શાહપુર સ્થિત વિશ્વભારતી સ્કૂલમાં સાયન્સ કાર્નિવલનું આયોજન
અમદાવાદ, શાહપુર સ્થિત વિશ્વભારતી હાઈસ્કૂલ, વિશ્વભારતી ઇંગલિશ સ્કૂલ તથા વિશ્વભારતી બાલ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે તારીખ 2 તથા 3 માર્ચના રોજ ભવ્ય વિશ્વભારતી સાયન્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ.
જેમાં 200 થી વધુ પ્રયોગો સાથે શાળાના આશરે 400 થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રયોગો દ્વારા શિક્ષણ ગણના નિદર્શન હેઠળ પોતાની રજૂઆત પ્રદર્શિત કરી અને શૈક્ષણિક કારકિર્દીમાં એક નવા મોરપીંછને ધારણ કર્યું. આ સાયન્સ કાર્નિવલમાં “વ્યવહારિક જીવનમાં વિજ્ઞાન” આ વિષયને મુખ્યત્વે વણી લેવામાં આવ્યો.
જેમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ખગોળવિજ્ઞાન પર આધારિત પ્રયોગોને રજૂ કરવામાં આવ્યા જેમાં વિશેષતા એ હતી કે કોઈપણ શાળાના વિદ્યાર્થી પરિવાર સાથે અહીં આવીને ઇચ્છિત પ્રયોગ જાતે કરી શકે.
આ ભવ્ય સાયન્સ કાર્નિવલને અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમાન આર. એમ. ચૌધરી સાહેબ તથા લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટના ચેરમેન શ્રીમાન સોહેલભાઈ તીરમિઝી સાહેબ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો.
શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમાન મોઇઝુદ્દીન ચિશ્તી સાહેબે શાળા તરફથી શરૂ કરવામાં આવેલ ઇકરા પ્રોજેક્ટ કે જે સંજોગોવાત અભ્યાસથી વિમુખ થઈ ગયેલ વ્યક્તિઓને જરૂરી તમામ સહાય કરી અભ્યાસ કરવા પ્રેરિત કરે છે. શાળા તરફથી એક ઓપન લાઇબ્રેરીને પણ સમાજને અર્પણ કરવામાં આવી. તથા ટૂંક સમયમાં જ વિશ્વભારતી શાળા સમાજના તમામ બાળકો માટે એક કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખુલ્લુ મુકવા જઈ રહી છે તેની જાહેરાત કરી.
શ્રીમાન ચૌધરી સાહેબે જણાવ્યું કે ગુજરાતની કેટલીક આંગળીના વેઢે ગણી શકાય તેટલી શાળાઓ પૈકી આ એક શાળા છે કે જે વિશ્વભારતી નામને સાર્થક કરી રહી છે.
સાયન્સ કાર્નિવલમાં બાળકોના પોતાના પ્રયોગો, તથા વાલીગણનો રસ તથા સાથ અને સહકાર જોઈને શ્રીમાન ચૌધરી સાહેબે જણાવ્યું કે હાલના સમયમાં અત્યારે આવો માહોલ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે.
તેઓએ માતા પિતાને અનુરોધ કર્યો કે તમે બાળકો સાથે સતત આવી રીતે જ જોડાયેલા રહો. સ્વીકાર કરવો, સરખામણી ન કરવી, તંદુરસ્ત સ્પર્ધા તરફ દોરવા, બાળકોને સમય આપો અને બાળકોને સપોર્ટ કરો બાળકોને ખરી જરૂર તે જ છે. શ્રીમાન સોહેલ સાહેબે જણાવ્યું કે શાળા ખૂબ જ સારી રીતે બાળકોને તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડી રહી છે અને આપણે સૌએ બાળકોને સારા દ્રષ્ટાંતોથી પ્રોત્સાહિત કરી તેમના જીવન ઘડતરમાં ફાળો આપવો જોઈએ.
મહેમાનોએ શાળાના આ ઉમદા પ્રયાસને ખૂબ જ બિરદાવ્યો. વિશ્વભારતી શિક્ષણ સંકુલના નાના મોટા તમામ કર્મચારી ગણ તથા વાલીગણના સાથ અને સહકારથી વિશ્વભારતી સાયન્સ કાર્નિવલનું સફળ આયોજન કરવામાં આવ્યું.