ચૂંટણી કામગીરીના તમામ સ્ટાફને જરૂર પડે કેશલેસ તબીબી સારવાર મળશે
આકસ્મિક બીમારી, અકસ્માત કે સંભવિત હિંસક કૃત્યમાં ઈજાના કિસ્સામાં પરિણામ સુધી સારવાર અપાશે
ગાંધીનગર, રાજયમાં આગામી સમયમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનારા તમામ કર્મચારી- અધિકારીઓ અને સુરક્ષા દળો સહિત ખાનગી વ્યક્તિઓને કેશલેસ તબીબી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. ચૂંટણી કાર્યની ફરજ દરમિયાન કોઈપણ કર્મીને આકસ્મિક ઈજા કે બીમાર થાય તો પીએમજે યોજના હેઠળ જિલ્લાની હોસ્પિટલમાં કેશલેસ સારવાર મળે તે માટે પંચ દ્વારા તમામ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
ચૂંટણીના કામગીરીમાં મોટાપાયે કર્મચારી- અધિકારીઓ, પોલીસ કર્મચારી અને અધિકારીઓ તેમજ કેન્દ્ર કે રાજય સરકારના સુરક્ષા દળો તેમજ ડ્રાઈવર વીડિયોગ્રાફર સહિત ખાનગી વ્યક્તિઓ ફરજ બજાવતા હોય છે તેમને કોઈ આકસ્મિક બીમારી, અકસ્માત કે સંભવિત હિંસક કૃત્યના કારણે ઈજા થાય તેવા કિસ્સામાં કેશલેસ તબીબી સારવાર મળી રહે તે જરૂરી છે. આરોગ્ય વિભાગ દ્વારા ચૂંટણી પંચના પરામર્શમાં આ માટે ઠરાવ પણ બહાર પાડવામાં આવ્યો છે.
ચૂંટણી પંચ દ્વારા જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીઓને પીએમજે યોજના હેઠળ જિલ્લાની જે હોસ્પિટલો એમ્પેનલ્ડ કરાયેલી હોય તેની યાદી મેળવીને તેવી હોસ્પિટલમાં જરૂર પડે કેશલેસ સારવાર મળે તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે. તે ઉપરાંત દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક અદ્યતન સુવિધઓથી સજ્જ (સ્ટેટ ઓફ ધ આર્ટ હોસ્પિટલ) જે પીએમજે યોજના હેઠળ એમ્પેનલ્ડ કરાયેલી ન હોય
તેવી હોસ્પિટલોની પણ ઓળખ કરી તેની સાથે કાયમી ધોરણે ટાઈઅપ કાર્યવાહી કરવા જણાવાયું છે. અજાણતા કોઈ કર્મી કે ખાનગી સ્ટાફ ખાનગી હોસ્પિટલમાં સારવાર લે તો તેની બિલની ચુકવણી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી નિર્ણય લેશે.
આરોગ્ય વિભાગે બહાર પાડેલા ઠરાવમાં તાલુકા-જિલ્લાની તમામ હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બહારની દવાઓ સહિતની નિઃશુલ્ક સારવાર ચૂંટણી પરિણામ આવે ત્યાં સુધી પુરી પડાશે તેમ જણાવાયું છે. મેડિકલ રીએમ્બર્સમેન્ટ પણ મળવાપાત્ર રહેશે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતેની ત્રણ હોસ્પિટલ યુ.એન.મહેતા, એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ અને ઈÂન્સ્ટટયૂટ ઓફ કિડની ખાતે પણ ચૂંટણી ફરજ પરના સ્ટાફને સારવાર આપી શકાશે.