ત્રણ વ્યાજખોરોએ સમાધાનના બહાને બોલાવીને હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

પ્રતિકાત્મક
ઓછા વ્યાજે રૂપિયા ધીરવાની લાલચ આપીને વ્યાજખારોએ પ્રૌઢને વ્યાજના વિષચક્રમાં ફસાવ્યા
(એજન્સી)અમદાવાદ, અમે આપણા સમાજના જે લોકોને પૈસાની જરૂર હોય તેમને ઓછા વ્યાજે આપીએ છીએ તેમ કહીને એક આધેડને વ્યાજના વિષચક્રમાં ફસાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓછા વ્યાજની લાલચમાં આધેડે કડીના ત્રણ વ્યાજખોરો પાસેથી રૂપિયા લીધા હતા. વ્યાજ તેમજ મૂડી ચૂકવી દીધી છતાંય વ્યાજખોરોએ આધેડને સમાધાનના બહાને ચાંદખેડા વકીલની ઓફિસમાં બોલાવીને માર માર્યાે હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઘંટાકર્ણ સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષીય જગદીશભાઈ રબારી પર કડી ખાતે રહેતા મૂળજી રબારી, બિજોલ રબારી, રાજુ રબારી સહિત ચાર લોકો વિરુદ્ધ વ્યાજખોરી તેમજ હુમલાની ફરિયાદ કરી છે. જગદીશ રબારી હાલ છૂટક મજૂરી કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. જગદીશભાઈ પત્ની કાંતાબહેન, દીકરી આરતી, ઝીનલ અને દીકરા વિજય સાથે રહે છે.
પાંચેક વર્ષ પહેલાં જગદીશભાઈને રૂપિયાની જરૂરિયાત હોવાથી તેણએ તેના સમાજના આગેવાનોને વાત કરી હતી. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાના કડી ખાતે રહેતા મૂળજી રબારી તથા તેનો ભત્રીજો બિજોલ ઉર્ફે હમીર રબારી, રાજુ રબારી ઓછા વ્યાજે સમાજના લોકોને રૂપિયા આપે છે. જગદીશભાઈએ જે તે સમય પર ફોન કરીને પૂછ્યું હતું તો મૂળજી રબારીએ જમાવ્યું હતું કે,
અમે આપણઆ સમાજના જે લોકોને પૈસાની જરૂર હોય તેમને ઓછા વ્યાજે આપીએ છીએ. જગદીશભાઈને જરૂર હોવાથી તેમણે બિજોલ ઉર્ફે હમીર રબારીનો સંપર્ક કર્યાે હતો. બિજોલે બે લાખ રૂપિયા મહિને પાંચ ટકા વ્યાજ પર આપ્યા હતા. જગદીશભાઈ બિજોલને સમયસર વ્યાજ આપતાં હતા ત્યારે નવ મહિના પહેલાં તેમણે વધુ રૂપિયાની જરૂર પડી હતી. જગદીશભાઈએ બિજોલ વપાસેથી એક લાખ રૂપિયા ૧૫ ટકા વ્યાજ પર લીધા હતા.
બિજોલ સિવાય જગદીશભાઈએ મૂળજી રબારી પાસેથી ત્રણ વર્ષ પહેલાં દોઢ લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજ પર લીધા હતા. વ્યાજ ભરી-ભરીને તૂટી ગયેલા જગદીશભાઈને વધુ રૂપિયાની જરૂર પડતાં તેમણે છ મહિના પહેલાં રાજુ રબારી પાસેથી એક લાખ રૂપિયા ૧૫ ટકા વ્યાજ પર લીધા હતા.
ત્રણેય પાસેથી વ્યાજે રૂપિયા લીધા બાદ જગદીશભાઈએ સમયસર વ્યાજની ચુકવણી કરતા હતા. જગદીશભાઈએ ત્રણેય લોકોને આજદિન સુધી વ્યાજ સાથે કુલ ૪.૯૨ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. રેગ્યુલર વ્યાજની રકમ ભરતા હોવા છતાંય જો કોઈ વખત વ્યાજ આપવામાં મોડું થઈ જાય તો પેનલ્ટી પણ લગાવતા હતા.
થોડા સમય પહેલાં મૂળજી રબારી જગદીશભાઈના ઘરે આવ્યા હતા અને ધમકી આપી હ તી
કે મારા તેમજ ભત્રીજા પાસે લીધેલા રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દેવા પડશે. મૂળજીએ બબાલ કરતાં સમાજના આગેવાનો વચ્ચે પડ્યા હતા અને સમાધાન કરાવ્યું હતું. થોડા દિવસ પહેલાં મૂળજી, બિજોલ અને રાજુ ચાંદખેડા આવ્યા હતા, જ્યાં તેમણે જગદીશભાઈને સમાધાન કરવાના બહાને બોલાવ્યા હતા. રૂપિયાની મેટરનું સમાધાન કરવા માટે જગદીશભાઈ ચાંદખેડામાં ત્રણેય વ્યાજખોરને મળવા માટે કોઈ વકીલની ઓફિસમાં ગયા હતા.
જગદીશભાઈ ઓફિસમાં સમાધાનપત્ર વાંચી રહ્યા હતા ત્યારે મૂળજી, બિજોલ, રાજુ અને એક શખ્સે તેમને ગાળો બોલીને હુમલો કરી દીધો હતો. ચારેય જણા જગદીશભાઈને ખેંચીને વકીલની ઓફિસ બહાર લઈ ગયા હતા જ્યાં તેને ધમકી આપી હતી કે જો વ્યાજ સાથે પૈસા નહીં આપે તો તને તારા ઘરેથી ઉપાડી જઈશું અને જાનથી મારી નાખીશું. ચારેય જણા ગાડીઓ લઈને જતા રહ્યા હતા, જ્યારે જગદીશભાઈએ પોલીસકંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો.