અમદાવાદ શહેરમાં કમળો-કોલેરાનો આતંક યથાવત
આરોગ્ય ખાતામાં પાણીના સેમ્પલ લેવા માટે સેનેટરી સ્ટાફની સમસ્યા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સ્માર્ટ સીટી અમદાવાદના નાગરીકો હજી પણ ‘કાળાપાણી’ની સજા ભોગવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોેરશન દ્વારા સપ્લાય થતાં પાણીમાં પ્રદુષણ અને બેકટેરીયાની માત્રા વધારે પ્રમાણમાં હોવાનું સાબિત થયુ છે. તેથી તે પીવા માટે અયોગ્ય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતા દ્વારા પાણીના થતા ‘રેન્ડમ’ ચેકીંગના પરિણામો અત્યંત ચોંકાવનારા છે.
પ્રદુષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. શહેરમાં ચા વરસે ટાઈફોઈડ અને કમળાના કેસ ખુબ જ મોટી સંખ્યામાં નોંધાયા છે. પાણીના સેમ્પલ એકત્રિત કરવા માટે હેલ્થ ખાતામાં સ્ટાફની અછત છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વરા સપ્લાય કરવામાં આવતા પાણી પીવા માટે અયોગ્ય છે. મનપાના પાણીમાં ઈ-કોલોઈટ નામના બેક્ટેરીયાનું પ્રમાણ હોવાનું વારંવાર સાબિત થયુ છે. એવી જ રીતે અનેક સ્થળે ડ્રેનેજ અને પાણીના જાડાણ ભેગા થઈ જવાના કારણે દુર્ગંધ અને ડહોળાશયુક્ત પાણી પણ સપ્લાય થાય છે.ે જેના પરિણામે રોગચાળો વકરી રહ્યો છે.
શહેરમાં ચાલુ વરસે ટાઈફોઈડના પાંચ હજાર જેટલા કેસ નોંધાયા છે. જે પૈકી ૪ર૩૦ કેસ મ્યુનિસિપલ હોસ્પીટલમાં કન્ફર્મ થયા છે. ટાઈફોઈડના સૌથી વધુ પ૪૮ કેસ વટવા વોર્ડમાંથી બહાર આવ્યા છે. જ્યારે અસારવા વોર્ડમાં ૩ર૬, બાપુનગર વોર્ડમાં ર૧૯, સૈજપુરમાં ૧રર, અમરાઈવાડીમાં ર૧૭ તથા ગોમતીપુરમાં ર૮પ કેસ નોંધાયા છે. ઝોનવાઈઝ પ્રાપ્ત આંકડા મુજબ દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૧ર૧૮ કેસ નોંધાયા છે.
શહેરમાં ચાલુ વરસે કમળાના પણ ત્રણ હજાર કરતા વધારે કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ હોસ્પીટલમાં કમળાના રપ૧૦ કેસ કન્ફર્મ થયા છે. દક્ષિણ ઝોનમાં કમળાના ૮૭૪ કેસ નોંધાયા છે. દક્ષિણ ઝોનના વટવા વોર્ડમાં કમળાના ૩૪૦, લાંભા વોર્ડમાં ૧૧૬ બહેરામપુરામાં ૧રપ તથા દાણીલીમડામાં ૧ર૮ કેસ કમળાના કન્ફર્મ થયા છે. જ્યારે વેજલપુર વોર્ડમાં કમળાના ૧પ૮, અમરાઈવાડીમાં ૧૦ર તથા ગોમતીપુરમાં ૧૧૭ કેસ નોંધાયા છે.
ચાલુ વર્ષ દરમ્યાન ઝાડાઉલ્ટી ના ૬ હજાર તથા કોલેરાના ૮૬ કેસ નોંધાયા છે. કોલેરાના સૌથી વધુ ૧૬-૧૬ કેસ લાંભા અને વટવા વોર્ડમાં જ નોંધાયા છે. જ્યારે જમાલપુર વોર્ડમાં કોલેરાના ૮ કેસ નોંધાયા છે. દક્ષિણ ઝોનમાં કોલેરાના પ૩ કેસ કન્ફર્મ થયા છે. શહેરના દક્ષિણ ઝોનમાં પ્રદુષિત પાણી અને પાણીજન્ય રોગચાળાની સમસ્યા વકરી રહી છે.
મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ દ્વારા રોજ અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલની ચકાસણી માટે લેવામાં અવો છે. ર૦૧૯માં ૩૦ નવેમ્બર સુધી ૧૯૯૯ર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧૦૩૦ સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ સેમ્પલની સંખ્યાઅગાઉના બે વર્ષ કરતા ઓછા છે. જેનું મુખ્ય કારણ ચકાસણી માટે ખુબ જ ઓછા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ર૦૧૭માં ૪૩૭૬પ અને ર૦૧૮માં ૩૭૮૭૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ર૦૧૯માં માંડ ર૦ હજાર સેમ્પલની જ તપાસ કરવામાં આવી છે. ર૦૧૭માં ર૦ર૩ અને ર૦૧૮ માં રર૩૪ સેમ્પલ અનફીટ જાહેર થયાછે. સેમ્પલની ઘટી રહેલી સંખ્યા માટે સ્ટાફના કારણો આપવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નરે હેલ્થ અને સોલીડ વેસ્ટ ખાતાને અલગ કર્યા બાદ સનેટરી ઈન્સ્પેક્ટર અને સબ સેનેટરી ઈન્સ્પેક્ટર કક્ષાના અધિકારી સોલીડ વેસ્ટની કામગીરી કરી રહ્યા છે.
અગાઉ પાણીના સેમ્પલ સેનેટરી સ્ટાફ દ્વારા લેવામાં આવતા હતા. હવે તેની જવાબદારી એેમપીડબલ્યુએસ ને સોંપવામાં આવી છે. જેના કારણે પણ સેમ્પલની સંખ્યા ઘટી રહી છે. મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યાનુસાર સ્વચ્છતા જાળવવા માટે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. સેનેટરી સ્ટાફની જરૂરીયાત હેલ્થ વિભાગમાં પણ રહે છે.
બે વિભાગ અલગ કરવામાં આવે તો જરૂરીયાત મુજબનો સ્ટાફ ફાળવવાની જવાબદારી વહીવટી તંત્રની છે. ર૦૧૯માં સેમ્પલ ઓછા લેવામાં આવ્યા હોવા છતાં અનફીટ સેમ્પલની ટકાવારીમાં લેશમાત્ર ઘટાડો થયો નથી. મ્યુનિસિપલ પાણીમાં દુર્ગંધ અને ડહોળાશ કાયમી બની ગયા છે. ચાલી, સાંકડી ગલીઓ અને સેવા વસ્તીના નાગરીકો પ્રદુષિત પાણીના વપરાશ માટે મજબુર થઈ રહ્યા છે.
છેલ્લા ૧પ વર્ષમાં લાઈનો બદલવાના નામે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે પરંતુ પરિણામ શૂન્ય છે. સ્માર્ટ સીટી અને વિકાસની વાતો માત્ર કાગળ પર જ સારી લાગે છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.