પંચાયતના બોર ઓપરેટરને વાંદરાએ બચકા ભરતાં ૧ર૦ ટાંકા લેવા પડ્યા

પ્રતિકાત્મક
ગાંધીનગર તાલુકાના લીંબડિયા ગામમાં વાંદરાનો આતંક
ગાંધીનગર, ગાંધીનગર તાલુકાના લીંબડિયા ગામમાં એક વાંદરાએ ભારે આતંક મચાવી મુકયો છે. ગામમાંથી પસાર થતા એકલદોકલ વ્યક્તિ પર હુમલો કરતો હોવાથી ભયનો માહોલ પ્રવર્તે છે. ગ્રામ પંચાયતના બોર ઓપરેટર ઉપર તુટી પડેલા વાંદરાએ બચકા ભરી ગંભીર ઈજા પહોંચાડી હતી.
તેની સારવાર દરમિયાન તેમને ૧ર૦ ટાંકા લેવા પડયા છે. વાંદરાના જીવલેણ હુમલાથી ગામમાં કરફયુ જેવો માહોલ સર્જાયો છે. જેથી હડકાયા થયેલા વાંદરાને તાકિદે પાંજરે પુરવા માટે ગ્રામજનો દ્વારા ઉગ્ર માગણી કરવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે લીંબડિયા ગામમાં છેલ્લા કેટલાક દિવસથી એક કદાવર વાંદરો તોફાને ચઢયો છે લોકોને નિશાન બનાવતો હોવાથી ઘરની કોઈ વ્યક્તિ ડેરી પર જવા તૈયાર થતી નથી.
ગ્રામ પંચાયત સંચાલિત પાણીના બોરને ઓપરેટ કરતા બળદેવજી ઠાકોર તા.૩.૩.ર૦ર૪ના રોજ બોરની ઓરડી પર જઈ રહ્યાં હતા ત્યારે એકાએક ધસી આવેલા વાંદરો તેમની ઉપર કુદ્યો હતો અને તેઓ કંઈ સમજે તે પહેલા તો બચકા ભરવા લાગ્યો હતો. વાંદરાના બચકાથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ડાબા હાથ ઉપર ગંભીર ઈજા થવાથી ૧ર૦ ટાંકા લેવા પડયા હતા.
તેમની હાલત જોઈ ગ્રામજનો દ્વારા માગણી કરવામાં આવી છે કે હડકાયા વાંદરાને તાકિદે પાંજરે પુરવામાં આવે. હડકાયા થયેલા વાંદરાના આતંકમાંથી ગ્રામજનોને મુકત કરવા માટે પૂર્વ સરપંચ હર્ષદભાઈ પટેલ દ્વારા જંગલ વિભાગ સહિતના સરકારી તંત્ર સમક્ષ માગણી કરી છે.