ગુજરાતી ફિલ્મ “વશ” પરથી બનશે અજય દેવગણની ફિલ્મ “શૈતાન”
ટ્રેલર જોઈને જ રૂંવાડા ઊભા થઈ જશે-ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મના ડિરેક્ટર વિકાસ બહલે જણાવ્યું કે, અજયે તેમને આ ફિલ્મ ડિરેક્ટ કરવાની ઓફર આપી હતી –બોલીવુડની આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ “વશ” પરથી બની
મુંબઈ, બોલીવુડમાં ઘણી ફિલ્મો બને છે જે ટોલીવુડ એટલે કે સાઉથની ફિલ્મોની રીમેક બને છે. પરંતુ હવે થોડા સમય પહેલાં જ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ “વશ”ની રીમેક હવે હિન્દીમાં રીલીઝ થવા જઈ રહી છે. અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘શૈતાન’નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. જેમાં આર. માધવને તાંત્રિકની ભૂમિકા ભજવી છે અને જ્યોતિકા અજય દેવગનની પત્નીની ભૂમિકામાં જોવા મળી છે.
ફિલ્મના ટ્રેલરમાં એક તાંત્રિક અજય અને જ્યોતિકાની પુત્રી જાનકી બોડીવાલા (ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસમાં દમદાર ભૂમિકા ભજવનાર) પર વશીકરણ કરીને તેને પોતાની સાથે લઇ જવા માંગે છે. પરંતુ અજય અને જ્યોતિકા આવું થવા દેવા નથી માંગતા. ત્યારે પરિવાર અને તાંત્રિક વચ્ચે થતી આ લડાઈ, શૈતાન દ્વારા કરવામાં આવેલું વશીકરણ અને એક બાપની લાચારી તમારા રૂંવાડા ઉભા કરી દેશે.
જણાવી દઈએ કે, શૈતાન ફિલ્મ વર્ષ ૨૦૨૩માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રીમેક છે. ફિલ્મ શૈતાનના ટ્રેલર રિલીઝ દરમિયાન ફિલ્મના એક્ટર્સ અજય દેવગન, જ્યોતિકા, આર. માધવન અને જાનકી બોડીવાલાએ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન અજય દેવગને ફિલ્મમાં તેની પુત્રીની ભૂમિકા ભજવનાર જાનકીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, જાનકીએ ફિલ્મના બધા જ એક્ટર્સને પરફોર્મન્સની બાબતે પાછળ છોડી દીધા છે.
સાથે જ તેમણે જ્યોતિકા, માધવન અને તેના પુત્રની ભૂમિકા ભજવી રહેલા ચાઈલ્ડ એક્ટર ધ્રુવ વિશે પણ વાત કરી હતી. ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મના ડિરેક્ટર વિકાસ બહલે જણાવ્યું કે, અજયે તેમને આ ફિલ્મ ડિરેક્ટ કરવાની ઓફર આપી હતી. અજયે તેમને પૂછ્યું હતું કે શું તેઓ હોરર ફિલ્મો જુએ છે.
ત્યારે તેમણે કહ્યું હતું કે તેમને હોરર ફિલ્મોથી ડર લાગે છે. ત્યારે અજયે કહ્યું હતું કે, જો તેઓ હોરર ફિલ્મોથી ડરે છે તો તે બેસ્ટ વાત છે. હવે શૈતાનનું નિર્દેશન તેઓ જ કરશે. વિકસે વધુમાં જણાવ્યું કે, તેમણે જાનકી બોડીવાલાને ફિલ્મમાં લેવા અંગે પહેલાંથી જ વિચારી લીધું હતું.
તેમના અનુસાર જાનકીથી વધુ સારી રીતે કોઈ બીજું આ રોલને ન ભજવી શકે. ત્યારબાદ તેમણે માધવનને ફિલ્મની ઓફર આપી. તેઓ જાણે છે કે માધવન સારા એક્ટર છે અને તેઓ કઈંક કમાલ કરી દેખાડશે. ત્યારબાદ જ્યોતિકાને ઓફર આપવામાં આવી અને પછી ધ્રુવને પણ ફિલ્મ ઓફર કરવામાં આવી. આ અંગે વિકાસે મજાકમાં કહ્યું કે, તેમને ધ્રુવ પાછળ ખૂબ ભાગવું પડ્યું હતું. ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, શૈતાન ફિલ્મની કાસ્ટિંગ ૪-૫ દિવસમાં પૂરી થઇ ગઈ હતી અને ૪૦ દિવસોમાં તો તેમણે ફિલ્મ શૂટ કરવાનું શરુ પણ કરી દીધું હતું.
ફિલ્મ શૈતાનમાં વશીકરણની વાર્તા જણાવવામાં આવી છે. ત્યારે અજય દેવગન અને આર માધવનને પૂછવામાં આવ્યું હતું કે, શું તેમની સાથે ભૂત કે આત્મા દેખાવા જેવી ઘટના ઘટી છે. આ અંગે માધવને કહ્યું કે તેમની સાથે આવું ઘણી વખત થયું છે અને હજી પણ થાય છે.
ત્યારબાદ માધવને વશીકરણ અંગે વાત કરતાં જણાવ્યું કે, આપણે જાણીએ છીએ કે તાંત્રિક ઉપરાંત આજની દુનિયામાં અન્ય પ્રકારના વશીકરણ પણ થાય છે. જેમ કે આજે ઘણા લોકો સોશ્યલ મીડિયાના વશમાં છે, તેઓ કંઈ પણ કરવા લાગે છે. ઉલ્લેખનીય છે કે, કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા નિર્દેશિત ગુજરાતી ફિલ્મ વશની રીમેક ફિલ્મ ‘શૈતાન’ ૮ માર્ચના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.ss1