ભિલોડામાં ખભે થેલો ભરાવી જતા વેપારીને લૂંટી લેવાયો : દુકાનના વકરાના ૧.૨૫ લાખ રૂપિયા લઈ બાઈક સવાર છૂ
અરવલ્લી:અરવલ્લી જીલ્લાના ભિલોડામાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ફાયદો લૂંટારુઓ અને ઘરફોડિયા ગેંગ ઉઠાવી રહી છે ભિલોડામાં અગાઉ એક વેપારીની ઘર આગળ બાઈક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કરી વેપારીની હત્યા કરી લૂંટ ચલાવી હતી તેવી જ વધુ એક ઘટના ભિલોડાના મઉ રોડ પર બનતા વેપારીઓ અને નગરજનોમાં ફફડાટ ફેલાયો છે ભિલોડા મઉ રોડ પરથી ચાલતા જતા કરિયાણાના વેપારીના ખભે ભરાવેલ થેલાની લૂંટ ચલાવી પલ્સર બાઈક પર હવામાં ઓગળી જતા ભારે ચકચાર મચી હતી સમી સાંજે વેપારીને લૂંટી લેવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી
ભિલોડા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિથરેહાલ બની છે શહેરમાં ચોર, લૂંટારુ અને ઘરફોડિયા ગેંગ બંધ દુકાનો અને રહેણાંક મકાનોમાં ત્રાટકી સતત લૂંટની ઘટનાને અંજામ આપી ખાખી વર્દીને ચેલેન્જ આપી રહી છે બીજીબાજુ પોલીસતંત્ર સબસલામતના દાવા કરી રહી છે ભિલોડા શહેરમાં ૧ વર્ષના ટૂંકા ગાળામાં એક જ મોડ્સ ઓપરેન્ડીસથી વેપારીઓને લૂંટી લેવામાં આવતા વેપારી આલમમાં ભયનો માહોલ પેદા થયો છે મોટી સંખ્યામાં વેપારીઓ ભિલોડા પોલીસ સ્ટેશને પહોંચી ભિલોડા નગરમાં ભયનો માહોલ સર્જનાર અસામાજિક તત્વો અને ચોર લૂંટારુ ગેંગને ઝડપથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેની માંગ કરી હતી
શુક્રવારે સાંજના સુમારે ભિલોડા બજારમાં પિંકી કિરાણા સ્ટોર્સ નામની દુકાન ધરાવતા સાવલદાસ ગુમલમલ મોરવાની (રહે,ત્રિભોવન નગર, મઉ રોડ ) તેમના દુકાનના અને તેમના ભાઈના દુકાનની દિવસભરના વકારની રકમ ૧.૨૫ લાખ અને હિસાબ કિતાબના ચોપડા બેગમાં ભરી ખભે લટકાવી રાબેતા મુજબ ચાલતા ઘરે આવી રહ્યા હતા
પાછળથી બે અજાણ્યા યુવકો પાછળ પાછળ ચાલતા આવી વેપારીના નજીક પહોંચી ખભે ભરાવેલ બેગ આંચકી લીધી હતી વેપારી કઈ સાંજે તે પહેલા પાછળથી આવેલી પલ્સર બાઈક પર બંને શખ્શો બેસી નાસી છૂટતા વેપારીએ બુમાબુમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા સમી સાંજે લૂંટની ઘટનાના પગલે ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાબેતા મુજબની તપાસ હાથધરી હતી ભિલોડા પોલીસે સાવલદાસ ગુમલમલ મોરવાની (ઉં.વર્ષ-૬૩) ની ફરિયાદના આધારે પલ્સર મોટર સાયકલ પર લૂંટ ચલાવી નાસી છૂટેલા ત્રણ અજાણ્યા શખ્શો સામે ફરિયાદ નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા