વિદેશ જઈને મજૂરી જ કરવાની હોય તેમ હોય તો, ભારત જ શ્રેષ્ઠ છે
વિદેશ જતા યુવાધને વધુ સાવધાની રાખવી પડે તેમ છે
ભાગ્યે જ કોઈ એવો દેશ હશે કે, જ્યાં ભારતીયો ન હોય..વિદેશ જવાનો મોહ સાહસ અને અભરખા યુવાધનમાં વધી રહ્યા છે. કમાણી કે કારકિર્દી માટે વિદેશમાં જવું જરા પણ ખોટું નથી. સ્થળાંતર કરનાર લોકો જ વધુ સમૃદ્ધ થયા છે.
શિક્ષણ માટે અને શિક્ષણના આધારે સ્થાયી થઈ જવાના ઈરાદા સાથે યુવાધને વિદેશ જવાની દોટ મૂકી છે. સમગ્ર ભારતમાંથી લોકો વિદેશ સ્થાયી થવા કે ભણવા જઈ રહ્યા છે તેમાં સૌથી વધુ લોકો પંજાબના છે. ગુજરાતીઓ પાછળ નથી.
ગુજરાતમાં પણ પાટીદારો વિદેશ જવામાં અગ્રેસર છે. પરંતુ, અત્યારે વિદેશ મોકલવા માટે એજન્ટોએ હાટડીઓ શરૂ કરી દીધી છે. અસંખ્ય દેશો હવે વિદ્યાર્થીઓની ફી ઉપર નભી રહ્યા છે. ત્યારે કોલેજોએ અને યુનિવર્સિટીઓએ ઠેર-ઠેર કમિશનથી એજન્ટોને કામે લગાડી દીધા છે. એજન્ટ કોઈ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરે ત્યાં સુધી પ્રશ્ન નથી. પરંતુ, લોકોની ગરજ અને વિદેશ પહોંચી જવાના આંધળુકિયા અભરખાના લાભ લઈ પૈસા માટે છેતરપિંડી કરી રહ્યા છે.
લોકોને જવું જ છે એટલે લાખો રૂપિયા એજન્ટને આપે છે. એજન્ટો ખોટા કાગળિયા કરી વિદ્યાર્થીઓને ધકેલે છે અથવા તો લેભાગુ કોલેજોમાં એડમિશન અપાવી દે છે. પરિણામે વિદ્યાર્થીઓ કે રોજગારી માટે ગયેલા લોકો એજન્ટોની છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. એટલે જ વિદેશ જતા યુવાધન અને અન્ય વ્યક્તિઓએ સાવધાની રાખવી પડે તેમ છે.
તાજેતરમાં સુરતના એક આશાસ્પદ યુવાન હેમિલ માંગુકિયાનું રશિયાની સેનામાં હેલ્પરના નામે ભરતી કરી હતી,તે યુવાનનું યુક્રેન હુમલામાં મોત થયું છે. આ ઘટના આંખ ખોલનારી છે. ધોરણ ૧૨ પાસ હેમિલ માંગુકિયાને વિદેશ જવું હતું, સોશિયલ મીડિયામાં મૂળ ભરતીય એવા એજન્ટનો ભેટો થયો હતો, એજન્ટે રશિયાની સેનનામાં માત્ર હેલ્પર તરીકે ભરતી કરવાની છે, યુદ્ધ કરવા જવાનું નથી તેવું કહ્યું હતું.
પોતાની સુરક્ષા માટે હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લેવાની હોય છે, તે કોઈ ચિંતાનું કારણ નથી. આ યુવાનને રશિયા લઈ જવામાં એજન્ટનો હેતુ માત્ર કમાણીનો જ હશે. રશિયાને પણ સેનામાં યુવાનોની જરૂર છે. રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો છે. રશિયન યુવાનો સેનામાં જોડાતા નથી પરિણામે એજન્ટોને વિદેશી યુવાનોની ભરતી માટે મોટું કામ મળી ગયું છે.
પરંતુ મૂળ વાત અર્ધસત્ય સમજાવી યુવાનાને સેનામાં જોડી દેવા તે સદંતર ખોટું છે. ગુજરાતના યુવાનો પણ કોઈપણ રીતે કાયદેસર કે ગેરકાયદેસર વિદેશ પહોંચી જવું છે. વિદેશમાં જઈ મહેનત કરીશ અને ડોલરમાં કમાણી કરીશ આવા દીવાસ્વપ્ન સાથે યુવાધન છેતરાઈને ભયંકર મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
રશિયા જેવી જ પરિસ્થિતિ કેનેડામાં છે. કેનેડા જતા ઘણા વિદ્યાર્થીઓને સારી જોબ મળતી નથી. રહેવાનો ખર્ચ વધી ગયો છે એટલે વિદ્યાર્થીઓ ખર્ચ જેટલું કમાણી કરી શકતા નથી. હજુ થોડા મહિના પહેલાં કેનેડામાં ૭૦૦ વિદ્યાર્થીઓને દેશ નિકાલની નોટીસ આપી છે. મોટાભાગના પંજાબના વિદ્યાર્થીઓ છે આવું કેમ થયું ? કારણ આ ૭૦૦ વિદ્યાર્થીઓ સાથે એજન્ટે છેતરપિંડી કરી છે.
દુઃખ એ છે કે, આ છેતરપિંડી કરનારા એજન્ટો મોટેભાગે ભારતીયો જ છે. કેનેડિયન સત્તાવાળાએ કરેલ ખુલાસા પ્રમાણે આ ૭૦૦ વિદ્યાર્થીઓએ કોલેજના ખોટા એડમિશન લેટરના આધારે વિઝા મેળવી કેનેડા આવી ગયા હતા. પાછળથી એજન્ટે કોઈ અન્ય કોલેજમાં એડમિશન અપાવી દીધું હતું, ત્યાર પછી, નિવાસી બનવા અરજી કરી ત્યારે ઈમિગ્રેશન છેતરપિંડીનો મામલો બહાર આવ્યો હતો.
