યુવા કર્મચારીઓની અછતને પગલે જાપાનમાં ફેક્ટરીઓમાં ત્રણ લાખ રોબોટની ભરતી કરાઈ
(એજન્સી)ટોકયો, જાપાન એક અનોખા પડકાર સામે ઝઝૂમી રહ્યું છે. તેઓની કુલ વસ્તીના ત્રીજા ભાગની વસ્તી ૬૫ કે તેથી વધુ વર્ષની છે, તો બીજી તરફ નવી પેઢીના દંપતી છેલ્લા ત્રણેક દાયકાથી એક જ સંતાન કે એકપણ સંતાન નહી તેમ માનતા હોઈ ક્રમશઃ વસ્તી પણ હદે વધતી નથી. નવી પેઢી પણ આ ટ્રેન્ડને જ વળગી રહી છે. લગ્ન સંસ્થા પણ તૂટી રહી છે. જાપાનના અર્થતંત્રને પણ આ કારણે ફટકો પહોંચ્યો છે. બીજી તરફ વૃદ્ધોની બહુમતી વચ્ચે યુવાનોની ટકાવારી ભયજનક રીતે ઘટી રહી છે. આ કારણે કંપનીઓને કર્મચારીઓ અને ફેક્ટરીઓને શ્રમિકો મળતા નથી. જે ક્વોલિફાય છે તેઓ વિદેશમાં સ્થાયી થવા માંડયા છે.
આ જ કારણે જાપાનની કંપનીઓ અને ફેક્ટરીના માલિકોએ શ્રમિક મેળવવા માટે રોબોટનો વિકલ્પ પસંદ કર્યો છે. અને જાપાન વિશ્વનો રોબોટનું ઉત્પાદન કરનાર અને વર્કફોર્સમાં તેને સામેલ કરનાર અગ્રણી દેશ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ અને રોબોટથી જાપાનની ઉત્પાદકતા યુરોપીય દેશો કરતા વધતી જોઈ હવે અન્ય દેશો પણ માણસના વિકલ્પ તરીકે ટેક્નોલોજી પર નજર નાખવા માંડયા છે. જાપાનમાં હોસ્પિટલ, ફેક્ટરી, હોટલ, સિક્યોરીટી સર્વિસ અને સ્પેસ રિસર્ચમાં રોબોટનો ઉપયોગ જ મહદઅંશે થાય છે.
જાપાનના વૃદ્ધો મોટે ભાગે ડે કેર કે પૂર્ણ સમયના કેર સેન્ટરમાં રહે છે. વૃદ્ધોને નિયમિત દવા, નાસ્તો, ભોજન, મસાજ રોબોટ જ કરી આપે છે. રોબોટ ગીત અને જોક પણ સંભળાવી શકે છે. રોબોટ વૃદ્ધોના સંતાન કરતા સારી સેવા- સુશ્રુષા કરે છે.ઓફિસ માટે રોબોટ બનાવતી કંપની જાણે કર્મચારી સપ્લાય કરતી કંપની બની રહી છે. આજે જાપાનમાં ૩ લાખથી વધુ રોબોટ કર્મચારીઓ કે શ્રમિકો છે. એક અંદાજ પ્રમાણે આગામી દાયકામાં આ આંક ૧૦ લાખ પર પહોંચી જશે.
વિશ્વના અન્ય દેશોને પણ રોબોટ સપ્લાય કરવામાં જાપાન મોખરે છે. ૨૦૦૮માં જાપાનની વસ્તી ૧૨.૯ કરોડ હતી જે ૨૦૧૮માં દસ લાખ ઘટી ગઈ છે. જો આ જ રીતે દંપતીઓ એક સંતાન કે એકપણ સંતાન નહિની નીતિને વળગી રહેશે તો ૨૦૬૦માં ૪૦ ટકા વસ્તી ઘટી જશે અને કર્મચારીઓની તીવ્ર અછત સર્જાશે.
અમેરિકાની જેમ જાપાન તેમના દેશમાં અન્ય દેશોના નાગરિકો રોજી રોટી માટે આવે તેમ નથી ઇચ્છતો તેથી શ્રમિકો માટે તેઓ રોબોટ પર જ નિર્ભર રહેવા તૈયાર છે. યુવા કર્મચારીઓની અછત હોઈ જાપાનના કેટલાયે પ્રોજેક્ટ વિલંબમાં પડયા છે અને તેનું બજેટ વધતું જાય છે. હવે એવા સંશોધનો એ.આઇ.ની મદદથી થઈ રહ્યા છે કે, બુદ્ધિનો ઉપયોગ કરે તેવા રોબોટ પણ બનશે.
જાપાનમાં રોબોટ ખેતી પણ કરે છે. ઇન્ફ્રા સ્ટ્રક્ચરમાં પણ રોબોટનું યોગદાન છે. હવે સૌર ઊર્જાથી ચાલે તેવા રોબોટ પણ બન્યા છે. રીટેઇલ શોરૂમમાં પણ રોબોટ વકરો કરાવી આપે છે. અમેરિકા સહિત વિશ્વની ટોચની કંપનીઓના સી.ઇ.ઓ. કહી ચૂક્યા છે કે અમને કુનેહ ધરાવતા કર્મચારીઓ મળતા નથી. ડીગ્રીનું અમારે કામ નથી. રોબોટ અને એ.આઇ.નો સહારો લીધા વગર છૂટકો નથી. જાપાનના રોબોટ વિશ્વના ડિગ્રીધારીઓની જોબ છીનવશે તે દિવસ દૂર નથી.