રશિયા કેન્સરની રસી શોધવાની કામગીરીમાં મહત્વના તબક્કે પહોંચ્યું
મોસ્કો, પહેલાના જમાનામાં કહેવાતું હતું કે, કેન્સર એટલે કેન્સલ. પરંતુ જેમ-જેમ આ બીમારીની દવા શોધાતી ગઈ તેમ-તેમ દર્દીઓના જીવ બચવાની સંભાવના વધવા લાગી છે. કેટલાય એવા દર્દીઓ છે જેમને યોગ્ય સારવાર મળી જતાં કેન્સર મુક્ત થઈને શાંતિથી જિંદગી જીવી રહ્યા છે.
જોકે, અમુક દુર્લભ કેન્સર એવા પણ છે જેની ચોક્કસ દવા હજી સુધી નથી શોધી શકાઈ. દરમિયાન, રશિયાએ જાહેરાત કરી છે કે, તેઓ કેન્સરની રસી બનાવી રહ્યા છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનનું કહેવું છે કે, તેમના દેશના વૈજ્ઞાનિકો કેન્સરની રસી બનાવવાના મહત્વૂર્ણ સ્ટેજ સુધી પહોંચી ગયા છે અને થોડા જ સમયમાં રસી તૈયાર થઈ શકે છે. રસી બન્યા બાદ દર્દીઓને તે આપવામાં આવશે.
જોકે, પુતિને એ ખુલાસો નથી કર્યો કે, પ્રસ્તાવિત રસી ક્યારથી ઉપલબ્ધ થશે અને તેનાથી કયા પ્રકારના કેન્સરને રોકી શકાશે. રસી કઈ રીતે દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે તેનું પણ કોઈ સ્પષ્ટીકરણ નથી આપ્યું. પુતિને એક નિવેદનમાં કહ્યું કે, “અમે કેન્સરની રસી અને નવી પેઢીના ઈમ્યૂનોમોડ્યુલેટરી દવાઓના નિર્માણની ખૂબ નજીક પહોંચી ગયા છીએ.
મને આશા છે કે જલ્દી જ તેનો ઉપયોગ વ્યક્તિગત ચિકિત્સાના પ્રકારોમાં પ્રભાવી રૂપથી શરૂ થશે.”છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ સરકારો અને કંપનીઓ કેન્સરની રસી વિકસાવવાનું કામ કરી રહી છે.
ગત વર્ષે યુકે સરકારે ૨૦૩૦ સુધીમાં ૧૦ હજાર દર્દીઓ સુધી પહોંચવા કેન્સરની સારવારના મેડિકલ ટ્રાયલ માટે જર્મની સ્થિત બાયોએનટેક સાથે કરારની જાહેરાત કરી હતી.
ફાર્માસ્યુટિકલ કંપનીઓ મડોર્ના અને મર્ક એન્ડ કંપની પણ એક પ્રાયોગિક કેન્સર વેક્સીન બનાવી રહી છે, જેમાં સ્ટડી દ્વારા ખબર પડી છે કે, ત્રણ વર્ષની સારવાર બાદ ત્વચાના કેન્સર મેલેનોમાથી મૃત્યુ કે તેનો ફરી ઉથલો મારવાની સંભાવના અડધી થઈ જાય છે.
ડબલ્યુએચઓ અનુસાર, હાલ હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી) સામે લડવા માટે છ લાયસન્સ પ્રાપ્ત રસીઓ છે. આ વાયરસ સર્વિકલ કેન્સર સહિત કેટલાય કેન્સરનું કારણ બને છે. સાથે જ લિવર કેન્સરનું કારણ બનતા હેપેટાઈટિસ બી સામેની પણ રસી છે.SS1MS