નિષ્ણાતોનું રાજ્યના અનેક ભાગોમાં માવઠાનું અનુમાન
અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે, શહેરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે
અમદાવાદમાં સૂસવાટાભેર પવન ફૂંકાઇ રહ્યો છે
અમદાવાદ, આજે અમદાવાદમાં સૂસવાટાભેર પવન ફૂંકાઇ રહ્યો છે. અચાનક જ હવામાનમાં પલટો આવ્યો છે. ત્યારે આપણે જાણીએ કે, આજથી શરૂ થતા આ સપ્તાહમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે. આ સપ્તાહમાં ઠંડી, ગરમી કે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આપેલી આગાહીમાં જણાવ્યુ છે કે, હાલ વરસાદની કોઇ સંભાવના નથી. રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાતોએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરી છે. આ સાથે તેમણે અનેક વિસ્તારોમાં માવઠું થવાની પણ આગાહી કરી છે. હવામાન વિભાગે રવિવારે સાંજે આપેલી માહિતી પ્રમાણે, આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીમાં વધારો થઇ શકે છે. જેથી ગુજરાતના હવામાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
જ્યારે અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં પવન, તાપમાન અને માવઠા અંગે આગાહી કરી છે. તેઓેએ જણાવ્યુ હતુ કે, સામાન્ય રીતે પવનની ગતિ ફેબ્રુઆરીના અંતિમ સમયમાં ૧૪થી ૧૬ કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, આ સમયમાં ઠંડીમાં ધીમે-ધીમે ઘટાડો થતો જશે.
આ સાથે તેમણે કહ્યું છે કે, હવે એવું કહી શકાય કે શિયાળો વિદાય લઈ રહ્યો છે, હવે શિયાળાના ખાસ દિવસો બાકી રહ્યા નથી. ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે પરંતુ રાજ્યમાં હવે ઠંડીનો કોઈ રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી. માવઠાની સંભાવનાઓ અંગે વાત કરીને પરેશ ગોસ્વામી જણાવે છે કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના લીધે ૨૬-૨૭ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ઘણાં વિસ્તારોમાં માવઠાના ઝાપટાં થઈ શકે છે. જોકે, આ સાર્વત્રિક કે મોટા માવઠાની સંભાવનાઓ નથી.
હવામાન નિષ્ણાતે માવઠા અંગેની સંભાવનાઓ વ્યક્ત કરતા જણાવે છે કે, આ દરમિયાન કચ્છ સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ સેન્ટરો પર એકલ-દોકલ જગ્યાઓ પર ઝાપટાં થઈ શકે છે. દક્ષિણમાં રાજપીપળા, સુરત અને ડાંગ જિલ્લામાં પણ ક્યાંક ઝાપટાં પડી શકે છે.
જોકે, વધુ શક્યતાઓ ઉત્તર ગુજરાત અને કચ્છમાં છે. પરેશ ગોસ્વામી કહે છે કે, માર્ચ મહિનાની શરુઆતથી ઉનાળાનો અહેસાસ થવાનું શરુ થઈ જશે. તાપમાન પણ ૩૫ ડિગ્રીને પાર થઈ શકે છે. માર્ચના પહેલા અઠવાડિયામાં ઝાકળ વરસાદનો પણ રાઉન્ડ આવી શકે છે. ખેડૂતોને સલાહ આપતા તેઓ જણાવે છે કે, ઝાકળ વરસાદનો રાઉન્ડ આવે તે પહેલા જો જીરું તૈયાર થઈ ગયું હોય પાકને સાચવી લેવો તે જ ખેડૂતોના હિતમાં રહેશે.ss1