Western Times News

Gujarati News

સુરતના ૨૩ વર્ષીય યુવાનનું રશિયામાં મોત નિપજ્યું

જોબની શોધમાં વોર ઝોનમાં જીવ ગુમાવ્યો

હેમિલનું મોત થયા પછી તેના પિતા વતી એક એજન્ટે ભારતીય દૂતાવાસને પત્ર લખ્યો હતો

સુરત, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ત્રણ દિવસ અગાઉ સુરતના એક ૨૩ વર્ષીય યુવાનનું મોત થયું છે. હેમિલ અશ્વિનભાઈ માંગુકિયા નામનો યુવાન જોબ શોધવા માટે રશિયા ગયો હતો, પરંતુ તેને યુક્રેન વોરમાં હેલ્પર તરીકે કામે લગાવી દેવાયો હતો. આ બહુ ખતરનાક જોબ હતી જેમાં ભયંકર બોમ્બમારા વચ્ચે હેમિલે જીવ ગુમાવ્યો છે. અહેવાલો પ્રમાણે હેમિલને વિદેશમાં જોબ કરવી હતી અને કેટલાક એજન્ટોએ તેને રશિયામાં સારું કામ અપાવવાની ઓફર કરી હતી.

પરંતુ આ જોબ આટલી ખતરનાક હશે તેની કદાચ હેમિલને પણ ખબર નહીં હોય. આ અગાઉ એજન્ટ મારફત સુરતથી લગભગ ૧૨ યુવાનોને રશિયા મોકલવામાં આવ્યા હતા જેમાં હેમિલ પણ સામેલ હતો. હેમિલ ડિસેમ્બર ૨૦૨૩માં રશિયા ગયો હતો અને ત્યાંથી તેને રશિયન આર્મીમાં જોબ મળી હતી. હેમિલનું મોત થયા પછી તેના પિતા વતી એક એજન્ટે ભારતીય દૂતાવાસને પત્ર લખ્યો હતો અને હેમિલનો મૃતદેહ પરત લાવવા માટે વિનંતી કરી હતી.

જોકે, તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી. હેમિલનું ડેડબોડી લાવવા માટે તેનો પરિવાર વિનંતીઓ કરી રહ્યો છે. પરંતુ હજુ સુધી તેમને કોઈ સફળતા નથી મળી. અહેવાલ પ્રમાણે કર્ણાટકના એક યુવાને જણાવ્યું છે કે તે અને હેમિલ બાજુ-બાજુમાં જ હતા. આ દરમિયાન એક મોટો વિસ્ફોટ થયો હતો. તેથી બે ભારતીયો અને રશિયન સૈનિકો એક ખાઈમાં છુપાઈ ગયા હતા. આ દરમિયાન મિસાઈલનો બ્લાસ્ટ થયો અને થોડી વાર પછી જઈને ચેક કર્યું તો હેમિલ માર્યો ગયો હતો.

રશિયન કમાન્ડરને આ વિશે જણાવવામાં આવ્યું તો તેણે કહ્યું કે બે મહિના પછી હેમિલનો મૃતદેહ આપવામાં આવશે. અખબારના દાવા પ્રમાણે હેમિલનો એક ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો જેમાં તેના ચહેરા પર ઘણી ઈજા હતી અને કપડા લોહીથી લથબથ હતા. લાશના ઢગલા પર હેમિલનો મૃતદેહ પડ્યો હતો. હેમિલ જેવા ભારતીયો વિદેશમાં સારી જોબની શોધમાં જાય છે, પરંતુ તેમને સિક્યોરિટી હેલ્પર તરીકે રાખવામાં આવે છે. ત્યાર પછી તેમને રશિયા-યુક્રેન વોરમાં સામેલ થવા માટે અને વોર ઝોનમાં જઈને ફરજ બજાવવા માટે દબાણ કરવામાં આવે છે.

તેમણે ભારતીયોને સહીસલામત પરત લાવવા માટે ઘણી વિનંતી કરી છે. પરંતુ કોઈ મદદ મળી નથી. અહમદ નામના એક સિક્યોરિટી હેલ્પરે કહ્યું કે અમે ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા ઘણો પ્રયાસ કર્યો છે છતાં કોઈ જવાબ નથી મળ્યો. હેમિલ મારી આંખો સામે જ માર્યો ગયો હતો. મને બીક છે કે બીજા ભારતીયોને પણ આવી જ રીતે બોર્ડર પર મોકલવામાં આવશે અને અમે માર્યા જઈશું.

અમે જ્યારે રશિયન કમાન્ડરને કહ્યું કે અમારે જોબ નથી કરવી, અમને મુક્ત કરી દો, ત્યારે કમાન્ડરે કહ્યું કે અમે કોન્ટ્રાક્ટ કરેલો હોવાથી અમે અધવચ્ચેથી છોડી ન શકીએ. તેમણે કહ્યું કે હેમિલનો મૃતદેહ બે મહિના પછી સોંપવામાં આવશે. બીજા એક વર્કરે પણ કહ્યું કે અમને આર્મીના હેલ્પર તરીકે જોબ પર રાખવામાં આવે છે પરંતુ અમને મોરચા પર મોકલી દેવાય છે. અમને અમારી સુરક્ષાની ચિંતા છે. અમને બચાવવા માટે અમે ભારત સરકારને ઘણી વિનંતીઓ કરી છે છતાં તેઓ અમને બચાવવા માટે કંઈ કરતા નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.