જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી: મહિલાની પેટમાંથી કપડું મળી આવ્યું
(પ્રતિનિધિ) ભરૂચ, સુરતના અમરોલી ખાતે રહેતાં શૈલેષ જશુ સોલંકીના લગ્ન જંબુસરની અમિષા સાથે થયા હતા. તેમની પત્ની અમિષાને ગર્ભ રહેતા તે તેના પિયરે આવી હતી. દરમ્યાનમાં ૫ મહિના પહેલાં એટલે કે તા.૨૨ મી સપ્ટેમ્બરના રોજ તેમની પત્નીને જંબુસર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં પ્રસૃતિ માટે દાખલ કરી હતી.જ્યાં મહિલા તબીબ ડૉ.ચાર્મી આહીરે તેમની પત્નીનું સિઝેરીયન ઓપેરશન કર્યું હતું. Negligence of Jambusar Sub District Hospital: Cloth found in woman’s stomach
જેના બીજા દિવસે તેમની પત્નીનું પેટ ફુલી જતાં તબીબે તેમને હેવી દવા આપી હતી.તેમ છતાં તેને સારું ન થતાં જંબુસરની જ તુષાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં થોડા દિવસની સારવાર બાદ સારૂ લાગતાં તેઓ સુરત તેમના ઘરે ગયાં હતાં.જોકે તે બાદ પણ તેમને પેટમાં સતત દુઃખાવો રહેતાં અન્ય તબીબ પાસે જતાં ડોક્ટરે તેમની પત્નીનું સોનોગ્રાફી કરાવતાં તેના પેટમાં કપડું રહી ગયું હોવાનું માલુમ પડ્યું હતું.
જેથી તેમણે ડૉ.ચાર્મી આહીરનો સંપર્ક કરતાં તેમેણ તેમની ઓસ્પિટલમાં પુરતા સંસાધન ન હોઈ એસએસજીમાં જવા જણાવતાં તેઓ વડોદરા ગયા હતા.જોકે વડોદરા એસએસજીમાં પણ તેમને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતાં સુરત આવી તેમની પત્નીનું બે મહિના બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતાં ૨૯ મી નવેમ્બરે ઓપરેશન કરી તેમના પેટમાંથી કપડું કાઢ્યું હતું. સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડૉ.ચાર્મી આહીરની ગંભીર બેદરકારી જણાતાં તેમણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.