લગ્ન પ્રસંગે ન આવતા અબોલા થતાં આછોદ ગામે ભત્રીજાનો કાકા ઉપર ચપ્પુ વડે હુમલો
ગળાના નીચેના ભાગે ચપ્પુ વાગતા ઈજાગ્રસ્તને વધુ સારવાર અર્થે ભરૂચ ખસેડાયો .
ભરૂચ: આમોદ તાલુકાના આછોદ ગામે ગતરોજ સાંજના સમયે ભત્રીજાએ કાકા ઉપર ચપ્પુ થી હુમલો કરતા ઈજાગ્રસ્તને લોહી લુહાણ હાલતમાં આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો હતો આમોદ પોલીસે ભત્રીજા તેમજ ભાભી સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે રહેતા ઈલ્યાસભાઈ અબ્દુલ્લા અલી જેકા ઉ.વ ૪૭ એ તેમના ભત્રીજા મુનીર મહંમદ જેકા તથા ભાભી રાબીયાબેનને તેમની છોકરીના લગ્નમાં બોલાવેલા પરંતુ તે આવ્યા નહોતા.
જેથી કાકા – ભત્રીજા વચ્ચે અબોલા થયા હતા.ત્યાર બાદ ઈલ્યાસના ભત્રીજા આરીફની ૧૩ ડિસેમ્બરના રોજ સગાઈ હોવાથી કાકા તથા ભાભી આવ્યા હતા અને સમાજના લોકો સામે વિશે ઈલ્યાસ જેકા વિરૂદ્ધ ખોટી ખોટી વાતો કરતા હતા.
જેથી ઈલ્યાસે તેમને લોકો સમક્ષ ખોટી ખોટી વાતો ના કરવાનું કહ્યું હતું. જેની રિષ રાખી ગત રોજ સાંજના સાતેક વાગે ઈલ્યાસ તથા તેની પત્ની બાઈક લઈને દૂધ લેવા જતા હતા.
ત્યારે મુનીર મહંમદ જેકાએ ઈલ્યાસની બાઈક રોકીને કહ્યું હતું કે મારી મમ્મીને કેમ ગાળો બોલો છો તેમ કહી બીભત્સ ગાળો બોલી ખિસ્સા માંથી ચપ્પુ કાઢી ઈલ્યાસને ગળાના નીચેના ભાગે મારી દઈ ઇજા કરી લોહી લુહાણ કરી દીધો હતો.તેમજ ભાભી રાબીયાબેને નાની લાકડી લાવી ઈલ્યાસને બરડાના ભાગે સપાટા માર્યા હતા.તેમજ ઈલ્યાસની પત્નીને જમણા હાથ ઉપર સપાટો મારી ઇજા કરી હતી. હાલ ઈજાગ્રસ્ય ઈલ્યાસ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આમોદ પોલીસે ઈલ્યાસની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.