ગાંધીનગરમાં મહિલાઓની સલામતી અંગે ચિંતાજનક અને ચોંકાવનારો બનાવ
માથાભારે શખ્સે ટુ-વ્હિલર પર જતી મહિલાને તાબે કરવા તમાચો માર્યાે
ગાંધીનગર, પાટનગરમાં મહિલાઓની સલામતી અંગે ચિંતાજનક અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ટુ-વ્હિલર પર જતી મહિલાને અટકાવી સે-૨૪માં રહેતા માથાભારે શખ્સે તાબે થવા તમાચો માર્યાે હતો અને કારની ટક્કર મારી ધમકી આપી હતી. ચોંકાવનારી આ ઘટના અંગે મહિલાની ફરિયાદની આધારે સે-૨૧ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે ગાંધીનગરમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યા મુજબ હકીકત એવી છે કે, તેના પતિ રાજ્ય બહાર નોકરી કરતાં હોવાથી પરિણીતા તેના પિતા સાથે રહે છે. કોઈ કામ અર્થે ટુ-વ્હીલર લઇને પિતાના ધંધાના સ્થળે જઇ રહી હતી ત્યારે તેની સોસાયટીમાં રહેતો સુરેશ ઉર્ફે પપ્પુ કાર લઈને તેની પાછળ ગયો હતો અને બૂમ પાડી મહિલાનું ટુ-વ્હીલર સે-૨૪ શાક માર્કેટ નજીક અટકાવ્યું હતું.
તે વખતે તેણે મહિલાનો હાથ પકડીને તેની સાથે વાત કરવા કહેતા તે હાથ છોડાવીને ટુ-વ્હીલર લઈ આગળ નીકળી ગઈ હતી. તેમ છતાં સુરેશ ઉર્ફે પપ્પુએ તેની પાછળ જઈ ઘ-૫ સર્કલ નજીક ટુ-વ્હીલરને ટક્કર મારતા મહિલા નીચે પડી ગઈ હતી. તેની સાથે કારમાંથી નીચે ઉતરતાની સાથે પપ્પુએ તેને સંબંધ રાખવાનું કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો.
જેથી લોકોની ભીડ થતા સુરેશ ઉર્ફે પપ્પુ ત્યાંથી નાસી ગયો હતો. કારની ટક્કરથી રોડ પર પટકાયેલી મહિલા ઇજાગ્રસ્ત થતાં ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી ગાંધીનગર સિવિલ પહોંચી હતી. જ્યાં તેના પિતા અને પરિવારજનો પણ પહોંચી ગયા હતા. મહિલાએ સારવાર લીધા બાદ પીછો કરનારા સુરેશ ઉર્ફે પપ્પુ સામે તેની કારના નંબર સાથે સે-૨૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.