Western Times News

Gujarati News

પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાશે તો ટ્રાફિક પોલીસ બાઈક ઉપર પહોંચાડશે

સુરત, આગામી સમયમાં બોર્ડની પરીક્ષા શરુ થઇ રહી છે. તો બીજી તરફ હાલમાં શહેરમાં મેટ્રોની કામગીરી પણ ચાલી રહી છે ત્યારે કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ન ફસાય અને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા એક હેલ્પ લાઈન નબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેના પર કોલ કરવાથી મદદ પણ મળશે.

આગામી તારીખ ૧૧-૦૩-૨૦૨૪થી ૨૬-૦૩-૨૦૨૪ સુધી સમગ્ર રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જેથી વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે અને કોઈ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જરૂરી આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં પરીક્ષા શરુ થવા તેમજ પરીક્ષાર્થીના છૂટવાના સમયે ટ્રાફિક શાખાના અધિકારીઓ પોત પોતાના વિસ્તારમાં હાજર રહી પેટ્રોલિંગ રાખશે. જે જગ્યાએ ટ્રાફિક થવાની શક્યતા હોય તે જગ્યાએ ટ્રાફિક નિયમન માટે યોગ્ય ડીપ્લોયમેન્ટ રાખવામાં આવશે.

ટ્રાફિક શાખાના સર્કલ વિસ્તારમાં સરકારી મોટર સાયકલ સાથે સર્કલ વાઈઝ ત્રણ-ત્રણ ટીમો મળી કુલ્લે ૩૬ ટીમોની ફાળવણી કરવામાં આવશે. તે ટીમો દ્વારા જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાઈ ગયેલ હોય તો તેને સરકારી મોટર સાઈકલ ઉપર પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદ કરશે.

આ ઉપરાંત જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકજામની સમસ્યામાં ફસાઈ તો તેવા સમયમાં તેઓએ ટ્રાફિક હેલ્પ લાઈન નબર ૭૪૩૪૦-૯૫૫૫૫ ઉપર કોલ કરવા જણાવવામાં આવ્યું છે. ટ્રાફિક હેલ્પ લાઈન પર કોલ મળ્યેથી ટ્રાફિક હેલ્પલાઈન દ્વારા પેટ્રોલિંગ ટીમને કોલ કરી જાણ કરવામાં આવશે.

ધો.૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભ-૧૫ લાખથી વધારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારથી ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષા લેવાનો પ્રારંભ કરવામાં આવશે. પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય અને કોઇપણ જાતની ગેરરિતી ન થાય તે માટે પરીક્ષા બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. બોર્ડના પ્રશ્ર્‌નપત્રો જે-તે જિલ્લામાં પહોંચાડી દેવામાં આવ્યાં હતો. તમામ કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

દરમિયાન આજે રવિવારે પરીક્ષાર્થી અને વાલીઓ પરીક્ષા કેન્દ્રો ઉપર ગયા હતા અને બેઠક વ્યવસ્થાનું નીરિક્ષણ કર્યું હતું. પરીક્ષામાં ગેરરીતી અટકાવવા અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તેવું આયોજન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે.

આગામી તા. ૧૧ થી ૨૨ માર્ચ ૨૦૨૪ દરમિયાન ધોરણ ૧૦ અને ૧૨ના પરીક્ષા યોજાશે. જેમાં ધોરણ ૧૦ પરીક્ષામાં કુલ ૯,૧૭,૬૮૭ વિદ્યાર્થી પરીક્ષા આપશે. જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૩૨,૦૭૩ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૮૯,૨૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત તા. ૩૧ માર્ચ ૨૦૨૪ના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષામાં ૧,૩૭,૭૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.