ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા મળશે તો ૧૮ મિલિયન લોકોને ડિપોર્ટ કરવાની વાત કરી
વોશિગ્ટન, ડોનાલ્ડ ટ્રમ્પે મેરિલેન્ડના નેશનલ હાર્બરમાં ૨૪ ફેબ્રુઆરીના દિવસે આપેલી એક સ્પીચની હાલ અમેરિકામાં ખાસ્સી ચર્ચા થઈ રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૪માં થનારી પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના સૌથી આગળ ચાલી રહેલા કેન્ડિડેટ છે, અને પોતાના ઈમિગ્રન્ટ્સ પ્રત્યેના કટ્ટર વલણને કારણે પણ તેઓ હાલના દિવસોમાં સમાચારોમાં છવાયેલા છે.
ટ્રમ્પ અગાઉ પણ માઈગ્રન્ટ્સને લઈને આકરા વેણ ઉચ્ચારી ચૂક્યા છે, પરંતુ મેરીલેન્ડમાં થયેલી કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સની વાર્ષિક સભામાં ટ્રમ્પે પોતાને જો સત્તા મળી તો ૧૮ મિલિયન મતલબ કે ૧.૮ કરોડ અનડોક્યુમેન્ટેડ માઈગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાની વાત કરી છે.
ટ્રમ્પે સવા કલાકથી પણ વધુ લાંબી પોતાની આ સ્પીચમાં સાડા દસ મિનિટ સુધી માત્ર માઈગ્રન્ટ્સ પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ તેઓ પહેલું કામ મેક્સિકો બોર્ડરને સીલ કરવાનું કરશે અને માઈગ્રન્ટ્સને અમેરિકામાં ઘૂસણખોરી અટકાવીશું અને બાઈડનના શાસનકાળમાં જેટલા પણ લોકો અમેરિકામાં ઈલીગલી ઘૂસ્યા છે તે તમામ લોકોને પાછા મોકલવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું હતું કે આજે ન્યૂયોર્કના મેડિસન એવન્યૂ, ક્વીન્સ અને બ્રુકલિનની શેરીઓમાં રીતસરનો કબજો જમાવી લીધો છે. એટલું જ નહીં માઈગ્રન્ટ્સને કારણે અમેરિકામાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે તેવો દાવો કરતા ટ્રમ્પે એવું પણ કહ્યું હતું સ્થિતિ દિવસેને દિવસે કે કોઈ અમેરિકને ક્યારેય ના વિચાર્યું હોય તેનાથી પણ વધુ ખરાબ થઈ રહી છે, દેશમાં ઈલીગલી ઘૂસેલા લોકો આપણી પોલીસ પર હુમલા કરી રહ્યા છે.
અમેરિકાના રીઢા ગુનેગારો પણ જે ના કરે તેવું કામ માઈગ્રન્ટ્સ કરી રહ્યા છે. જો તેમણે આવું પોતાના દેશમાં કર્યું હોય તો તેઓ મિનિટોમાં જ ખતમ થઈ ગયા હોય, પરંતુ આ લોકો આપણા દેશમાં આવીને આપણી જ પોલીસને મિડલ ફિંગર બતાવી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ કહ્યું કે હવે અમેરિકામાં માઈગ્રન્ટ ક્રાઈમ્સ નામની એક નવી જ કેટેગરી ઉમેરાઈ ગઈ છે. તેમણે તેના માટે બાઈડન માઈગ્રન્ટ ક્રાઈમ જેવો શબ્દ પણ સ્ટેજ પરથી પ્રયોજ્યો હતો અને સાથે જ એવી વો‹નગ પણ આપી હતી કે હજુ તો સ્થિતિ વધુ ખરાબ થવાની છે.
અમેરિકામાં માઈગ્રન્ટ્સને કારણે ક્રાઈમ રેટ વધી રહ્યો હોવાનું કારણ આપતા ટ્રમ્પે પાછું એવું પણ જણાવ્યું હતું કે પોતાના દેશમાં ગુનાઈત ભૂતકાળ ધરાવતા લોકો અમેરિકામાં ઘૂસીને અસાયલમ માગી રહ્યા છે, અને અમેરિકાએ ક્યારેય ના જોયા હોય તેટલા માઈગ્રન્ટ્સ છેલ્લા ત્રણ વર્ષમાં આવી ગયા છે.
ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ત્રણ વર્ષ પહેલા અમેરિકાની બોર્ડર ઈતિહાસમાં ક્યારેય ના હોય તેટલી સુરક્ષિત હતી, તે વખતે બોર્ડર પરથી પકડાતા લોકોને પાછા મેક્સિકો મોકલી દેવાતા હતા, પરંતુ હવે બોર્ડર ક્રોસ કરનારાને પકડ્યા બાદ તેમને અમેરિકામાં જ રિલીઝ કરવામાં આવી રહ્યા છે.
ડેમોક્રેટ્સ ઓપન બોર્ડર ઈચ્છે છે તેવો દાવો કરતા ટ્રમ્પે બાઈડનનું નામ લીધા વિના જ એવું કહ્યું હતું કે તે પોતે સારા માણસ છે તેવું બતાવવા મથી રહ્યા છે, પરંતુ હું તેમની જેમ સારો બનવા નથી માગતો, અને તેમના ગયા બાદ અમેરિકામાંથી ૧૮ મિલિયન લોકોને કાઢવાનું કામ મારે જ કરવું પડશે તેમ પણ ટ્રમ્પે કહ્યું હતું.
અત્યારસુધી માઈગ્રન્ટ્સને ના કહેવાના શબ્દો કહી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આ સ્પીચમાં માઈગ્રન્ટ્સ પર વરસતા તેમને પાગલખાનાં અને જેલોમાંથી આવેલા લોકો તેમજ આતંકવાદી પણ ગણાવ્યા હતા અને સાથે જ એવું પણ કહ્યું હતું કે પોતે સત્તા પર આવતા જ અમેરિકાના ઈતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન શરૂ કરશે અને તેમ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી.SS1MS