Western Times News

Gujarati News

કિન્નર સમાજનું એક અનોખુ સેવાકાર્યઃ ભૂલા પડેલા સગીરને પરિવાર સાથે મિલન કરાવ્યું

સુરતમાં કિન્નર સમાજના માધ્યમથી પરિવારને સગીર પાછો મળ્યો-નવોદય ટ્રસ્ટના નૂરીકુંવરે કહ્યું કે, અમને બાળકની દારૂણ સ્થિતિ જોઈને ખૂબ દુઃખ થયું હતું.

સુરત, સુરતના કિન્નર સમાજે એક અનોખુ સેવાકાર્ય કર્યુ છે. પરિવારથી ભુલા પડેલા સ્ત્રૈણ લક્ષણ ધરાવતા એક ૧૭ વર્ષીય સગીરના પરિવારને શોધી બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે.

પાલેજનો એક ૧૭ વર્ષીય સગીર ભૂલો પડી સુરત આવી પહોંચ્યો હતો. તે મગોબ ખાતે આવેલા સુરત મનપાના શેલ્ટર હોમમાં રહેતો હતો સ્ત્રૈણ લક્ષણ ધરાવતો આ બાળક પોતાના જેન્ડર અંગે અકળામણ અનુભવતો હતો તેને કંઈ સમજ પડતી નહતી તેનું શારીરિક શોષણ પણ થયું હતું આ બાળક રડ્યા કરતો હતો અને કિન્નર સમાજને મળવા માંગતો હતો

એટલે આ શેલ્ટર હોમના સંચાલકોએ સમાજ સેવિકા હેતલ નાયકની મધ્યસ્થી કરીને કિન્નર સમાજના અગ્રણી સાથે મુલાકાત કરાવી હતી ત્યારબાદ કિન્નરોએ પાલેજ ખાતે સંપર્ક કરીને બાળકને માતા પિતા ન હોવાથી તેના બહેન બનેવીનો સંપર્ક કરાવી આપ્યો હતો. સુરતમાં સગીરને લેવા તેના બહેન બનેવી આવ્યા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

સમાજ સેવિકા હેતલ નાયકે કહ્યું કે, ત્રણ ચાર દિવસ પહેલાં બાળક આવી ગયું હતું તેને કિન્નર સમાજ સાથે મળવું હતું આ બાળકને મળ્યા તેનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે એ માનસિક રીતે ઘણો પડી ભાંગ્યો હોવાનું સામે આવ્યું હતું તેનું શારિરીક શોષણ પણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. નવોદય ટ્રસ્ટના નૂરીકુંવરે કહ્યું કે, અમને બાળકની દારૂણ સ્થિતિ જોઈને ખૂબ દુઃખ થયું હતું.

અમારા કિન્નર સમાજના સંપર્કો મારફતે બાળકને તેના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. બાળક પાસે જે સરનામુ હતું તેના આધારે અમારા સમાજના લોકોએ તેમના ઘરે મોકલ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.