BJPને 400 પાર કરવામાં દક્ષિણ ભારત મોટું વિઘ્ન છે? જાણો કેમ
૨૦૨૪ માટે ભાજપે મિશન “અબ કી બાર ૪૦૦ કે પાર” કરવાનું લક્ષ્ય રાખ્યુ છે અને તે પાર પાડવામાં દક્ષિણમાં પણ જોર લગાવવું પડશે, લોકસભાની ૫૪૩માંથી દક્ષિણ ભારતની ૧૩૨ બેઠકો બાદ કરો તો દેશની ૪૧૧ બેઠકોમાંથી ભાજપે બહુમતી બેઠકો કબ્જે કરવી પડે
પણ ખાસ કરીને ધારાસભા ચૂંટણીમાં જે રીતે ભાજપે દક્ષિણમાં કર્ણાટક ગુમાવી અને તેલંગાણામાં પણ કોંગ્રેસ બાજી મારી ગઈ આ ક્ષેત્ર હજુ ટફ ગણાય છે-દક્ષિણના રાજ્યો ભાજપને કેટલો સાથ આપશે ?
લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન આગામી મહિનાના પ્રારંભથી જ શરૂ થઈ જશે તે સમયે એક તરફ ભારતીય જનતા પક્ષ ફક્ત ઉમેદવારના નામ જાહેર કરવાનું બાકી રાખીને તેના પ્રચારને અંતિમ છેડા સુધી પહોંચાડી દીધો છે જ્યારે બીજી તરફ વિપક્ષોમાં હવે આખરી ઘડીએ જીવ આવ્યો હોય તે રીતે એક બાદ એક રાજ્યમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક સમજુતીના સમાચાર આવી રહ્યા છે.
સૌથી મહત્ત્વનું ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષ સાથે કોંગ્રેસે જે રીતે આખરી ઘડીએ સમાધાન કરીને પણ ૧૭ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી બતાવી અને ગઇકાલે જ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં અખિલેશ યાદવ પણ જોડાઈ ગયા તે પછી ઉત્તરપ્રદેશમાં કેટલો ફર્ક પડી શકશે તે સૌથી મોટો પ્રશ્ન છે.
રાજ્યની ૮૦ બેઠકોમાંથી ભાજપને એક પણ બેઠક ગુમાવવી પોષાય તેમ નથી. કારણ કે દક્ષિણના રાજ્યમાં જે કંઈ પક્ષના ધારી સફળતા નહીં મળે તેની સામે તેને પશ્ચિમ અને ઉત્તર ભારતમાં સૌથી વધો સ્કોર કરવો પડશે તેથી જ ભાજપે તેની વ્યુહરચનામાં થોડો ફેર કરવો પડશે તો આશ્ચર્ય થશે નહીં ખાસ કરીને કર્ણાટક જેવા રાજ્યોમાં કે જ્યાં ભાજપે ગત ચૂંટણીમાં મોટી સફળતા મેળવી હતી.
તે સાથે જ પશ્ચિમ બંગાળ કે જ્યાં પણ ભાજપને ૨૦૧૯ની પરિસ્થિતિ રિપીટ થવાની આશા છે ત્યાં પણ કેટલી સફળતા મળે છે તે પ્રશ્ન છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે રીતે આક્રમણ શરૂ કર્યું છે તે પછી જો ૪૦૦ કે તેની આસપાસ બેઠકો ન મળે તો કદાચ ભાજપ માટે મિશન ૨૦૨૪ના જે આયોજનો છે તે ૨૦૨૯ ઉપર પાછા ઠેલવા પડે તે પક્ષ માટે આંચકો હશે. ખેડુત આંદોલન સમાપ્ત થયું નથી પરંતુ જે રીતે તેમાં બ્રેક લાગી છે તેથી કદાચ સંભવ છે કે આ આંદોલન ભાજપ માટે કોઈ ચિંતા સર્જાઈ નહીં.
કોંગ્રેસ સાથે જોડાણ બાદ અખિલેશ યાદવ પુરા ફોર્મમાં આવી ગયા છે તમામ ૮૦ બેઠકો પર ભાજપ હારશે તે આગાહી કરી લીધી છે. ૨૦૧૯માં ભાજપે ૬૨ બેઠક મેળવી હતી જ્યારે તેના સહયોગી અપના દળને બે બેઠક મળી હતી. સૌથી મોટું ફેક્ટર બહુજન પાર્ટી છે ૨૦૧૯માં ૧૦ બેઠક મેળવી હતી પરંતુ ૨૦૨૪ આવતા આવતા માયાવતી રાજકીય રીતે સક્રિય રહ્યા નનથી અને તે પોતાનો સ્કોર રીપીટ કરી શકે કેમ તેના કરતા ખાતુ ખોલી શકશે કે કેમ તે પ્રશ્ન છે.
