પુરઝડપે આવી રહેલી બોલેરો ઉભેલા ડમ્પરમાં ઘૂસી ગઈ: 5 લોકોનાં મોત
અમદાવાદ-ધોળકા હાઈવે પર ગોઝારો અકસ્માત: પાંચના મોત
અમદાવાદ, ગુજરાતના હાઈવે અકસ્માતના કારણએ અનેક વખત રક્તરંજિત થયા છે. બેફામ ડ્રાઈવિંગ કરતાં વાહનચાલકોના કારણે ઘણી વખત રાહદારી તેમજ અન્ય વાહનચાલકોને મોતને ભેટવાના દિવસો આવી જતા હોય છે. ગુજરાતના કેટલાક હાઈવે અકસ્માતોના કારણે પંકાયેલા છે, જે પૈકી એક છે અમદાવાદ – બગોદરા હાઈવે અને બીજો છે અમદાવાદ-ધોળકા હાઈવે. સવારે એક ગમ્ખ્વાર અકસ્માત સર્જાયો છે, જેના કારણે હાઈવે રક્તરંજિત બન્યો છે.
ધોળકાના પૂલેન સર્કલ પાસે ડમ્પર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતાં પાંચ લોકોના કમકમાટીભર્યાં મોત નિપજ્યાં છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ પાંચેય લોકોના ઘટના સ્થલે જ મોત નિપજ્યાં હતાં, જ્યારે બે લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સવારે મોતની ચિચિયારીઓથી અમદાવાદ-ધોળકા હાઈવે ગુંજી ઉઠ્યાં છે. અમદાવાદ-ધોળકા હાઈવે પર વહેલી સવારે બોલેરો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે પાંચ લોકોને ઘટના સ્થળે જ કાળ ભરખી ગયો હતો, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માત વહેલી પરોઢના સાડા ચાર વાગ્યાની આસપાસ બન્યો હતો. ડમ્પર હાઈવેની સાઈડમાં ઉભું હતું. જ્યારે બોલેરો પુરઝડપે આવી હતી. બોલેરો એકાએક ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી. બોલેરો અથડાતાંની સાથે જ તેમના બેસેલા પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યા હ તાં. આ અકસ્માત એટલો ભયંકર હતો કે લોહી ભરેલાં ખાબોચિયામાં મૃતદેહો પડ્યા હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ અકસ્માતમાં બે લોકોને ઈજા થઈ છે, જેમને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ સ્થાનિક પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર દાહોદના શ્રમિકો મજૂરીકામ માટે બોલેરોમાં બેસીને રાણપુર જઈ રહ્યા હતા ત્યારે તેમને ધોળકાના પુલેન સર્કલ પાસે અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો તેમજ બોલેરોની અંદર રહેલા લોકો લોહીલુહાણ હાલતમાં બહાર રસ્તા પર ફેંકાયા હતા. ઘટનાના પગલે અરેરાટી મચી ગઈ હતી.
રોજી-રોટી રળવા માટે શ્રમિકો રાણપુર જઈ રહ્યા હતા, જેમાં મનીષા નીતેશભાઈ ભીલવાડ અને તેનો ભાઈ રામચંદ્ર ભીલવાડ બોલેરોમાં પાછળની સીટ પર બેઠાં હતાં. બોલેરોમાં ડ્રાઈવરની બાજુમાં એક યુવક બેઠો હતો, જ્યારે ત્રણ વ્યક્તિઓ વચ્ચેની સીટમાં બેઠી હતી, જ્યારે બોલેરો ડમ્પરમાં ઘુસી ગઈ ત્યારે ડ્રાઈવર, તેની બાજુમાં બેઠેલા યુવક અને પાછળ બેઠેલા ત્રણ લોકોના મોત થયાં હતાં, જ્યારે ભાઈ-બહેનને પણ સામાન્ય ઈજા પહોંચી હતી.
તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હાલમાં બંને દર્દીઓની હાલત સ્થિર છે. એક દર્દીને સિવિલ હોસ્પિટલના ઓર્થાેપેડિક વિભાગમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત યુવાનને સર્જરી વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે પાંચના મૃતદેહોને ધોળકાની જ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.