શાળામાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલા કર્યાની ફરિયાદ
વાલીઓએ શાળામાં હોબાળો મચાવી શિક્ષકને મેથીપાક ચખાડ્યો
આણંદ, આંકલાવના એક ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકે ૧૧ વર્ષીય વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યાહતા. જેની જાણ થતાં વાલીઓએ શાળા પર પહોંચી જઈ શિક્ષકને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો આ અંગે આંકલાવ પોલીસે વાલીની ફરિયાદના આધારે શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આકલાવ તાલુકાના એક ગામની પ્રાથમિક શાળામાં ધો.૬માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સાથે છેલ્લા કેટલાક સમયથી શિક્ષક દ્વારા શારીરિક અડપલાં કરવામાં આવતા હતા જેના કારણે એક વિદ્યાર્થિનીએ શાળામાં જવાનું બંધ કરી દીધું હતું. આ બાબતે વિદ્યાર્થિનીના માતાપિતાએ તેણીની પુછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
જેને પગલે વિદ્યાર્થીના પિતાએ શાળામાં જઈ હોબાળો મચાવ્ય્ હતો જેમાં આ શિક્ષકે અન્ય વિદ્યાર્થિનીઓ સાથે પણ આવી હરકત કર્યાનું ખુલવા પામ્યું હતું. શાળાના શિક્ષક કિરણભાઈ બુધાભાઈ દ્વારા છેલ્લા કેટલાય સમયથી જયારે તેઓ એકલા હોય ત્યારે હોમવર્ક બતાવવા, કે પછી અન્ય કોઈ કામ આપવાના બહાને આ વિદ્યાર્થિનીને તેમની નજીક બોલાવતા હતા
જયાં તેઓદ્વારા તેના સમગ્ર શરીર સાથે અડપલા કરવામાં આવતા હતા. જોકે હદ ત્યારે થઈ ગઈ કે ગુરૂવારે તેમણે વિદ્યાર્થિનીના હાથ પકડીને તેની પાસે ખેંચી હતી. સમગ્ર હકીકત માતા-પિતા અને દાદી સમક્ષ જણાવતા જ તેઓના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. બીજી તરફ આ મામલે ગ્રામજનોને હકીકત જણાવતા જ શુક્રવારે સવારે ગ્રામજનોના ટોળાં સ્કુલ પર પહોંચી ગયા હતા એન તેમણે શિક્ષકને ઝડપી પાડી તેને માર માર્યો હતો.
વધુમાં આ બાબતની જાણ આંકલાવ પોલીસને કરી, પોલીસને સ્થળ પર બોલાવી પોલીસને સોંપીદીધો હતો જેથી પોલીસે વાલીની ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શિક્ષકની અટકાયત કરી હતી અને વધુ પુછપરછ હાથ ધરી છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટનાને કારણે ભારે ચકચાર મચી જવા પામી છે.
આ બાબતે સ્કૂલ ઈન્સ્પેકટર હર્ષદભાઈ જાદવને સમગ્ર ઘટનાની જાણ થતા જ તેઓ તાબડતોબ સ્કુલમાં દોડી આવ્યા હતા અને વાલીઓ પાસેથી સમગ્ર હકીકત અંગે વાકેફ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની સઘન તપાસ થવી જોઈએ અને જવાબદાર શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.