મુખ્ય નિર્વાચન અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી તાલીમ વર્કશૉપ યોજાયો
આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ખર્ચ નિરીક્ષણ અને TIP અંતર્ગત મહત્તમ મતદાન થાય તે માટેના પ્રયાસો અંગે અપાઈ વિસ્તૃત તાલીમ
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને રાજ્યભરના તમામ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓનો તાલીમ વર્કશૉપ યોજાયો હતો. લોકસભા ચૂંટણીમાં ખર્ચ નિરીક્ષણના ડિસ્ટ્રીક્ટ નોડલ ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવેલા જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને એક્સાઈઝ, ઈન્કમટેક્સ, ખર્ચ નિરીક્ષણ તથા તેને સંલગ્ન કામગીરી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ IT પ્લેટફોર્મ્સ અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી સંદર્ભે તમામ પ્રકારના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી-૨૦૨૪ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર સહિતના ખર્ચ કરવામાં આવશે. જેના હિસાબો અને ખર્ચ નિરીક્ષણ અંગે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા રાજ્યભરના જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને ખર્ચ નિરીક્ષણ માટેના ડિસ્ટ્રીક્ટ નોડલ ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ચૂંટણીઓના સુચારૂ, પારદર્શી અને ન્યાયી સંચાલન માટે ઉમેદવાર તથા પક્ષો દ્વારા કરવામાં આવનાર ખર્ચ તથા તેના હિસાબો અંગે પોલીસ અને એક્સાઈઝના સ્ટેટ નોડલ ઑફિસરશ્રી નરસિમ્હા કોમાર, અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી કુલદીપ આર્ય, ઈન્કમટેક્સના નોડલ ઑફિસર શ્રીમતી પૂજા પારેખ તથા નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર ડૉ. સુપ્રિયા ગાંગુલી દ્વારા વિસ્તૃત માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવ્યા હતા. સાથે જ ખર્ચ નિરીક્ષણ સહિતની કામગીરી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા IT પ્લેટફોર્મ્સના ઉપયોગ અંગે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના IT તજજ્ઞ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP) ની અમલવારી માટે પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને TIP નોડલ ઑફિસર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત ગત ચૂંટણીમાં ઓછું મતદાન ધરાવતા મતવિસ્તારોમાં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના પ્રયાસો કરવા અંગે ચર્ચા કરી મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું.