અબડાસા તાલુકાના રાપર-ગઢવારી ગામે ૩૩-૩૩ દીક્ષાર્થીઓને દીક્ષાનું મુહૂર્ત અપાયું
કચ્છમાં ઈતિહાસ સર્જાયો, અમદાવાદમાં હવે સર્જાશે.
અબડાસા તાલુકો ભારતની પશ્ચિમ સીમાનો એન્ડ છે. ત્યાં દરિયાકિનારાની ખૂબ જ નજીક આવેલા રાપર-ગઢવારી ગામમાં ગામના ૧૩૬ વર્ષ જુના જિનાલયની પુન: પ્રતિષ્ઠાના પ્રસંગે કચ્છના ઈતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની કે અમદાવાદ ખાતે દીક્ષા લેનારા ૩૩-૩૩ દીક્ષાર્થીઓને દીક્ષાનુ મુહૂર્ત આપવામાં આવ્યુ.
આ દીક્ષાઓ આજે અપાયેલા મુહૂર્ત મુજબ ચૈત્ર. સુદ. ૧૪ સોમવાર તા. 22-4-24 ના રોજ અમદાવાદ પાલડી રીવર ફ્રન્ટ ખાતે થશે. આ દીક્ષાર્થીઓ જૈનાચાર્ય જિનચંદ્રસૂરીજીના પ્રશિષ્ય અને જૈનાચાર્ય સંયમરત્નસૂરીજીના શિષ્યરત્ન અધ્યાત્મસમ્રાટ દીક્ષાધર્મના મહાનાયક જૈનાચાર્ય યોગતિલકસૂરિની નિશ્રામાં દીક્ષા લઈ રહ્યા છે.
ઉલ્લેખનીય વાત એ છે કે આ દીક્ષાર્થીઓમાં 13 ભાઈઓને 20 બહેનોમાં 5 યુગલો પોતાના ઘરને તાળા લગાવી દીક્ષા લઈ રહ્યા છે. 6-6 માતા-પિતાઓ પોતાના એક ના એક પુત્રને દીક્ષા આપી રહ્યા છે. 5 યુવાનોને 3 બાળમુમુક્ષુ ભાઈઓમાં છે જ્યારે બહેનોમાં 15 કુમારિકાઓ દીક્ષા લઈ રહી છે.
આ દીક્ષાર્થીઓ પૈકી ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત છત્તીસગઢ રાજ્યની પણ 1 દીકરી દીક્ષા લઈ રહી છે, તે નોંધપાત્ર બાબત છે.
આ દીક્ષાના મુહૂર્ત ગ્રહણના રાપર ખાતે ઉજવાયેલ સંપૂર્ણ ઉત્સવનો લાભ જૈન જગતમાં પ્રસિદ્ધ રાપર નિવાસી શ્રીમતિ તારાબાઈ માણેકજી કેશવજી મોતા પરિવારે લીધેલો. પરિવારના મોભી હિતેશભાઈ વગેરેએ દીક્ષાર્થી પરિવારો વતી આચાર્યશ્રીના હાથે મુહૂર્ત ગ્રહણ કર્યું હતુ. આ અવસરે અંચલગચ્છાધિપતિ આ. શ્રી કલાપ્રભસૂરિજી મહારાજા તથા પૂ. નેમિસૂરિ સમુદાયના આ. શ્રી કુલચંદ્રસૂરિજી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ૩૩ દીક્ષાઓ સાથે આચાર્યશ્રી યોગતિલકસૂરિજીના ઉપદેશોથી છેલ્લા સાડા દશ વર્ષમાં ૩૦૦ લોકો દીક્ષિત બન્યા છે. આ જૈન જગતની વિક્રમી ઘટના છે.
આ ૩૩ દીક્ષાર્થીઓની દીક્ષાના પાંચ દિવસના ઉત્સવને ‘વીરવ્રતોત્સવ’ નામ અપાયું છે. તેની પાછળ એવી ભાવના રહેલી છે કે અત્યારે ભગવાન મહાવીરના નિર્વાણનું ૨૫૫૦મું વર્ષ ચાલી રહ્યું છે. એ નિમિત્તે ભગવાન મહાવીરને સાચી અંજલિ આપવા આ દીક્ષાનો ઉત્સવ ‘વીરવ્રતોત્સવ’ અમદાવાદ ખાતે યોજાશે.