Western Times News

Gujarati News

શાહઆલમ: હિંસાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવાનો નિર્ણય

અમદાવાદ: નાગરિક સુધારા કાનૂનના વિરોધમાં અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં ભડકી ઉઠેલી હિંસાના એક દિવસ બાદ આ મામલાની તપાસ આજે ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. ધરપકડનો દોર પણ જારદારરીતે શરૂ થઇ ચુક્યો છે. બીજી બાજુ આરએએફ અને એસઆરપીની ટુકડીઓ પણ મોરચા સંભાળી ચુકી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ફ્લેગમાર્ચની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

દરમિયાન હજુ સુધી પકડી પાડવામાં આવેલા કોંગ્રેસી કોર્પોરેટર સહિત ૫૮ લોકોની સામે કાર્યવાહી શરૂ થઇ ચુકી છે. આ તમામને મોટી સાંજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

શાહઆલમમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. બીજી બાજુ આજે બીજા દિવસે સ્થિતિ શાહઆલમ સહિતના વિસ્તારોમાં અજંપાભરી રહી હતી. સીસીટીવી ફુટેજ અને અન્ય રીતે તપાસ ચાલી રહી છે. તપાસ શાહઆલમમાં હિંસાની ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી ચુકી છે.

નાગરિકતા કાયદાના વિરોધમાં બંધના એલાન દરમ્યાન અમદાવાદ શહેરના શાહઆલમ, મીરઝાપુર, જમાલપુર, લાલદરવાજા, રખિયાલ સહિતના વિસ્તારોમાં હજારો લોકો દ્વારા પોલીસ પર ભારે બર્બરતાપૂર્વક પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ૨૦થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઘાયલ થયા હતા. લોકોએ મોંઢે રૂમાલ બાંધી કાશ્મીર સ્ટાઇલથી પોલીસ પર પથ્થરમારો કરતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. પોલીસે પણ સમગ્ર મામલાની બહુ જ ગંભર નોંધ લઇ આકરી કાર્યવાહીના ભાગરૂપે શાહઆલમમાં તોફાનો-હિંસા ભડકાવવાના પ્રકરણમાં કોંગ્રેસના કોર્પોરેટર શેહઝાદખાન પઠાણ સહિત ૫૮થી વધુ તોફાની તત્વોની ધરપકડ કરી હતી. એટલું જ નહી, શાહઆલમ વિસ્તારના આઠ હજારના ટોળા સામે પોલીસે રાયોટીંગ સહિતનો ગુનો નોંધી એફઆઇઆર દાખલ કરી છે.

બીજીબાજુ, શાહઆલમ હિંસાની સમગ્ર તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપી દેવાઇ છે. આજે શાહઆલમ સહિતના વિસ્તારોમાં એકંદરે શાંતિનો માહોલ જળવાયેલો રહ્યો હતો. ગઇકાલે બંધનું એલાન દિવસભર શાંતિપૂર્ણ રહ્યુ હતુ પરંતુ બપોર બાદ પરિસ્થિતિ  ડહોળાઇ હતી અને સાંજ સુધીમાં તો હિંસા અને તોફાનોએ શહેરની શાંતિ ડહોળાઇ ગઇ હતી.

ખાસ કરીને શાહઆલમ, મીરઝાપુર સહિતના વિસ્તારોમાં સુઆયોજિત ઢબે અચાનક હિંસા શરૂ થઈ હતી. જેમાં પોલીસ જવાનો પર હુમલાની ઘટનાઓ બની હતી. પોલીસનો લોખંડી બંદોબસ્ત સમગ્ર વિસ્તારમાં તૈનાત કરાયા બાદ આજે શહેરમાં શાંતિ છે અને પોલીસે સીસીટીવી ફુટેજીસના આધારે તોફાની તત્વોની ધરપકડનો દૌર શરૂ કર્યો છે.

પોલીસે શાહઆલમ પથ્થરમારા મામલે કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ ઉર્ફે સનીબાબા સહિત ૫૮ થી વધુ શખ્સોની ધરપકડ કરી હતી. આજે પણ પોલીસ તોફાનગ્રસ્ત વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરી રહી છે. બીજીબાજુ, પોલીસ વડાએ વધુ બે એસઆરપી કંપની ફાળવી હતી. પોલીસ જવાનોને હેલ્મેટ અને બોડી પ્રોટેક્ટર સાથે તૈનાત કરાયા હતા. શાહઆલમમાં પથ્થરમારા મામલે આજે પોલીસ દ્વારા આઠ હજારના ટોળા સામે રાયોટીંગ, હત્યાના પ્રયાસ સહિત વિવિધ ગુના હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ખુદ પી.આઈ.જે.એમ સોલંકી ફરિયાદી બન્યા છે.

ઇસનપુર પોલીસે ટોળા સામે આઇપીસીની કલમ-૩૦૭,૩૩૭, ૩૩૩, ૧૪૩, ૧૪૫, ૧૪૭, ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૮૮, ૧૨૦ બી, ૩૪ તથા પબ્લીક પ્રોપર્ટી કલમ-૩ અને ૭ તથા જીપી એકટ ૧૩૫(૧) એટલે કે હત્યાનો પ્રયાસ, પોલીસ ફરજમા રૂકાવટ, ષડયંત્ર રચી જીવલેણ હુમલો કરવો, ગેરકાયદે મંડળી રચી ગુનાને અંજામ આપવો અને રાયોટીંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.