પાણી અને પ્રદૂષણના પ્રશ્ને કેજરીવાલ પર તીવ્ર પ્રહારો
નવીદિલ્હી: દિલ્હીની ૧૭૩૧ કોલોનીને નિયમિત કરવાને લઇને ભાજપ તરફથી આયોજિત આભાર રેલીમાં મોદીએ પાણી અને પ્રદૂષણના મુદ્દા ઉપર કેજરીવાલ સરકારની પણ જારદાર ઝાટકણી કાઢી હતી. મોદીએ સુધારા નાગરિક બિલની સામે પ્રદર્શન કરતા વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ ગેરકાયદે કોલોની, માર્ગો, બસ, મેટ્રોના મુદ્દા ઉપર કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, દિલ્હીમાં સૌથી મોટી સમસ્યા પાણીની છે. કેજરીવાલ સરકારની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો દિલ્હીમાં તમામને બિસ્લરી જેવું પાણી મળે છે પરંતુ દિલ્હી સરકારની આ બાબત સાથે કોઇપણ સહમત થઇ શકે નહીં.
દિલ્હીના લોકોને બિનઇમાનદાર કહીને તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે. વાસ્તવિકતા એ છે કે, દિલ્હીમાં આજે સૌથી વધુ પ્રમાણમાં વોટર પ્યુરિફાયરનું વેચાણ થઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, જે લોકો પ્યુરિફાયર ખરીદી રહ્યા નથી તે લોકો ૪૦થી ૫૦ રૂપિયામાં બોટલ ખરીદી રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં નળથી પાણી આવતું નથી અને જે પાણી આવે છે તે પાણી પર લોકોને વિશ્વાસ નથી. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી ઉદય યોજના હેઠળ દિલ્હીના લોકોને પોતાના મકાનની જમીન ઉપર માલિકી હક મળી ગયા છે.