આજે આ ૭૦૦ વિદ્યાર્થીઓ અને પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓ કે વાલીઓ શા માટે એજન્ટ ઉપર આટલો વધુ પડતો ભરોસો મૂકે છે ? કોલેજ કે યુનિવર્સિટીની ચકાસણી ડાયરેક્ટ પણ કરી શકાય છે. પૈસા આપી કોઈપણ પ્રકારે વિદેશ જતા રહેવાના ઈરાદાને કારણે લોકો છેતરાઈ રહ્યા છે. એક વર્ષમાં પાંચથી છ લાખ વિદ્યાર્થીઓ કેનેડા આવી રહ્યા છે તેમાં ૫૦ ટકા વિદ્યાર્થીઓ ભારતીય છે. વૈશ્વિક આર્થિક મંદીને કારણે જોબ મેળવવી પણ મુશ્કેલ છે. જો મળે છે, તો તેમાં પણ છેતરપિંડી કે શોષણ થાય છે.
તાજેતરમાં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર હુમલાના બનાવો નોંધાઈ રહ્યા છે. એક મહિનામાં ચાર હુમલામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. યુનોના સેક્રેટરી જનરલ એન્ટોનિયા ગુટેરેસે જણાવ્યું છે કે, વિશ્વ દિવસે-દિવસે વધુ અસુરક્ષિત બની રહ્યું છે. કોંગો, ગાઝા, મ્યાંમાર, યુક્રેન અને સુદાનમાં ચાલી રહેલ યુદ્ધમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા કાયદાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે.
આપણું વિશ્વ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. આ વાત ચિંતાજનક છે. વિશ્વ અત્યારે યુદ્ધ ભરેલા અÂગ્ન પર બેઠું છે ક્યારે ? ક્યાં ? શું થશે ? તે નક્કી નથી ત્યારે વિદેશ જતા પહેલાં ૧૦૦ વખત સાવધાની રાખવી પડે તેમ છે. શરૂઆત એજન્ટની પસંદગીથી કરવી જોઈએ.
હમણાં જ ગુજરાતીઓને ગેરકાયદેસર અમેરિકા મોકલવાના કેસમાં હર્ષ પટેલ નામના વ્યક્તિની શિકાગો એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી છે. ગુજરાતના ડીંગુચા પરિવારના મોત કેસમાં તેની ધરપકડ થઈ છે. જાન્યુઆરી ૨૦૨૨માં કેનેડાથી ગેરકાયદેસર અમેરિકાના પ્રયાસમાં કન્ટેનરમાં થીજી જવાથી ચારના મોત થયા હતા. આ માનવ તસ્કરી કેસમાં એજન્ટની ધરપકડ કરવામાં આવી છે.
વધુ ચિંતાની બાબત એ છે કે, માતા-પિતાની ઈચ્છા કે ક્ષમતા નથી છતાં યુવાધનને વિદેશ જવું છે. ત્યાંથી મુશ્કેલીઓની શરૂઆત થાય છે. માતા-પિતાને ખબર પણ નથી અને એજન્ટોની માયાજાળમાં યુવાનો વિદેશ જવાનું પાકું કરી નાખે છે. મા-બાપ પાસે પૈસા માંગે ત્યારે તેમને ખબર પડે છે. આમાં સાવધાની કે પૂરી તપાસ કોણ કરે ? વિદ્યાર્થીઓ માતા-પિતાને ઈમોશનલ બ્લેકમેલ કરે છે. હું વિદેશમાં મારો ખર્ચ હું નોકરી કરીને મેળવી લઈશનું વચન આપે છે.
પરંતુ, વિદેશ પહોંચ્યા પછી વાસ્તવિકતાની ખબર પડે છે. જોબ મળતી નથી, પગાર મળતો નથી. વિદેશમાં જતા પહેલાં ત્યાંનો સંપર્ક જરૂરી છે. સારા પરિવાર સાથે ઓળખાણ કરવી. ભલામણ કર્યા પછી જ વિદેશમાં મોકલવાની જરૂર છે. હવે તો દરેક દેશમાં ગુજરાતીઓ છે, વિદ્યાર્થીઓ છે, તેની પાસેથી પૂરી જાણકારી મેળવ્યા પછી જ વિદેશમાં જવાના ડોક્યુમેન્ટ સબમિટ કરવા જોઈએ. મોટેભાગે કોલેજના એડમિશન લેટર એજન્ટો લાવી દેતા હોય છે.
વિઝાના ડોક્યુમેન્ટ પણ એજન્ટો તૈયાર કરતા હોય છે. આ પ્રક્રિયામાં એજન્ટ કોઈ એકપણ ડોક્યુમેન્ટ ખોટું મૂકીને વિઝા મેળવી આપશે. પરંતુ, જો તે પકડાશે તો કારકિર્દી સાથે જિંદગી પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. વિદેશમાં અભ્યાસ માટે યુનિવર્સિટી પસંદગી ખૂબ અગત્યની છે. દરેકની ફી અલગ અલગ છે. ઘણી યુનિવર્સિટી પસંદગી ખૂબ અગત્યની છે. દરેકની ફી અલગ અલગ છે. ઘણી યુનિવર્સિટીની ફી વધારે પણ છે. ત્યારે, કોલેજ અને શહેર પસંદગીમાં જો ધ્યાન રાખવામાં આવે તો આર્થિક રાહત થાય છે.