પેકેજીંગ કંપનીમાં ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
અંકલેશ્વર GIDCમાં જયંત પેકિંગમાં ભીષણ આગ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ, અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જયંત પેકેજીંગ કંપનીમાં ભીષણ આગ લાગી હતી.જેને પગલે કંપનીમાં અફરાતફરી મચી જવા પામી હતી.આગ એટલી વિકરાળ હતી કે તેના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા અને આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ દોડતી થઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા.તો આગની જાણ થતાં જ એસડીએમ અને ડીશની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જયંત પેકેજીંગ કંપનીમાં ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે.આગની જાણ થતાં જ અંકલેશ્વર, પાનોલી સહિતના ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં લાગી ગયા હતા
અને એક બાદ એક ફાયર લશ્કરો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.જાણવા મળ્યા મુજબ હજુ સુધી આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી પરંતુ કરોડો રૂપિયાનું નુકશાન થવું હોવાનું સામે આવી રહ્યું છે. આગની જાણ અંક્લેશ્વર જીપીસીબી, એસડીએમ સહિત વિવિધ વિભાગને થતા તેઓ સહિત ડીશ ની ટીમ પણ ધટના સ્થળે દોડી આવી હતી.
અંક્લેશ્વર ડીપીએમસીના ઈન્ચાર્જ મેનેજર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે આગ એટલી વિકરાળ હતી કે કાબુ મેળવવો મુશ્કેલ હતો પંરતુ અંક્લેશ્વર, પાનોલી અને ઝઘડીયા સહિત ખાનગી કંપની માંથી ૧૫ થી વધુ ફાયર ટેન્ડરો દ્વારા સતત દોઢ થી બે કલાક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને આગ હાલ કાબુમાં આવી ગઈ છે.પરંતુ સંપૂર્ણ કાબુ મેળવવા સમય લાગ્યો હતો.
અંક્લેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યુ હતું કે જયંત પેકેજીંગ જે લાકડાની પટ્ટીઓ બનાવે જેમાં આજરોજ વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી જેના પગલે ફાયર વિભાગને કોલ મળતા જ ફાયર ટેન્ડરો લશ્કરો સાથે આવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથધરી આગને કાબૂમાં લીધી હતી.આગની ઘટના માં કોઈ જાનહાનિ થવા પામી નથી.પરંતુ આગ ક્યાં કારણોસર લાગી હતી તે દિશામાં તંત્ર તપાસ કરી રહ્યું છે.