Western Times News

Gujarati News

RTI એક્ટિવિસ્ટે 50 સ્કૂલ પાસેથી અઢી કરોડનો તોડ કર્યો હોવાનું ખૂલ્યું

4 smart school in ahmedabad

પ્રતિકાત્મક

તોડબાજ મહેન્દ્ર પટેલ પાસેથી સુરત, ભાવનગરની સ્કૂલોનાં લેટરપેડ મળ્યા

ગાંધીનગર, સુરત અને ભાવનગરની શાળાના સંચાલકો સામે આરટીઆઈ કરી રૂપિયા ખંખેરનાર આરટીઆઈ એક્ટિવિસ્ટે પ૦ શાળા સંચાલકો પાસેથી તોડ કર્યો હોવાનું રિમાન્ડ દરમિયાન સામે આવ્યું છે. એક્ટિવિસ્ટે ર.પ૦ કરોડ ખંખેરી લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

સીઆઈડી ક્રાઈમના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગરના સેકટર ૭ડીમાં રહેતા મહેન્દ્ર પટેલે સુરતની શાળાઓના સંચાલકોને આરટીઆઈનો ડર બતાવી તેમની પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવાયા છે. જેને લઈ આરોપી સામે ગાંધીનગરમાં ચાર અને રાજકોટમાં એક પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. રિમાન્ડ દરમિયાન આરોપી મહેન્દ્ર પટેલ પાસેથી સુરત અને ભાવનગરની શાળાઓના પ૦થી વધુ લેટરપેડ મળી આવ્યા હતા.

આરોપીએ લેટરપેડનો દુરુપયોગ કર્યો છે કે કેમ અને તેની પાસે લેટરપેડ ક્યાંથી આવ્યા તેની તપાસ કરવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન પ૦ શાળા સંચાલકો પાસેથી અઢી કરોડ રૂપિયા પડાવાયા હોવાનું સામે આવ્યું છે. તોડબાજ આરોપી હાલ સેન્ટ્રલ જેલમાં બંધ છે ત્યારે સીઆઈડી ક્રાઈમના પીઆઈ આગામી દિવસોમાં ચોથા ગુનામાં રિમાન્ડ માગશે. તે રિમાન્ડ દરમિયાન આરોપી દ્વારા આરટીઆઈનો ડર બતાવી ખંખેરી લીધેલા રૂપિયાનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે, તે ઉપરાંત વધુ કેટલા સંચાલકો પાસેથી તોડ કર્યો છે તેની માહિતી સામે આવી શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.