મિલેટના વાવેતર-ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા તાલુકા કક્ષાએ ‘મિલેટ એક્ષ્પો‘નું આયોજન
સુપર ફૂડ મિલેટસને પ્રોત્સાહન આપવા યોજાશે ‘મિલેટ મહોત્સવ’
મિલેટ મહોત્સવની મુલાકાત લઇ નાગરીકો સ્વસ્થ અને આરોગ્યમય જીવન માટે જાડા ધાન્યોનો આહારમાં સમાવેશ કરવા પ્રેરિત થશે
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ભારતના પરંપરાગત જાડા ધાન્યો (શ્રીઅન્ન)ને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રોત્સાહિત કર્યા છે. માનવ સ્વાસ્થય માટે આવશ્યક શ્રીઅન્નના મહત્વ અંગે લોકજાગૃતિ કેળવવા રાજ્ય સરકારે તા. ૧ થી ૩ માર્ચ, ૨૦૨૪ દરમિયાન ત્રિ-દિવસીય “મિલેટ મહોત્સવ”નું આયોજન કર્યું છે.
સ્વસ્થ થઈને હોસ્પિટલથી ડીસ્ચાર્જ થયા બાદ ગાંધીનગર ખાતે પહોંચતાની સાથે તુરંત જ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ ફરી એકવાર પ્રજાકલ્યાણના કામમાં જોડાઈ ગયા છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત મિલેટ મહોત્સવ અંગે માહિતી આપતા મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, ગુજરાતના મોટા શહેરોમાં વસતા નાગરિકો મિલેટ એટલે શ્રીઅન્નનું મહત્વ સમજી શકે તે માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર અને જૂનાગઢને મળી રાજ્યની તમામ આઠ મહાનગર પાલિકા ખાતે ‘મિલેટ મહોત્સવ‘ યોજાશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના સૂચનથી સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. જેની ભવ્ય ઉજવણી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪માં ‘મિલેટના વિકાસ માટેની યોજના‘ અમલમાં મૂકવામાં આવી હતી.
મિલેટ મહોત્સવ નિમિત્તે આ યોજના હેઠળ ખેડૂતોને શ્રીઅન્ન પાકોના વાવેતર અને ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા તાલુકા કક્ષાએ ‘મિલેટ એક્ષ્પો‘નું પણ આયોજન કરવામાં આવ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, મહાનગરપાલિકાઓ ખાતે આયોજિત મિલેટ મહોત્સવમાં શહેરીજનો માટે મિલેટનું ફાર્મ ટુ ફોર્ક થીમ પેવલીયન, મિલેટસ બેઇઝ ફૂડ પ્રોડક્ટ્સ, રેડી ટુ કુક અને રેડી ટુ ઇટ મિલેટ્સ પ્રોડક્ટ્સ સહિત હેન્ડિક્રાફટના સ્ટોલ અને મિલેટની અવનવી વાનગીઓના લાઇવ ફૂડ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.
કૃષિ વિભાગ દ્વારા આયોજીત આ મિલેટ મહોત્સવની મુલાકાત લઇ નાગરીકો સ્વસ્થ અને આરોગ્યમય જીવન માટે રોજ બરોજના આહારમાં જાડા ધાન્યોનો સમાવેશ કરવા પ્રેરિત થશે. સાથે જ ખેડૂતોની આજીવિકા વધારવા પણ સહાયરૂપ થશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.