નશાખોર તમારી દુકાને દવા લેવા આવતા હોય તો ચેતી જજો
નશાની ગોળી નહીં આપતાં નશાખોરે કેમિસ્ટ પર હુમલો કર્યાે-હિંસક બનેલા નશેડીએ મેડિકલ સ્ટોરમાં તોડફોડ કરી ભારે આતંક મચાવ્યો
(એજન્સી)અમદાવાદ, નશો કરવા માટે નશેડીઓ કોઈ પણ હદ સુધી જતાં હોય છે, જેનો જીવતો – જાગતો પુરાવો હાટકેશ્વર વિસ્તારમાં બન્યો છે. નશેડી યુવક નશાની ગોળીઓ લેવા માટે મેડિકલ સ્ટોર પર ગયો હતો, જ્યાં તેને ગોળીઓ આપવાનો ઈનકાર કરી દેતાં તે હિંસક બની ગયો હતો.
નશેડીએ મેડિકલ સ્ટોરમાં તોડફોડ મચાવીને કેમિસ્ટ પર ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો હતો. મેડિકલ સ્ટોરમાં નશાની ગોળીઓ નહીં મળતી હોવાથી કેમિસ્ટે તેને આપવાનો ઈનકાર કરી દીધો હતો. ગોળી નહીં મળતાં યુવકનો પિત્તો ગયો હતો અને તોડફોડ મચાવીને હુમલો કર્યાે હતો.
ઘોડાસર વિસ્તારમાં આવેલા આનંદ ટેનામેન્ટમાં રહેતા લલિતભાઈ કોષ્ટીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક વિરુદ્ધ હુમલા તેમજ તોડફોડની ફરિયાદ કરી છે. લલિતભાઈ કોષ્ટી હાટકેશ્વર બસ ડેપો પાછળ આવેલા કર્મભૂમિ શોપિંગ સેન્ટરમાં પૂનમ મેડિકલ સ્ટોર નામની દુકાન ધરાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે.
લલિતભાઈ મેડિકલ સ્ટોર પર હાજર હતા ત્યારે રાતના નવ વાગ્યાની આસપાસ એક ૨૦થી ૨૫ વર્ષની ઉંમરનો યુવક આવ્યો હતો. યુવકે આવતાંની સાથે જ લલિતભાઈ પાસે નશાની ગોળીઓ માંગી હતી, જેથીલલિતભઆઈએ યુવકને જણાવ્યું હતું કે, અમે કોઈ નશાની ગોળીઓ રાખતાં કે વેચતા નથી.
લલિતભાઈએ ગોળીઓ આપવાનો ઈનકાર કરી દેતાં યુવક ઉશ્કેરાયો હતો અને કાઉન્ટર પર લગાવેલા કાચ ઉપર હાથ મારવા લાગ્યો હતો. યુવકે સતત ફેંટો મારતાં કાચ તૂટી ગયો હતો. દરમિયાનમાંતેણએ લલિતભાઈને ગાળો આપવાનું શરુ કરી દીધું હતું. લલિતભાઈએ ગાળો બોલવાની ના પાડતાં યુવક વધુ ઉશ્કેરાયો હતો. દુકાનમાં ઘૂસીને મેડિકલનો તમામ સમાન -વેર-વિખેર કરી દીધો હતો.
આ સિવાય દુકાનમાં લગાવેલો લાકડાનો દરવાજો પણ યુવકે લાતો મારી તોડી નાખ્યો હતો. લલિતભાઈ તેમના પિતાને ફોન કરવા માટે મોબાઈલ પેન્ટના ખિસ્સામાંથી કાઢ્યો તો યુવકે તે પણ તોડી નાખ્યો હતો.યુવકે વગર કારણે લલિતભાઈ પર હુમલો કરી દીધો હતો અને કોઈ ધારદાર વસ્તુ આંખ પર મારી દીધી હતી. લલિતભાઈને લોહી નીકળતાં તેમણે બૂમાબૂમ કરી દીધી હતી. જેથી આસપાસના દુકાનદારો દોડી આવ્યા હતા.
અન્ય દુકાનદારોને જોઈને યુવક ત્યાંથી નાસી ગયો હતો.જ્યારે લલિતભાઈએ તરત જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો. લલિતભાઈની આંખ નીચે લોહી નીકળતાં તેમણે૧૦૮ એમ્બ્યુલન્સને પણ ફોન કરી દીધો હતો.
ઘટનાની જાણ ખોખરા પોલીસને થતાં તેઓ ત¥કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લલિતભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. યુવક નશેડી હતો અને તે નશો કરવા માટે ગોળી લેવા લલિતભાઈની મેડિકલ સ્ટોર પર આવ્યો હતો. નશેડી યુવક કોણ હતો અને તે ક્યાંનો રહેવાસી છે તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.