દિશાસૂચન બોર્ડના અભાવે પાણી ભરેલા ખાડામા વિદ્યાર્થિની એક્ટિવા સાથે ખાબકી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/activa.jpg)
પ્રતિકાત્મક
મોડાસામાં તંત્ર અને કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી
મોડાસા, અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં વિકાસના નામે ઠેર ઠેર રોડ રસ્તા તોડી નાખ્યા બાદ મંથર ગતિએ વિકાસના કામો થઈ રહ્યા હોવાથી શહેરીજનો તોબા પોકારી ઉઠયા છે. મોડાસા શહેરની રામપાર્ક સોસાયટી સર્કલથી બસ પોર્ટ સુધી ઠેરઠેર ખાડાથી વાહન ચાલકો ત્રાહિમામ બન્યા છે ત્યારે રામપાર્ક સર્કલ નજીક ચાલતા રોડના કામકાજમાં નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીનો ભોગ નિર્દોષ વિદ્યાર્થિની બની હતી.
રોડના કામકાજ અર્થે ખોદેલ ખાડાની બંને બાજુ કોઈ પણ પ્રકારનું દિશાસૂચન બોર્ડ ન મૂકાતા પાણીથી છલોછલ ભરેલ જોખમી ખાડામાં મોપેડ લઈ પસાર થતી વિદ્યાર્થિની ખાબકતા ભારે હો…હા મચી હતી. રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ વિદ્યાર્થિની મદદે પહોંચી ખાડામાંથી બહાર કાઢી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડી દીધી હતી.
મોડાસા શહેરના રામપાર્ક સર્કલથી આઈકોનિક બસ પોર્ટ સુધી રોડનું કામકાજ હાથ ધરવામાં આવ્યું છે. કોન્ટ્રાકટરે ઠેર ઠેર રોડ અને ખાડાઓ ખોદી કાઢતા રાહદારીઓ અને વાહનચાલકો હાલાકી અનુભવી રહ્યા છે.
રામપાર્ક સર્કલ પર કોન્ટ્રાકટરે ખોદેલ ખાડાની આજુબાજુમાં દિશાસૂચન બોર્ડ મૂકવામાં ઘોર બેદરકારી દાખવતા રોડ પરથી એક્ટિવા લઈ પસાર થતી પાણીથી ભરેલા ખાડામાં ધડાકાભેર ખાબકતા બૂમાબૂમ કરી મૂકતા રોડ પરથી પસાર થતા લોકો મદદમાં આવ્યા હતા અને વિદ્યાર્થિનીને ખાડામાંથી બહાર કાઢી હતી. જોકે વિદ્યાર્થિનીનો બચાવ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સર્કલ નજીક ખોદેલ ખાડાને કોન્ટ્રાકટરે ખુલ્લો રાખતા લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો અને વિકાસના કામોમાં કોઈ નિર્દોષનો ભોગ લેવાય નહીં તેની તકેદારી રાખવામાં આવેની માંગ શહેરીજનોમાં ઉઠી હતી.