Western Times News

Gujarati News

૧૩૬ વર્ષ પ્રાચીન જિનાલયની અબડાસા તાલુકાના રાપર-ગઢવારી ગામમાં પુન: પ્રતિષ્ઠા સંપન્ન થઈ

કચ્છના પશ્ચિમ ભાગમાં દરીયાના કિનારાની નજીક વસેલા રાપર-ગઢવારી ગામમાં છેલ્લા ૩ દિવસથી આનંદ પથરાયો છે. ગામના ૧૩૬ વર્ષ પ્રાચીન જિનાલયનો સંપૂર્ણ નવસર્જન રૂપે જીર્ણોદ્ધાર કરી ગામના મોભાદાર પરિવાર માતુશ્રી તારાબાઈ માણેકજી કેશવજી મોતા પરિવારે સ્વદ્રવ્યથી નૂતન શિખરબંધી જિનાલયનું નિર્માણ કર્યું. જિનાલયને “શ્રી પાર્શ્વ-શાંતિ પ્રાસાદ” એવુ નવું નામ અપાયુ.

આ જિનાલય તેમાં વપરાયેલા જેસલમેરી પાષાણ અને ઓરિસ્સાના કારીગરો દ્વારા થયેલી અદ્ભુત કોતરણીને કારણે કચ્છના દર્શનીય સ્થળો પૈંકી એક બન્યું છે. આ જિનાલયમાં મૂળનાયક તરીકે શ્રીગોડિયા પાર્શ્વનાથ ભગવાન તથા અન્ય શાંતિનાથ વગેરે જિનબિંબોની પ્રતિષ્ઠા તા. 24-2-24 શનિવાર ના રોજ ૧૧:૧૬ શુભ મુહૂર્તે સંપન્ન થઈ.

આમા નિશ્રાદાતા તરીકે રાપરનગરના ઉપકારી અંચલગચ્છાધિપતિ સાહિત્યદિવાકર શ્રી કલાપ્રભસાગરસૂરિજી મ.સા. તથા મોતા પરિવારના ઉપકારી ગુરુ જિનસંયમકૃપાપ્રાપ્ત, કચ્છવાગડદેશોદ્ધારકદાદાશ્રી જીતવિજયજી મહારાજાના વંશદીપક આ.શ્રી. યોગતિલકસૂરિજી અને પૂ. નેમિસૂરિ સમુદાયના સરસ્વતી સાધક આ. શ્રી કુલચંદ્રસૂરિજી આદિ સાધુ-સાધ્વીજીઓ લાંબો વિહાર કરી પધાર્યા હતા.

પ્રતિષ્ઠા ઉત્સવ માટે શ્રી રાપર જૈન સંઘના સહયોગી મોતા પરિવારે ખૂબ ઉત્તમ વ્યવસ્થા કરી હતી. ગુજરાત અને મુંબઈ જ નહીં, છત્તીસગઢ અને છેક ચેન્નઈ જેવા પ્રદેશમાંથી પણ લોકો આ ઉત્સવ માટે પધારેલા.

બહારના મહેમાનોના રહેવા માટે ટેન્ટ સીટી જેવી વ્યવસ્થામાં ૩૦૦ વી.આઈ.પી ટેન્ટ બનાવાયા હતા. વિશાળ ભોજન મંડપમાં સેંકડો લોકોની બેસાડીને ઉત્તમ ભક્તિ કરવામાં આવી. પ્રતિષ્ઠા ઉત્સવના આકર્ષણ તરીકે પાપકર્મના ફળરૂપે મળતી નરકની રચના કરવામાં આવેલી, જેને નિહાળવાની તક રાપર તથા આજુ-બાજુ ગામની સ્કૂલના બાળકોએ પણ ઝડપી હતી.

આ ઉત્સવ દરમ્યાન ભગવાન મહાવીરની અહિંસાની અણકહી કથાને સમજાવતી એક અદ્ભુત જીવંત દૃશ્યાવલી (નાટક) “दूसरी बाजु” સૂરતથી આવેલ નાટક મંડળીએ ભજવી હતી.

આ પ્રતિષ્ઠાના દિવસે જ અમદાવાદ ખાતે દીક્ષા લેનારા ૩૩-૩૩ દીક્ષાર્થીઓને દીક્ષાનું મુહૂર્ત આપવાનો ઉત્સવ પણ યોજાયેલો. આ દીક્ષાનો ઉત્સવ “વીરવ્રતોત્સવ” ના નામે 22 એપ્રિલના રોજ અમદાવાદ ખાતે ઉજવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.