Western Times News

Gujarati News

બ્રિટિશ સરકાર સામે કેમ ૧૦ વર્ષથી લડી રહ્યા છે ઈન્ડિયન સ્ટૂડન્ટ્‌સ?

નવી દિલ્હી, યુકેમાં ભારતીયો સહિતના કેટલાક વિદેશી સ્ટુડન્ટને ૧૦ વર્ષ અગાઉ એક અંગ્રેજીની ટેસ્ટમાં અન્યાય થયો હતો અને તેમના પર ટેસ્ટમાં ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો.

ત્યાર બાદ ઘણા વિદ્યાર્થીઓ છેલ્લા એક દાયકાથી યુકે સરકાર સામે લડત આપી રહ્યા છે અને ચોરીના આરોપોમાંથી મુક્ત કરીને ન્યાય આપવાની ડિમાન્ડ કરી રહ્યા છે. ૧૦ વર્ષ અગાઉ હોમ ઓફિસે લગભગ ૩૫,૦૦૦ સ્ટુડન્ટ પર અંગ્રેજીની ટેસ્ટમાં ચોરી કરવાનો આરોપ મૂક્યો હતો. હવે નવા મળેલા પૂરાવા પરથી લાગે છે કે તે આરોપ ખોટો હતો. આ દરમિયાન હજારો સ્ટુડન્ટનું ફ્યુચર ખરાબ થઈ ગયું છે.

ભારતીયો સહિતના સ્ટુડન્ટ અત્યારે સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. તેઓ બેનર લઈને ઉભા રહે છે જેના પર લખ્યું હોય છે કે અમે અમારું ભવિષ્ય પાછું ઈચ્છીએ છીએ જે બરબાદ થઈ ગયું છે. તેઓ એમ પણ કહે છે કે તેમના પર ખોટી રીતે ચોરીનું લેબલ લગાવી દેવાયું છે અને તેમને ન્યાય પણ મળી શકે તેમ નથી.

આ સ્ટુડન્ટનું કહેવું છે કે તેમની સામે અત્યાર સુધી જે પૂરાવા એકત્ર કરવામાં આવ્યા તે ખામીયુક્ત છે. હવે નવા પૂરાવામાં જાણવા મળ્યું છે કે સ્ટુડન્ટ પર ચોરીનો આરોપ મૂકવો યોગ્ય ન હતો. વિદ્યાર્થીઓ પર પરીક્ષામાં ચોરીનો નિરાધાર આરોપ મૂકાયો તેના કારણે ઘણાએ અધવચ્ચેથી પોતાના દેશ જતા રહેવું પડ્યું છે.

આ કેસને પોસ્ટ ઓફિસ હોરાઈઝન સ્કેન્ડલ સાથે પણ સાંકળવામાં આવે છે જેમાં કોમ્પ્યુટર સિસ્ટમની એક ભૂલના કારણે પોસ્ટ ઓફિસના ખાતામાં લાખો પાઉન્ડની ઘટ પડી અને પછી પોસ્ટ માસ્ટર્સ સામે ચોરીનો આરોપ મૂકીને તેમને પરેશાન કરવામાં આવ્યા હતા.

આજથી એક દાયકા અગાઉ એક ટીવી ચેનલે એવો સનસનીખેજ દાવો કર્યો હતો કે હોમ ઓફિસના અંગ્રેજી ભાષાની ટેસ્ટ લેતા સેન્ટર્સમાં વ્યાપક પ્રમાણમાં ચિટિંગ થયું છે. વિદેશી સ્ટુડન્ટે પોતાના વિઝા રિન્યુ કરાવવા હોય તો આ ટેસ્ટ આપવી જરૂરી હતી.

આ અંગે તે સમયે તપાસ કરવામાં આવી અને પછી એવું તારણ નીકળ્યું કે ૨૦૧૧થી ૨૦૨૪ વચ્ચે યુકેમાં હોમ ઓફિસ દ્વારા અંગ્રેજી ભાષાની જે ટેસ્ટ યોજાઈ તેમાં ૯૭ ટકા ટેસ્ટમાં સ્ટુડન્ટે ચોરી કરી હોવાની શંકા હતી. આ રિપોર્ટના આધારે હોમ વિભાગે ૩૫,૦૦૦ વિદેશી સ્ટુડન્ટના વિઝા જ કેન્સલ કરી નાખ્યા હતા.

તે વખતે ઈમિગ્રેશન વિશે તપાસ કરતી ટૂકડીએ સ્ટુડન્ટના રહેઠાણો પર દરોડા પાડ્યા હતા અને લગભગ ૨૫૦૦ સ્ટુડન્ટને ડિપોર્ટ કરાયા હતા.

ત્યાર પછી યુકે સરકારે ઘણાય વિદેશી સ્ટુડન્ટની સામે તપાસ કરીને તેમની ધરપકડ કરવાની ધમકી આપી હતી. તેથી તેના કારણે ગભરાઈને લગભગ ૭૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ પોતાની જાતે યુકે છોડીને જતા રહ્યા હતા. આ રીતે કોઈ પણ વાંક ન હોવા છતાં હજારો સ્ટુડન્ટની કારકિર્દીને ફટકો પડ્યો હતો.

હવે તે સ્ટુડન્ટ્‌સ ન્યાયની માંગણી કરે છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમણે પોતાના ડિગ્રી કોર્સ છોડી દેવા પડ્યા હતા જેના કારણે ફી માટે ચૂકવેલા હજારો પાઉન્ડ પાણીમાં ગયા હતા. ઘણા સ્ટુડન્ટે સરકાર સામે અપીલ કરી હતી અને ૩૬૦૦થી વધુ સ્ટુડન્ટ હોમ ઓફિસ સામેની અપીલમાં જીતી ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.