૫ દિવસના વિરામ બાદ જૂનાગઢમાં માર્કેટ યાર્ડમાં કાચી કેરીની આવક
જૂનાગઢ, છેલ્લા પાંચ દિવસથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની આવક બંધ થઈ ગઈ હતી. આજે ફરીથી થોડા દિવસોના વિરામ બાદ બે ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી. એક મણ કાચી કેરીનો ઊંચો ભાવ ૫,૦૦૦ રૂપિયા નોંધાયો હતો, જ્યારે નીચો ભાવ ૨,૫૦૦ રૂપિયા નોંધાયો હતો. કાચી કેરી સ્વાદે તો ખાટી હોય છે, પરંતુ હાલમાં તેનો ભાવ પણ ખાટો જોવા મળી રહ્યો છે.
એક મણના ૫,૦૦૦ રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. એટલે એક કિલોના ૨૫૦ રૂપિયા થયા. આજ કેરીનો ભાવ બજારમાં ૪૦૦ રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે.
કારણ કે, સારી અને ગુણવત્તા યુક્ત કેરી જ્યારે લોકો ખરીદવા નીકળે ત્યારે તેમને સારા એવા કિંમત પણ ચૂકવવી પડે છે. હાલમાં નાની સાઈઝની અને ખાખડીની કિંમત ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી બોલાઈ રહી છે.
આ વખતે કેરીની આવક મોડી નોંધાઈ છે અને કેરીનો પાક પણ દર વર્ષ કરતાં ઓછો નોંધાયો છે. એટલે આ વર્ષે કેરીનો ભાવ પણ ઊંચો રહેવાની શક્યતા છે. કારણ કે, જે રીતે હાલમાં કેરીની આવક દર વર્ષે નોંધાતી હોય છે, તે પ્રકારની કોઈપણ આવક અત્યારે હાલમાં બજારમાં જોવા મળી રહી નથી.
હાલ હાફૂસ કેરીની આવક થઈ રહી છે, પરંતુ હજી કેસર કેરીની આવક તો હજુ બાકી છે અને હાલમાં જોવા જઈએ, તો આંબામાં પણ ક્યાંક ને ક્યાંક તાપમાનની ખરાબ અસરને લીધે પ્રતિકૂળતા જોવા મળી રહી છે અને પાક યોગ્ય રીતે જોવા મળતો નથી એટલે ખેડૂતો પણ હાલ આ પરિસ્થિતિને લીધે ચિંતામાં જોવા મળી રહ્યા છે.SS1MS