છેલ્લા 10 વર્ષથી ગુજરાતના આ ગામમાં પાણી તેમજ રોડ રસ્તાની સમસ્યા
મોટામવા ગામમાં હજુ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ -છેલ્લા ૧૦ વર્ષથી પાણી તેમજ રોડ રસ્તા બાબતે અનેક વખત તંત્ર તેમજ રાજકીય નેતાઓને રજૂઆત કરાઈ છે
રાજકોટ, મોટામૈવા ગામ રાજકોટમાં ભળ્યું તેના ત્રણ વર્ષ થઈ ચૂક્યા છે. છતાં પણ અહીં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિક મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા ૧૦ વર્ષથી પાણી તેમજ રોડ રસ્તા બાબતે અનેક વખત તંત્ર તેમજ રાજકીય નેતાઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.
મોટામૈવા વિસ્તારમાં અંદાજે ૫૦ હજારથી વધુ લોકો રહે છે ત્યારે આ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી પાણી તેમજ રોડ રસ્તાની ખૂબ જ મોટી સમસ્યા છે. સ્થાનિક લોકો પ્રતિ ઘરદિઠ પ્રતિ મહિને અંદાજે ૩૦૦૦ રૂપિયાનું પાણી વેચાતું લે છે. પાણી તેમજ રોડ રસ્તા બાબતે દરેક ચૂંટણી સમયે રાજકીય નેતાઓ દ્વારા વાયદાઓ કરવામાં આવે છે કે તમારી સમસ્યાનું નિરાકરણ આવશે પરંતુ નિરાકરણ ન આવતા મહિલાઓએ ઉગ્ર આંદોલન કર્યું હતું.
છેલ્લા દસ વર્ષથી પાણીની સમસ્યાથી પીડાતી મહિલાઓએ જણાવ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં પાણી તેમજ રોડ રસ્તાની સુવિધાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તેમજ ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે
મોટામવા વિસ્તારની મહિલાઓએ અનેક વખત પાણી તેમજ રસ્તા બાબતે રજૂઆત કરી છે પરંતુ દર વખતે વાયદાઓ આપવામાં આવ્યા છે સમસ્યાનું એક પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી જેથી આ મહિલાઓ રણચંડી બની હતી અને ઉગ્ર આંદોલન કર્યું હતું શહેરનો કાલાવડ રોડ પર ચકકાજામ કર્યો હતો.
આ ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને અંદાજે એક કલાક સુધી આ મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો આખરે મહિલાઓ વાતાઘાટોથી સમજી જતા પોલીસે રોડને પુન શરૂ કરાવ્યો હતો. પરંતુ સ્થાનિક મહિલાઓએ જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન શરૂ રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું.