રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટી ખાતે સાયન્સ કાર્નિવલનું ભવ્ય આયોજન કરાશે
ભારત સતત વિકાસશીલ દેશ રહ્યો છે. વર્તમાન સમયમાં ભારત દેશ વિકાસની જે હરણફાળ ભરી રહ્યો તેમાં વિજ્ઞાનનો મહત્વનો ફાળો રહ્યો છે. વિજ્ઞાન આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ છે. આપણા હાથમાં રહેલા અવનવા ગેજેટ્સથી લઈને અવકાશ વિજ્ઞાન સુધીની સતત વિકસતી ટેક્નોલોજી એ વિજ્ઞાનની અને માનવ જીવનના સતત પ્રયત્નોની સમગ્ર માનવ સમુદાયને મળેલી ભેટ છે.
ફેબ્રુઆરી મહિનાની ૨૮મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં ઘણી મહત્વની ગણાય છે. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરમને (સર સી.વી. રમન) ‘રમન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં આ દિવસ ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવાય છે. આ મહામૂલી શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિજ્ઞાનના વિકાસ માટે નવી ટેકનોલોજીનો અમલ કરવા, દેશમાં વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા નાગરિકોને મહત્તમ તક મળે, વધુમાં વધુ લોકો વિજ્ઞાન તરફ આકર્ષાય તે માટે પ્રોત્સાહન આપવા તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજીને લોકપ્રિય બનાવવા માટે દર વર્ષે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ઉજવવામાં આવે છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી (GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ‘સાયન્સ કાર્નિવલ -2024’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાયન્સ સિટી અમદાવાદ ખાતે 28 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી દરરોજ સવારે ૧૦ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો જેવા કે, સાયન્ટિફિક એક્ઝિબિશન, સાયન્સ ડેમોન્સ્ટ્રેશન, પોપ્યુલર સાયન્સ લેક્ચર, સાયન્સ વર્કશોપ, સેન્ટર ફોર ક્રીએટિવ લર્નિંગ, નેચર ક્લબ એક્ટિવિટી, ઊર્જા લર્નિંગ લેબ, ક્લાઈમેટ ચેન્જ લર્નિંગ લેબ, સાયન્ટિફિક કોમ્પિટિશન, હોલ ઓફ મેથ્સ, થીમ પેવેલિયનની શૈક્ષણિક મુલાકાત, સાયન્ટિફિક ફિલ્મોનું સ્ક્રીનિંગ, સાયન્સ બુક ફેર, હોલ ઓફ ફેમ અને સેલ્ફી પોઈન્ટ, સાયન્ટિફિક ગેમ્સ, અવકાશ દર્શનનું આયોજન કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેશે.