Western Times News

Gujarati News

પાણીએ પ્રભુનો પ્રસાદ છે, એનો જરૂરિયાતપુરતો ઉપયોગ કરવા ખેડૂતોને અપીલ

ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

(માહિતી બ્યુરો,પાલનપુર) રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને ડીસા તાલુકાના શેરપુરા ખાતે ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા સહિત આજથી રાજ્યના દસ જિલ્લાઓમાં આ યોજના અમલી બની છે, આ યોજના હેઠળ રાજ્ય સરકાર ? ૩૮૦૦ લાખના ખર્ચે રાજ્યના દસ જિલ્લાઓમાં ખેડૂતોને પોતાના ખેતરમાં બનાવેલી ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપવાનો લાભ આપવામાં આવશે.

પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવામાં આવે અને તેમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણી સીધેસીધું જમીનમાં ઉતરતું નથી અને સંગ્રહીત થયેલ પાણીનો ઉપયોગ વરસાદ ખેંચાઈ જાય અથવા તો વચગાળાના સમયમાં અને જ્યારે વરસાદ નહીં પડે તેવા સંજોગોમાં ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરીને પાક બચાવવામાં / રવિ સિંચાઈમાં કરી શકે છે. તેનાથી ખેડૂતોના પાકને પૂરક પાણી પૂરું પાડવાની સાથે સાથે ઉપજમાં વધારો કરી શકાય તેમ જ સાથે સાથે ભૂગર્ભજળમાં બચાવ કરી શકાય છે.

બનાસકાંઠા જિલ્લામાં આ યોજનાનો પાઇલોટ પ્રોજેકટ સફળ થયા બાદ આજથી રાજ્યના ૧૦ જિલ્લાઓમાં આ યોજના અમલી બનવાઈ છે. ? ૩૮૦૦ લાખના ખર્ચે રાજ્ય સરકાર ૧૦ જિલ્લાઓમાં ૩૦૦૦ કરતાં વધુ ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાથી રાજ્યમાં જળ સંચયનું પાણીદાર આયોજન શક્ય બનશે અને ખેડૂતોની સિંચાઇની સમસ્યા દૂર થવાથી તેમની ઉપજ વધશે અને ખેડૂતો આત્મનિર્ભર બનશે.

આ પ્રસંગે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ માટે ટપક અને ફુવારા પદ્ધતિનો મોટાપાયે ઉપયોગ તેમજ જળ સંચય માટે ખેત તલાવડી બનાવી વરસાદી પાણીને વહી જતું અટકાવવાના ઉપાયને બિરદાવી ખેડૂતોના પાણીદાર આયોજનને બિરદાવ્યું હતું. ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનો પાયલોટ પ્રોજેકટ આ જિલ્લામાં શરૂ થયો અને આ જિલ્લામાંથી આજે રાજ્યવ્યાપી યોજનાનો પ્રારંભ થઈ રહ્યો છે એની વિશેષ ખુશી હોવાનું જણાવી પાણીનું મહત્વ અને જળ સંચય માટે વધુ જાગૃત બનવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જીઓ મેમ્બ્રેનનો વિચાર, સંકલ્પ અને પાયલોટ પ્રોજેકટ દ્વારા આ યોજના ખેડૂતો માટે કેટલો ઉપયોગી બનશે એની વિગતવાર રજુઆત રાજ્ય સરકાર સમક્ષ મૂકી આ યોજનાને મૂર્તિમંત સ્વરૂપ આપવામાં ભગીરથ પ્રયત્ન કરનાર ડીસાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીની ખેડૂતો માટેની ચિંતાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

પાણીની અછત અને પાણીના મહત્વને બરાબર સમજી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ગુજરાતમાં જળસંચય અને જળ વ્યવસ્થાપનનું સુદ્રઢ આયોજન કરી બતાવ્યું છે એમ જણાવી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ કહ્યું કે, છેવાડા ના માનવીઓને પણ કઈ રીતે ઉપયોગી થવું એવા અભિગમ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કામ કરી રહ્યા છે, નલ સે જળ યોજના,

સૌની યોજના, સુજલામ સુફલામ, નર્મદા કેનાલ એમ પાણી માટે અવિસ્મરણીય કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.જેનો લાભ આજે કચ્છ અને ઉત્તર ગુજરાતના છેવાડાના ગામો સુધી પહોચ્યો છે. પાણી નું મહત્વ સમજતા આ વિસ્તરાઓમાં આ યોજના ખેડૂતોના પાકને નવજીવન આપશે તેમજ ખેડૂતોને આત્મનિર્ભર બનાવશે એમ જણાવી આ યોજનાનો લાભ લેવા ખેડૂતોને અપીલ કરી હતી.

સાંસદશ્રી પરબતભાઇ પટેલે આ પ્રસંગે આપણે નપાણિયા હતા, ડાર્ક ઝોનમાં હતા, પાણી માટે વલખાં મારતા હતા એમ જણાવી ભૂતકાળમાં બનાસકાંઠા જિલ્લામાં પાણીની કેવી સમસ્યા હતી તેનો ચિતાર રજૂ કર્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં પાણી માટેના આયોજનથી આજે બનાસકાંઠા જિલ્લામાં છેવાડાના ગામો સુધી કેનાલોનું પાણી પહોચ્યું છે, અને પાણીની સમસ્યામાંથી આપણને છુટકારો મળ્યો છે એમ જણાવી પાણીએ પ્રભુનો પ્રસાદ છે, એનો જરૂરિયાતપુરતો ઉપયોગ કરવા ખેડૂતોને અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.