સરખેજમાં દબાણો હટાવી 52 કરોડની કિંમતના રિઝર્વ પ્લોટનો કબજો મેળવાયો
વેજલપુરમાં બુટભવાની ક્રોસિંગથી બળિયાદેવ મંદિરનો રોડ ખુલ્લો કરાયો
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના એસ્ટેટ ટીડીઓ વિભાગ દ્વારા શહેરમાં સતત ઓપરેશન ડિમોલિશનનો સપાટો ચાલી રહ્યો છે. આ અભિયાન હેઠળ તંત્ર દક્ષિણ પશ્ચિમ ઝોનના વેજલપુર વોર્ડમાં ત્રાટક્યુંહતું અને આ વોર્ડના બુટભવાની ક્રોસિંગથી બળિયાદેવ મંદિર તરફનો રોડ રહેણાકનાં દબાણો હટાવી ખુલ્લો કરાયો હતો.
દક્ષિણ પશ્ચિમ ઝોના ટીપી સ્કીમ નં. ૨ (વેજલપુર)માં બુટભવાની ક્રોસિંગથી બળિયાદેવ મંદિર તરફ જતાં ૨૪ મીટરના ટીપી રોડને ખુલ્લો કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી. આ માટે ગુજારત ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળની નોટિસોની કાર્યવાહી પૂર્ણ કરાઈ હતી. ત્યારબાદ રહેણાક પ્રકારનાં કુલ સાત પાકા બાંધકામનેદૂર કરવામાં આવ્યાં હતાં. તંત્રએ કુલ ૨૪૫ ચોરસ મીટરનાં બાંધકામ હટાવ્યાં હતાં. આ કામગીરીમાં જેસીબી, બે દબાણગાડી, ઘણ કોસ સાથેના દસ મજૂરની મદદ લેવામાં આવી હતી. આ કામગીરી હેઠળ સત્તાવાળાઓએ ૫૦૦ મીટર લંબાઈનો ટીપી રોડ ખુલ્લો કર્યાે હતો.
જ્યારે સરખેજ વોર્ડમાં ટીપી સ્કીમ નં. ૮૫માં ૧૦૦ ફૂટના રોડ પર આવેલા આમાન રેસિડેન્સીની બાજુમાં આવેલા મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટ નં. ૧૦૯માં કેટલાંક દબાણ થયાં હતાં. નેબરહૂડ સેન્ટર માટે આરક્ષિત રખાયેલા આ પ્લોટનો કબજો મેળવવા માટે તંત્રએ કલમ ૬૭ અને ૬૮ હેઠળ નોટિસ ફટકારી હતી. ત્યાર બાદ પ્લોટનો કબજો મેળવા માટે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી.
આ કામગીરી અંતર્ગત તંત્રએ ૬૫૬૪ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતાં નેબરહૂટ સેન્ટર માટે આરક્ષિત રખાયેલા આ પ્લોટનો કબજો પરત મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્લોટની અંદાજિત કિંમત રૂ. ૫૨ કરોડ થાય છે. આ ઉપરાંત આ ઝોનમાં આવતા મુખ્ય રોડ પરના ટ્રાફઇકને અડચણરૂપ દબાણ દૂર કરવાની ઝુંબેશના ભાગરુપે કુલ સાત લારી, ગેસના ત્રણ બહાટલા, ચાર સ્ટૂલ, એક લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકની ૧૪ કેરેટ, ૨૯ બોર્ડ-બેનર્સ, ૪૯ પરચૂરણ માલસામાન મળીને કુલ ૧૦૭ માલસામાન ઉપાડી મ્યુનિ. ગોડાઉનમાં જપ્ત કરાયો હતો.
તંત્રના ખુલ્લા પ્લોટોમાં કચરો નાખવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ ચેકિંગ હાથ ધરતાં પૂર્વ ઝોનના ઓઢવના ખુલ્લા પ્લોટમાં ડેબ્રિજ અને કચરો નાંખતા ટ્રેક્ટરને સીઝ કરવામાં આવ્યું હતું. શ્રીરામ કોમ્યુનિટી હોલની સામેના ખુલ્લા પ્લોટમાં કચરો નાંખી ગંદકી કરવા બદલ જીજે-૦૧ આરએક્સ ૭૦૯૩ નંબરના ટ્રેક્ટરને ઓઢવ મસ્ટર ઓફિસ ખાતે આઠ દજિવસ સુધી સીઝ કરાયું હતું. તેમજ ટ્રેક્ટરના માલિકને સંપૂર્ણ પ્લોટ સાફ કરવાની ફરજ પડાઈ હતી. આ ઉપરાંત ટ્રેક્ટર માલિક પાસેથી રૂ. ૧૦ હજારની પેનલ્ટી વસૂલાઈ હતી.