સમાજવાદી પાર્ટીને પાંચ, સોનેવાલ ગ્રુપને બે બેઠકો અને કોંગ્રેસને એક બેઠક મળી હતી. આમ ઉત્તરપ્રદેશમાં ૨૦૧૯ પછી પણ પરિસ્થિતિ હજુ પ્રવાહિત છે. બીજી તરફ દિલ્હીમાં પણ બેઠક સમજૂતી થઈ છે અને હરિયાણામાં પણ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને છુટો દોર આપી દીધો હોય ફક્ત એક બેઠક પર તે ચુંટણી લડી રહી છે.
પરંતુ સૌથી મોટો પ્રશ્ન સાઉથ એ હવે ભાજપને કેટલો સાથે આપશે તેના પર સૌની નજર છે અને તેમાં પશ્ચિમ બંગાળ, ઓડિસા ઉપરાંત કર્ણાટક, તેલંગાણા અને કેરળ જેવા નાના રાજ્યો પણ મહત્વના બની જશે. ભાજપે જે રીતે ૫૧ ટકા મત મેળવવા માટે અને અબકી બાર ૪૦૭ કે પાર સુત્રને સાર્થક કરવા પ્રયત્ન કર્યાે છે તેમાં ગત ચૂંટણીમાં હારેલી ૧૬ બેઠકોમાં પણ સૌથી વધુ બેઠકો સાઉથની છે.
આ ક્ષેત્રની ૧૩૨ બેઠકમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપને સમાન એટલે ૨૯-૨૯ બેઠક મળી હતી પ્રાદેશિક બેઠકને ૭૪ બેઠક ગઈ હતી. વડાપ્રધાન જે રીતે ચૂંટણી પ્રચારના પ્રારંભમાં દક્ષિણના રાજ્યો કેરળ અને લક્ષદ્વીપ પહોંચ્યા તે પછી કદાચ ભાજપને વધુ તક મળે તો પણ આશ્ચર્ય થશે જ્યારે તામિલનાડુ સૌથી મોટુ રાજ્ય છે અને ત્યાં ૩૯ સાંસદો લોકસભામાં આવે છે.
કર્ણાટકમાં ૨૮, આંધ્રપ્રદેશમાં ૨૫, કેરળમાં ૩૦ અને તેલંગાણામાં ૧૭ તેમજ પોંડીચેરી, લક્ષદ્વીપ, અંદમાન નિકોબારના એક એક સાંસદ લોકસભામાં આવે છે. ૨૦૧૯માં તામિલનાડુમાં ભાજપને એક પણ બેઠક મળી ન હતી અને આ ચૂંટણીમાં તમિલ સંગમ સહિતના આયોજનો છતાં પણ ભાજપને કોઈ સફળતા મળે તેવી આશા નહીંવત છે. સૌથી મહત્ત્વનું કર્ણાટક છે. ભાજપે ૨૦૧૯માં ૨૮માંથી ૨૫ બેઠકો જીતી હતી.
પરંતુ હાલમાં યોજાયેલી ધારાસભ્યની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસે પ્રચંડ બહુમતી મેળવી પછી ભાજપને લોકસભામાં ૨૦૧૯ જેટલી સફળતા મળશે કે કેમ તે પ્રશ્ન છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં પણ ભાજપ ૨૦૧૯માં નીલ રહ્યું હતું. અને હવે ફરી એક વખત ચંદ્રબાબુ નાયડુ અને સ્થાનિક નેતાને સાથે એક બે બેઠકો જીતવા માંગે છે પણ વાયએસઆર કોંગ્રેસમાં જ રીતે જગન્ન મોહન રેડ્ડી અને તેના બહેન વચ્ચે વિખવાદ છે
અને જગન્ન મોહનના બહેને જે રીતે કોંગ્રેસનો પાલો પકડ્યો તે પછી આ રાજ્યમાં ભાજપને તો જ ફાયદો થશે જો ચંદ્રબાબુ નાયડુ કોઈ મહત્ત્વની સપળતા મેળવી શકશે. તેલંગાણામાં ૧૭ બેઠકમાં ભાજપને ૨૦૧૯માં ચાર મળી હતી પરંતુ વિધાનસભા ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષ ભારત રાષ્ટ્રીય સમિતિ અને તેના વડા તેમજ પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવનો જે રીતે સફાયો થયો અને કોંગ્રેસે સતા હાંસલ કરી તે પછી ભાજપ માટે ચાર બેઠકો બચાવવી પણ પ્રશ્ન છે.