લાંભા, ગોતા, ગોમતીપુર, સરખેજ-બહેરામપુરા ડેન્ગ્યુના સૌથી વધુ કેસો
મ્યુનિસીપલ હેલ્થ વિભાગના ચોપડે વર્ષ ર૦ર૩માં ડેન્ગ્યુના રપ૧પ કેસ નોધાયા
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસીપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે દ્વારા મચ્છર તથા મચ્છરજન્ય રોગો સામે રક્ષણ મેળવવા માટે જરૂરી એવા તમામ પગલાં લેવાઈ રહયાં છે. જોકે અનેક વખત આપણા ઘરમાં જ આપણો દુશ્મન એવો મેલેરીયા અને ડેન્ગ્યુ તાવનો મચ્છર પેદા થાય છે. આ મચ્છરો બીમારી ફેલાવે તે પહેલાં તેમને રોકવા જરૂરી બને છે.
તેમ છતાં પણ મચ્છરજન્ય રોગચાળો અટકાવ્યો અટકતો નથી. હવે વર્ષ ર૦ર૩ની જ વાત કરીએ તો તે વર્ષમાં લાંભા ગોતા, ગોમતીપુર, સરખરેજ અને બહેરામપુરા વોર્ડમાં ડેન્ગ્યુના સતાવાર કેસોએ સેન્ચ્યુરીથી પણ ઉપરની સંખ્યા ફટકારી હતી. શહેરના ૪૮ વોર્ડ પૈકી આ પાંચ વોર્ડ ડેન્ગ્યુના એપી સેન્ટર બન્યાં હતાં અને આ વિસ્તારમાં રહેતા લોકોને ધ્રુજાવ્યા હતા.
મ્યુનિસીપલ હેલ્થ વિભાગના છેલ્લે પ્રસિદ્ધ થયેલા અઠવાડીયા બુલેટીન મુજબ ચાલુ ફેબ્રુઆરી મહીનાના તા.૧થી૧૮ દરમ્યાન ડેન્ગ્યુના ર૪ કેસ નોધાયા હતા. ફેબ્રુઆરી-ર૦રરમાં ડેન્ગ્યુના પાંચ કેસ અને ફેબ્રુઆરી-ર૦ર૩માં ડેન્ગ્યુના રપ કેસ નોધાયા હતા. આનો અર્થ એ થયો કે છેલ્લાં ત્રણ વર્ષમાં આ વર્ષે એટલે કે ર૦ર૪માં ડેન્ગ્યુના કેસમાં ખાસ્સો એવો વધારો થયો છે. તા.૧ જાન્યુઆરી-ર૦ર૪થી ૧૮ ફેબ્રુઆરી ર૦ર૪ સુધીમાં ડેન્ગ્યુના કુલ ૭૧ કેસ તંત્રના ચોપડે નોધાઈ ચુકયા છે.
હવે વર્ષ ર૦ર૩ની જો વાત કરીએ તો તે વર્ષમાં તા.૧ જાન્યુઆરી ર૦ર૩થી ૩૧ ડીસેમ્બર-ર૦ર૩ સુધીમાં દક્ષીણ ઝોનના લાંબા વોર્ડમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો હતો. લાંભામાં સૌથી વધુ ૧પ૦ કેસ નોધાયા હતા. ત્યારબાદ ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતામાં ડેન્ગ્યુએ તરખાટ મચાવ્યો હતો. ગોતામાં સત્તાવાર ૧ર૩ કેસ તંત્રના ચોપડે ચડયા હતા. પૂર્વ ઝોનના ગોમતીપુર વોર્ડમાં પણ ડેન્ગ્યુએ લોકોને બીવડાવ્યો હતો. ગોમતીપુરમાં કુલ ૧૧પ કેસ મળી આવ્યા હતા.
આ ઉપરાંત દક્ષીણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં કુલ ૧૧૪ કેસ નોધાવા પામ્યા હતા. જયારે દક્ષીણ ઝોનના બહેરામપુરામાં પણ ડેન્ગ્યુના કેસો સેન્ચુરીથી પણ આગળ વધીને ૧૧૦ કેસ નોધાવ્યા હતા. બીજાઅર્થમાં આ પાંચ વોર્ડ ડેન્ગ્યુના એપી સેન્ટર બન્યાં હતાં.