પાણીનું સેટીંગઃ કેટલીક સોસાયટીના સભ્યો સ્ટાફ સાથે મળી મોડીરાત્રે પાણી ચાલુ કરાવે છે
રાજકોટમાં પાણીના ધાંધિયાથી કંટાળીને લોકો રેલી કાઢી કોર્પોરેશનમાં પહોંંચ્યા
રાજકોટ, રાજકોટ શહેરના વોર્ડ નં.૧૧માં આવેલ અંબીકા ટાઉનશીપ વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાથી આજે વિસ્તારમાં લોકો રેલીરૂપે મહાપાલીકામાં આવ્યા હતા. અહી પાણી મામલે દેખાવો કરતાં હંગામો મચી ગયો હતો. આ તકે લોકોએ કોર્પોરેટરો અને અધિકારીઓ પર તડાપીટ બોલાવી પાણી પ્રશ્ન ઉકેલવા અઠવાડીયાની મહેતલ આપી છે.
પાણી મામલે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં રજુઆત માટે આવેલા અંબીકાટાઉનશીપના લોકોએ રજુઆતમાં જણાવ્યું હતું કે અંબીકા ટાઉનશીપમાં જુદા જુદા એપાર્ટમેન્ટ અને સોસાયટીમાં પુરતા પ્રમાણમાં પાણી મળતું નથી. અમુક સોસાયટી અને ટાવરવાળા લોકો કોર્પો.ના પાણી વિતરણ કરતા સ્ટાફ સાથે સેટીગ કરે છે. અને તેઓને મોડીરાત્રે પણ પાણી આપવામાં આવે છે.
ટાઉનશીપમાં નવા પમ્પનું કામ કાચબા ગતીએ ચાલે છે. હવે અઠવાડીયામાં પ્રશ્ન ઉકેલવામાં નહી આવે તો વિસ્તારમાં વસતા પરીવારો કોર્પો.ઓફીસ સામે ધરણા કરશે તેવી ચીમકી અપાઈ છે.
લોકોએ કહયું હતું કે, આ વિસ્તારમાં પાણીની સમસ્યા રોજનો પ્રશ્ન છે. સવારે પાણી હોય તો સાંજે ખાલી થઈ જાય એટલું જ મળે છે. કોર્પોરેટરોને અનેક વખત રજુઆત કરવામાં આવી છે થોડા દિવસ પહેલા કમીશ્નર અને કોર્પો. એપ્લીકેશનમાં પણ ફરીયાદ નોધાવવામાં આવી છે. ર૦ દિવસથી તો સતત રજુઆતો કરવામાં આવે છે. આથી હવે લોકોની ધીરજનો અંત આવી ગયાનું આજે જણાવ્યું હતું.