યુનિયનની હડતાળને પગલે ચીખલી, ખેરગામ, વાસદા, ગણદેવી, જલાલપોર અને નવસારીની આંગણવાડીઓ બંધ
આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનની સરકારની સામે ઉગ્ર આંદોલનની ચીમકી-બે દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ૧૭ ફેબ્રુઆરી એમ બે દિવસ કામથી અળગા રહી હડતાળ પર
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં હવે આશા અને હેલ્થ વર્કર યુનિયન તેમજ આંગણવાડી બહેનોએ સરકાર સામે હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. આંગણવાડી બહેનો ૧૬ અને ૧૭ ફેબ્રુઆરી એમ બે દિવસ કામથી અળગા રહી હડતાળ પર ઉતરી છે અને ચીમકી ઉચ્ચારી છે કે બે દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આ વિરોધ આગળ પણ શરૂ રહેશે.
રાજ્યમાં હવે આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયને સરકાર સામે બાંયો ચડાવી છે અને હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. રાજ્યમાં ઠેર ઠેર આશા વર્કરોએ વિરોધ પ્રદર્શન કર્યા છે. રાજકોટ જિલ્લામાં ૫ હજાર જેટલા કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે અને સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે. રાજ્યવ્યાપી હડતાળના પગલે બે દિવસ આંગણવાડી બંધ રહેશે,
જેમા આજે પણ આંગણવાડી બહેનોએ કામથી અળગી રહી હતી અને ૧૭ ફેબ્રુઆરીએ પણ તમામ આંગણવાડી બંધ રહેશે. વિરોધ પર ઉતરેલી બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે બે દિવસમાં જો સરકાર તેમની માગણીઓ પૂર્ણ નહીં કરે તો આગળ પણ આ વિરોધ શરૂ રહેશે અને તેઓ તમામ કામથી અળગા રહીને વિરોધ નોંધાવશે.
હાલ આશા વર્કર, ફેસિલેટર, મધ્યાહન ભોજન વર્કરો કામથી અળગા રહ્યા છે. વિવિધ પડતર માગણીઓને સંતોષવાની આંગણવાડી બહેનોએ હડતાળ પર ઉતરી છે. આ તરફ નવસારીમાં પણ પડતર પ્રશ્નોને લઈને આંગણવાડી બહેનો હડતાળમાં જોડાયા હતા.
હડતાળને પગલે જિલ્લાના ચીખલી, ખેરગામ, વાસદા, ગણદેવી, જલાલપોર અને નવસારીની આંગણવાડીઓ બંધ કરવામાં આવી છે. પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.