત થયા નથી તેમ છતાં તેમનું પ્રમોશન રોકવામાં આવ્યું છે.
તેવી જ રીતે કાઉન્સિલર બજેટમાંથી જે બાંકડા મૂકવામાં આવ્યા છે તેની ગુણવત્તા નબળી હોવાની ફરિયાદ ના આધારે વિજિલન્સ તપાસ શરૂ થઈ છે. જેમાં પણ વોર્ડ કક્ષા ના એ.ઇ., એ.સી.ઇ તેમજ ઝોન ના એડિશનલ ઇજનેરોને પણ નોટિસ – શો કોઝ આપવાની પૂર્ણ તૈયારી આ મહાશય કરી રહયા રહી છે.
આ ઉપરાંત ગુરુવારે કમિશનર ઘ્વારા સીનીયર એડી.ઈજનેર ની બાદબાકી કરી જુનિયર એડી. ઈજનેર ને સીટી ઈજનેર નો ચાર્જ સોંપવામાં આવ્યો છે તેની પાછળ પણ આ મહાનુભાવની ભૂમિકા હોવાની ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ. કમિશનર દ્વારા ઇજનેર વિભાગમાં વિભાગોની ફાળવણીએ ભારે ચર્ચા જગાવી છે. જેમાં સૌથી જુનીયર ગણાતાં વિજય સી. પટેલને ઇન્ચાર્જ સીટી ઇજનેર (વો.રી.મે)નો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમનો હજુ એડીશનલ સીટી ઇજનેર તરીકેનો પ્રોબેશન પીરીયડ પણ પુરો નથી થયો તેને મહત્વનું પદ આપી દેવામાં આ?વતા ઇજનેર વિભાગમા આ બાબતે ભારે ગણગણાટ શરૂ થયો છે.
મ્યુનિ કમિશનર ઘ્વારા ઇજનેર વિભાગમાં ઇન્ચાર્જ સીટી ઇજનેર હરપાલસિંહ ઝાલાને રોડ -બિલ્ડીંગ પ્રોજેક્ટનો ચાર્જ યથાવત રાખી અન્ય વિભાગોના ચાર્જ તેમની પાસેથી લઇ લેવામાં આવ્યા છે. તે રીતે અમીત પટેલને હાલની કામગીરી ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની વધારાની કામગીરી સોપાઇ છે. તો વિજય સી.પટેલને વો.રી. મે. ની ઇન્ચાર્જ સીટી ઇજનેર તરીકેની કામગીરી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત પ્રેમલ શેઠને દક્ષીણઝોન ઉપરાંત ટ્રાફિકની કામગીરી સોંપાઇ છે. તો ડ્રેનેજ પ્રોજેક્ટને અલગ કરીને રાકેશ પી. બોડીવાલાને ફાળવી કરાઇ છે. આ સિવાય પ્રણય વી. શાહને રોડ પ્રોજેક્ટ, હાઉસીંગ પ્રોજેક્ટ, સીટી સ્કેવર પ્રોજેક્ટ અને અન્ય ફ્લેગશીપ પ્રોજેક્ટની જવાબદારી સોંપાઇ છે. સાથે રાખીબેન ત્રિવેદીને બીઆરટીએસ, એનઆરસીપી, શૌચાલય, એમ.પી. એમ.એલ.એ. તથા અન્ય ગ્રાન્ટના સંકલનની જવાબદારી સોંપાઇ છે. જ્યારે ઋષી પંડ્યા જે આ તમામમાં સૌથી સિનિયર ગણાય તેમની આવા વિભાગો સોંપવામાંથી રહસ્યમય રીતે બાદબાકી કરવામાં આવી છે.