દેશમાંથી રમકડાંની નિકાસ આઠ વર્ષમાં ૨૬૯% વધી છે
નવી દિલ્હી, ભારતીય રમકડાં દુનિયાભરમાં ફેમસ થઈ રહ્યાં છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૫થી ૨૦૨૩ વચ્ચે ભારતમાંથી રમકડાંની નિકાસમાં ૨૩૯ ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન આયાતમાં ૫૨ ટકાનો ઘટાડો થયો છે.
આ સાથે વૈશ્વિક રમકડા બજારમાં ચીનનું વર્ચસ્વ ઘટી રહ્યું છે અને ભારત ચોખ્ખા નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે. વિશ્વની ઘણી મોટી રમકડા કંપનીઓ હવે ચીનને બદલે ભારતમાંથી રમકડાં ખરીદી રહી છે.
માર્કેટ રિસર્ચ ફર્મ આઈએમએઆરસીના રિપોર્ટ અનુસાર ભારતના રમકડા ઉદ્યોગનું મૂલ્ય ગયા વર્ષે ૧.૭ બિલિયન ડોલર હતું, જે ૨૦૩૨ સુધીમાં ૪.૪ બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે.
મોદી સરકારે સ્વદેશી રમકડાંને પ્રોત્સાહન આપવા માટે ઘણાં પગલાં લીધાં છે, જેના કારણે ભારત આજે આ ઉદ્યોગમાં પાવરહાઉસ બની રહ્યું છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ અનુસાર દેશમાં રમકડાંના વેચાણ માટે બીઆઈએસની મંજૂરી ફરજિયાત બનાવવા, સ્વદેશી રમકડાંના પ્રમોશન, વિશ્વભરની કંપનીઓની ચાઈના-પ્લસ-વન નીતિ અને મૂળભૂત કસ્ટમ ડ્યૂટી વધારીને ૭૦ ટકા કરવાને કારણે, દેશમાં રમકડાંનું બજાર વધ્યું છે.
ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે હાસ્બ્રો, મેટેલ, સ્પિન માસ્ટર અને અર્લી લ‹નગ સેન્ટર જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ ભારતમાંથી રમકડાં ખરીદી રહી છે. એ જ રીતે ડ્રીમ પ્લાસ્ટ, માઈક્રોપ્લાસ્ટ અને ઈન્કાસ તેમનું ધ્યાન ચીનથી ભારત તરફ ખસેડી રહ્યા છે.
BIS આદેશના અમલ પહેલા ભારતમાં ૮૦ ટકા રમકડાં ચીનમાંથી આવતા હતા, પરંતુ હવે ચીનમાંથી રમકડાંની આયાત નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. ચેન્નાઈ સ્થિત ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની એમઆરએફ પાસે ફનસ્કૂલ નામની ટોય બ્રાન્ડ પણ છે. કંપનીના સીઈઓ આર જસવંતે કહ્યું હતું કે ચાઈનીઝ રમકડાંને બીઆઈએસ તરફથી માન્યતા મળી નથી.
ભારતીય ઉત્પાદનોએ હવે ચીનમાંથી આયાતનું સ્થાન લીધું છે. દસ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ કંપની ભારતમાંથી રમકડાં ખરીદતી હતી. પરંતુ હવે ઘણી કંપનીઓએ ભારતમાં પોતાનો બેઝ બનાવી લીધો છે. હાસ્બ્રો, સ્પિન માસ્ટર, અર્લી લ‹નગ સેન્ટર, ફ્લેર અને ડ્રમન્ડ પાર્ક ગેમ્સ સહિત ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓને ફનસ્કૂલસપ્લાય કરે છે. આ કંપનીના ૬૦ ટકા રમકડાની નિકાસ થાય છે.
ફનસ્કૂલ ગલ્ફ દેશો, યુરોપ અને અમેરિકા સહિત વિશ્વના ૩૩ દેશોમાં નિકાસ કરે છે. આરપી એસોસિએટ્સના માલિક પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે ભારતમાં રમકડાંનું ઉત્પાદન વધ્યું છે અને ઘણી કંપનીઓએ ભારતમાં તેમના બેઝ સ્થાપ્યા છે. ઘણી કંપનીઓ જે પહેલા ચીન પાસેથી રમકડાં ખરીદતી હતી તે હવે અન્ય દેશોમાં શિફ્ટ થઈ રહી છે. આમાં ભારત પણ સામેલ છે.
માઈક્રોપ્લાસ્ટ, ડ્રીમ પ્લાસ્ટ અને ઈન્કા જેવી મોટી કંપનીઓ પણ આ યાદીમાં સામેલ છે. હાસ્બ્રો અને મેટેલ જેવી કંપનીઓ ભારતમાંથી મોટા પાયે ખરીદી કરી રહી છે.
ભારત સરકારે ૧ જાન્યુઆરી ૨૦૨૧થી બીઆઈએસ તરફથી પ્રમાણપત્ર મેળવ્યું ન હોય તેવા રમકડાંની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત સરકારે ફેબ્રુઆરી ૨૦૨૦માં રમકડાં પરની મૂળભૂત કસ્ટમ ડ્યૂટી ૨૦ ટકાથી વધારીને ૬૦ ટકા કરી હતી, જે માર્ચ ૨૦૨૩માં વધારીને ૭૦ ટકા કરવામાં આવી હતી.
ટોય એસોસિએશન ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે માઈક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગોને ટેકો આપવા માટે બીઆઈએસ નિયમોમાં વધુ છૂટછાટ આપવાની જરૂર છે.
એસોસિએશનનું કહેવું છે કે દેશમાં ૬,૦૦૦થી વધુ ટોય મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જેમાંથી માત્ર ૧,૫૦૦ પાસે બીઆઈએસ લાઈસન્સ છે. એસોસિએશનના પ્રમુખ અજય અગ્રવાલે કહ્યું કે સરકારે છેલ્લા બે વર્ષમાં એમએસએમઈ સેક્ટરમાં અનેક પ્રકારની છૂટછાટ આપી છે. દેશની ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓ આ ક્ષેત્રમાં આગળ આવી રહી છે.
ગુજરાત દેશમાં રમકડા ઉત્પાદનનું હબ બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલા મન કી બાત કાર્યક્રમમાં દેશના રમકડા ઉદ્યોગના વખાણ કર્યા હતા.SS1MS