રાજ ઠાકરેનો પક્ષ MNS હવે આ પક્ષ સાથે હાથ મિલાવે એવી શક્યતા
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ ૯ માર્ચના રોજ નાસિક શહેરમાં પોતાની વર્ષગાંઠ ઉજવવાનો નિર્ણય કર્યો છે
(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)નો સમૂહ વધુ વધી શકે છે. સૂત્રોએ જણાવ્યું છે કે, ટૂંક સમયમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) એનડીએમાં સામેલ થઈ જશે. મુંબઈના બીજેપી અધ્યક્ષ આશિષ શેલારે એમએનએસઅધ્યક્ષ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી અને કલાકથી વધુ સમય સુધી ચર્ચા કરી હતી.
આ બેઠક બાદ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે રાજ ઠાકરે ટૂંક સમયમાં મહાયુતિના સાથી બની શકે છે. રાજ ઠાકરેને ટૂંક સમયમાં દિલ્હી બોલાવવામાં આવી શકે છે. તેઓ અહીં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે. આ અગાઉ ૧૫ ફેબ્રુઆરીના રોજ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે લોકમતના કાર્યક્રમમાં કહ્યું હતું કે, તમને ટૂંક સમયમાં એ વાતની જાણ થશે કે, રાજ ઠાકરે સાથે આવશે કે નહીં.
એમએનએસ હવે ક્યાં હશે. રાજ ઠાકરે સાથે અમારી સારી મિત્રતા છે અને અમારી વચ્ચે બેઠકો થતી રહી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ૯ માર્ચના રોજ નાસિક શહેરમાં પોતાની વર્ષગાંઠ ઉજવવાનો નિર્ણય કર્યો છે ત્યારે પાર્ટીના અધ્યક્ષ રાજ ઠાકરે રાજ્યભરના પદાધિકારીઓ અને પદાધિકારીઓની સભાને સંબોધિત કરશે. તેમનો ૭ માર્ચના રોજ મોડી સાંજે નાસિક પહોંચવાનો કાર્યક્રમ છે. ૮મી માર્ચે તેઓ પાર્ટીના પદાઅધિકારીઓની બેઠક કરશે. તેઓ સાંજે કાલારામ મંદિરમાં ‘આરતી’ કરશે.