પોલીસે ૨૧ લાખથી વધુની રકમનો મુદ્દામાલ કબજે કર્યો
રાજકોટ, મોરબી ખાતે લેબર કોન્ટ્રાક્ટર તરીકે વ્યવસાય કરનારા ૫૦ વર્ષીય ભરત કારોલીયા નામના વ્યક્તિએ પોતાની સાથે ૨૩.૫૦ લાખ જેટલી રકમ બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બળજબરીપૂર્વક પડાવી લીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે સમગ્ર મામલે રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનાહિત કૃત્યમાં સામેલ મહિલા આરોપી સહિત પાંચ જેટલા વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. સાથે જ તેમની પાસેથી ૨૧ લાખથી વધુની રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
રાજકોટ રૂરલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વી. વી. ઓડેદરાના જણાવ્યા પ્રમાણે, ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સના માધ્યમથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગુનાહિત કૃત્યમાં સામેલ જૂનાગઢની મહિલા આરોપી સહિત પાંચ આરોપીઓને જુનાગઢ તેમજ રાજકોટ માંથી ઝડપી પાડવામાં આવ્યા છે.
હરેશ વાળા (ઉવ.૪૯) આ કામના ગુનાનો મુખ્ય માસ્ટર માઈન્ડ છે. તેમજ આ ગુનામાં તેનો કૌટુંબિક જમાઈ અતીત વર્ધન (ઉવ.૩૧) પણ સામેલ છે. તો સાથે જ હરેશ સાથે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા શૈલેષ ગીરી ઉર્ફે ભાણો ગોસાઈ (ઉવ.૩૬), વિક્રમ ઉર્ફે વીરા તરગટા (ઉવ.૨૮) સહિતનાની ધરપકડ કરી તમામ આરોપીઓને સુલતાનપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
તો સાથે જ પોલીસ દ્વારા ગુનાના કામે આરોપીઓ પાસેથી ૨૧.૬૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં તેમણે મોરબી ખાતેથી બુક સ્ટોરમાંથી મોરબી વિસ્તારના ઉદ્યોગપતિઓ અને વેપારીઓના ટેલીફોન નંબર વાળી ટેલીફોન ડિરેક્ટરી મેળવી હોવાનું જણાવ્યું છે.
તેમજ તે ટેલીફોન ડિરેક્ટરીમાંથી જુનાગઢ રહેતી તેમજ હરેશ વાળાની પાડોશમાં રહેતી મહિલા આરોપી પાસેથી અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી ફોન કરાવી પોતાના પ્રેમજાળમાં ફસાવવામાં આવતા હતા. વેપારીને પ્રેમજાળમાં ફસાયા બાદ તેને મળવાના બહાને બોલાવવામાં આવતો હતો.
તેમજ ત્યારબાદ તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી તેની પાસેથી મોટી રકમ પડાવામાં આવતી હતી. ત્યારે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે આ ટોળકીના કોઈ શિકાર બન્યા હોય તો તેઓ સુલતાનપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે.
પોલીસની પૂછપરછમાં ગુનાહિત કૃત્ય આચરનાર ટોળકીના હરેશ વાળા તેમજ શૈલેષ ગીરી ઉર્ફે ભાણો ગોસાઈ સિવાયના સભ્યોને ખ્યાલ જ નહોતો કે તેમણે ૨૩.૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. જે તે સમયે આંગડિયા પેઢીમાંથી પૈસા લેવા માટે હરેશ વાળા તેમજ શૈલેષ ગીરી ઉર્ફે ભાણો ગોસાઈ ગયા હતા.
પરંતુ તેમને પરત ફર્યા બાદ પોતાના અન્ય સાથી આરોપીઓને કહ્યું હતું કે, વેપારી પાસેથી ૯.૨૫ લાખ રૂપિયા જેટલી જ રકમ હાથ લાગી છે. જેથી તમામ આરોપીઓના ભાગે ૧,૮૫,૦૦૦ રૂપિયા જેટલી રકમ ભાગમાં આવી હતી. જ્યારે કે બાકી વધતી રકમ હરેશ વાળા તેમજ શૈલેષ ગીરી ઉર્ફે ભાણાએ પોતાની પાસે રાખી લીધી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ છેલ્લા એક દોઢ મહિનાથી ડિરેક્ટરીમાંથી નંબર મેળવીને જુદા-જુદા મોબાઈલ નંબર ઉપરથી ફોન કરતા હતા. ત્યારે આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા ગુનાનો આંક આગામી સમયમાં વધી શકે તે પ્રકારની શક્યતા પણ જોવા મળી રહી છે.SS1MS