આ શહેરમાં કરોડોના ફ્લેટમાં ટોઈલેટ ફ્લશ કરવા પાણી નથી
(એજન્સી)બેંગલુરુ, એક સમયે જેને ભારતમાં સૌથી આધુનિક અને મોડેલ શહેર તરીકે જોવામાં આવતું હતું તે બેંગલુરુમાં પાણીની તંગીના કારણે હાલત રોજેરોજ બગડતી જાય છે. બેંગલુરુ ભારતના સૌથી મોંઘા શહેરોમાં ગણાય છે કારણ કે આઈટી ઈન્ડસ્ટ્રીના કારણે લોકોની આવક ઘણી વધી ગઈ છે. જોકે, આ શહેરમાં કરોડો રૂપિયાના ફ્લેટ ધરાવતા લોકોને પણ પાણીની તંગી નડી રહી છે.
સોસાયટીઓમાં પાણીનો પૂરવઠો ન હોવાના કારણે લોકો ટોઈલેટ પણ ફ્લશ કરી શકતા નથી. તેના કારણે ઘણા લોકો ઘરનું ટોઈલેટ વાપરવાના બદલે મોલમાં જાય છે અથવા ઓફિસના ટોઈલેટનો ઉપયોગ કરે છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે ઘણા માઈગ્રન્ટ લોકોએ પલાયન શરૂ કરી દીધું છે. જે લોકો વર્ક ફ્રોમ હોમ કરી શકે છે તેઓ બેંગલુરુ છોડીને પોતાના વતન જઈ રહ્યા છે.
હાલમાં શહેરના અનેક વિસ્તારોમાં ટેન્કર રાજ ચાલે છે. સરકારે ટેન્કરના ભાવ ફિક્સ કરી દીધા છે, છતાં અત્યંત ઉંચા ભાવે પાણી ખરીદવું પડે છે. ઘણી સોસાયટીઓમાં લોકો પાસે વોશિંગ મશીન ચલાવવા કે વાસણ ધોવા માટે પણ પાણી ન હોવાના કારણે ડિસ્પોઝેબલ ડિસ્ક અને કપનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. પીવાના પાણીનો બગાડ કરવા પર ૫૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે અને જેટલી વખત આ નિયમ તોડવામાં આવશે એટલી વખત દંડની રકમ ૫૦૦ રૂપિયા વધતી જશે.
કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી કે શિવકુમારે બોરવેલમાંથી પાણીના તમામ ટેન્કર વિતરણ પર રાજ્યના નિયંત્રણની જાહેરાત કરી હતી, ખાસ કરીને મ્મ્સ્ઁ ઝોનની આસપાસના ગામોમાં પાણીની અછતને દૂર કરવા અને પાણીની હેરફેર સામે લડવાનો પ્લાન છે. આ વખતે દુષ્કાળના કારણે કાવેરી નદી સૂકાઈ ગઈ છે અને માત્ર બેંગલુરુ જ નહીં પરંતુ બીજા શહેરોમાં પણ આવી જ સ્થિતિ છે.
આઈટી સેક્ટરમાં કામ કરતા લોકો હવે પોતાના વતન જવા માંગે છે અને વર્ક ફ્રોમ હોમની માંગણી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ બેંગલુરુ બહારથી કામ કરશે તો પાણીની બચત કરવામાં મદદ મળશે. હાલમાં બેંગલુરુ પર શક્ય એટલું પ્રેશર ઘટાડવું જોઈએ તેમ તેઓ માને છે. હજુ તો ઉનાળો શરૂ પણ નથી થયો અને બેંગલુરુમાં આવી હાલત છે.
આગામી દિવસોમાં સ્થિતિ કેવી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. એક આઈટી એન્જિનિયરે કહ્યું કે આવી કટોકટી હોય ત્યારે લોકોને શહેર છોડીને પોતાના વતનમાંથી કામ કરવાની છૂટ આપવી જોઈએ. અત્યારે નહાવા માટે પણ પાણી નથી ત્યારે ઓફિસમાં કામ કરવાનો શું ફાયદો છે.