ગુજરાતની 20માંથી 8 નદીને પ્રદૂષણ મુક્ત જાહેર: નદીઓને પ્રદૂષિત કરતા એકમો સામે કડક કાર્યવાહી કરાશે
સાબરમતી નદીના પાણીની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો થઈ રહ્યો છે : નદીઓને પ્રદૂષણ મુક્ત કરવા સરકાર સંપૂર્ણ કટિબદ્ધ -વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ
સાબરમતી નદીના પ્રદૂષણ માટે નામદાર હાઇકોર્ટમાં થયેલ PIL ના પગલે આ તમામ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટનું NEERI જેવી રાષ્ટ્રની પ્રથમ પંક્તિની પર્યાવરણ સંસ્થા પાસે અભ્યાસ કરાવડાવી સીઇટીપીમાં સુધારો વધારો કરવામાં આવ્યો છે.આ સુધારાને પરીણામે હાલમાં મેગા પાઈલપાઈન જે કે આ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટના પાણીનું વહન કરે છે તેની ગુણવત્તામાં છેલ્લા ૨ વર્ષમાં અંદાજે ૩૦% થી વધુ સુધારો આપણે મેળવી શક્યા છીએ
અને હાલમાં સીપીસીબી દ્વારા નિયત કરેલ ધારાધોરણ કરતા લગભગ નજીકની ગુણવતાનું ઔદ્યોગિક પાણી સાબરમતી નદીમાં નિકાલ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘરગથ્થા પાણીના નિકાલ માટે એસ.ટી.પી. (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) બનાવવામાં આવેલ છે જેના આધુનિકીકરણની કામગીરી વલ્ડૅ બેન્કની સહાયથી ચાલી રહી છે.
આમ, સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રયત્નોને પરિણામે હાલ સાબરતમી નદીનાં પાણીની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો થઈ રહ્યો છે.સરકાર સાબરમતી સહિત તમામ નદીઓને પ્રદૂષણ મુક્ત કરવા કટીબદ્ધ છે તેમ,વિધાનસભા ગૃહમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ધારાસભ્ય શ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું.
મંત્રી શ્રી પટેલે ગૃહમાં વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે , સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વર્ષ ૨૦૧૮માં જાહેર કરેલ દેશની ૩૫૧ નદીઓનાં પટ્ટાઓમાંથી ગુજરાતની જાહેર કરેલ ૨૦ નદીનાં પટ્ટાઓમાંથી ૦૮ નદીને પ્રદુષણ મુક્ત જાહેર કરી છે. વર્ષ ૨૦૨૨માં જાહેર કરેલ રીપોર્ટ મુજબ ફક્ત ૧૩ નદીઓ જ બાકી રહી છે. જેને સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત કરવા સરકાર પ્રતિબદ્ધ છે. આ ૧૩ નદીઓ પણ પ્રદૂષણ મુક્ત બને તે દિશામાં ગુજરાત સરકાર કામ કરી રહી છે.
મંત્રીશ્રીએ વધુમાં, કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ જેવી કે, CETP વિગેરે દેશમાં અગ્રસ્થાન ધરાવે છે.જો કોઈ પણ ઔદ્યોગિક ગૃહો કે સંસ્થાઓ દ્વારા પર્યાવરણીય કાયદાનું ઉલ્લબંધન કરવામાં આવશે, તો કોઈને પણ છોડવામાં આવશે નહીં અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ સરકાર પાછી પાની નહીં કરે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
સાબરમતી નદીમાં પાણી પ્રદૂષણનો પ્રશ્ન અંગે મંત્રીશ્રીએ ગૃહમાં કહ્યું હતું કે,સાબરમતી નદીમાં પાણી પ્રદૂષણ માટે મુખ્ય બે કારણો છે.જેમાં ઔદ્યોગીક પાણીનો નિકાલ અને ઘરગથ્થુ પાણીનો નિકાલ.ઔદ્યોગીક પાણીનો પ્રશ્ન છે તો, અમદાવાદ શહેરમાં વટવા, ઓઢવ, નરોડા,નારોલ, દાણીલીમડા, જેવા ઔદ્યોગીક વિસ્તારો આવેલા છે.
આ ઔધોગીક વસાહતોમાં મુખ્યત્વે લઘુ તથા સુક્ષ્મ એકમો આવેલા છે. આ ઔદ્યોગીક એકમોમાંથી નીકળતા ઔદ્યોગીક ગંદાપાણીને ૮ જેટલા સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટમાં ટ્રીટ કરીને સાબરમતી નદીમાં નિકાલ કરવામાં આવે છે. રાજય સરકાર સાબરમતીનાં પાણી પ્રદૂષણને લઈને ખુબ જ ચિંતીત છે.
આ પાણીનાં પ્રદૂષણનાં સુધારાને લઇને સરકાર સતત પ્રયત્નશીલ છે. આજ કડીમાં કેબિનેટ મંત્રીશ્રી અને મારા દ્વારા આ વિભાગમાં મંત્રી તરીકે આ વસાહતના કેટલાક સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટની તથા મેગા પાઈપલાઈનની ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમાં જવાબદાર અધિકારીશ્રીઓ તથા ઉદ્યોગ ગૃહોનાં પ્રતિનિધીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.
તેમણે કહ્યું કે,અમદાવાદ પૂર્વ વિસ્તારમાં આવેલ ૬ સી.ઇ.ટી.પી.માંથી ટ્રીટ કરેલ ઔદ્યોગિક પાણી મેગા પાઈપલાઈન મારફતે સાબરમતી નદીમાં નિકાલ કરવા આવે છે.નારોલ ટેક્ષટાઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ (NTIEM) સી.ઇ.ટી.પી.ને તેની અલગ પાઈપ લાઇન દ્વારા કરવામાં આવે છે.અમદાવાદના દાણીલીમડા-બહેરામપુરા વિસ્તારના ટેક્ષટાઈલ એકમો માટેનો ઘી અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ એસોસીએશનનો ૩૦ એમ.એલ.ડી. ક્ષમતાના સામુહિક શુધ્ધિકરણ પ્લાન્ટ (CETP) માથી ટ્રીટ કરેલ ઔદ્યોગિક પાણીનો બંધ પાઇપલાઇન દ્વારા AMC ના 180 MLD પીરાણા STP ના આઉટલેટ પાસે મિસિંગ ચેમ્બરમાં થઈને સાબરમતી નદીમાં છોડવાની પરવાનગી આપવામાં આવેલ છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.