કયા દેશ પાસે કેટલાં ટન સોનું છે તે જાણો છે? અમેરિકા પહેલા નંબરે
નવી દિલ્હી, સોનાની કિંમત રેકોર્ડ હાઈ સ્તરે પહોંચી ચુકી છે. સોનાને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. આ જ કારણથી દુનિયાભરના દેશો પાસે સોનાનો ભંડાર છે. દુનિયામાં સૌથી વધારે સોનું અમેરિકા પાસે છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અને સૌથી મોટી ઇકોનોમી ગણાતા અમેરિકા પાસે સરકારી ખજાનામાં ૮૧૩૩ ટન સોનું છે. આ મામલામાં કોઈપણ દેશ અમેરિકાની આસપાસ નથી.
બીજા નંબર ઉપર જર્મની છે. જેની પાસે ૩૩૫૩ ટન સોનું છે. ભારત ગોલ્ડ રિઝર્વ મામલે ટોપ-૧૦ દેશમાં સામેલ છે. ભારતના મુકાબલે અમેરિકાનો સોનાનો ભંડાર ૧૦ ગણો મોટો છે. સૌથી વધારે સોનું ધરાવતા દેશની યાદીમાં ત્રીજા નંબરે ઈટાલી છે. ઈટાલી પાસે ૨૪૫૨ ટન ગોલ્ડ રિઝર્વ છે. ફ્રાન્સ પાસે લગભગ ૨૪૩૭ ટન સોનું છે. પછીના નંબરે રશિયા છે. જેની પાસે ૨૩૩૩ ટન સોનું છે.
યુક્રેન ઉપર હુમલા પહેલા રશિયાએ અન્ય દેશો પાસે રહેલા પોતાના ગોલ્ડ રિઝર્વને પરત મગાવી લીધું હતું. ચીન આ યાદીમાં છઠ્ઠા ક્રમાંકે છે. ચીન પાસે ૨૧૯૨ ટન સોનું છે. ચીને હાલના સમયમાં ઝડપથી ગોલ્ડ રિઝર્વ વધાર્યું છે જ્યારે યુરોપના નાનકડા દેશ સ્વીત્ઝર્લેન્ડ પાસે ૧૦૪૦ ટન સોનું છે. આ યાદીમાં પછીનું નામ જાપાનનું છે. જેની પાસે ૮૪૭ ટન સોનું છે. સોના પ્રત્યે ભારતીયોનો પ્રેમ જગજાહેર છે. દુનિયામાં સૌથી વધારે સોનાની માગ ચીનમાં છે. બાદમાં ભારતનો નંબર આવે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉÂન્સલના કહેવા પ્રમાણે ભારતમાં સામાન્ય લોકો પાસે અંદાજિત ૨૫,૦૦૦ ટન સોનું છે. જે દુનિયામાં સૌથી વધારે છે. દુનિયાનું નવ ટકા સોનું ભારતીયો પાસે છે. જો કે સરકારી ખજાનામાં ગોલ્ડ રિઝર્વ મામલે ભારત નવમા નંબરે છે. ભારત પાસે ૮૦૧ ટન ગોલ્ડ રિઝર્વ છે. ભારત બાદ નેધરલેન્ડમાં ૬૧૨ ટન, તૂર્કી પાસે ૪૪૦ ટન, તાઈવાન પાસે ૪૨૪ ટન, પોર્ટુગલ પાસે ૩૮૩ ટન, સાઉદી પાસે ૩૨૩ ટન સોનું છે.