મેઘરજની પંચાલ બેઠકના ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય કનુભાઈ મણાતે રાજીનામું ધરી દીધું
ભીખાજી ઠાકોરના સમર્થકોએ મેઘરજમાં ભારે વિરોધ-તેમના સમર્થનમાં કેટલાક લોકો દ્વારા મેઘરજમાં પોસ્ટર લગાવીને ટિકિટ પાછી માંગવાની રજૂઆત કરાઈ હતી
મેઘરજ, સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપને માટે મુશ્કેલ સ્થિતિનું નિર્માણ થયુ છે. પહેલા ભાજપે ટિકિટ જાહેર કરી હતી. ત્યાર બાદ હવે ઉમેદવારે જાતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી કે, તેઓ ચૂંટણી લડવા માટે અનિચ્છા ધરાવે છે. જે બાદ મીડિયા ને પણ જણાવ્યુ કે, તેઓ ભાજપના સિપાહી છે અને નવા ઉમેદવાર માટે પણ પડખે ઉભા રહીને કાર્ય કરશે.
જોકે હવે તેમના સમર્થનમાં કેટલાક લોકો દ્વારા મેઘરજમાં પોસ્ટર લગાવીને ટિકિટ પાછી માંગવાની રજૂઆત કરીને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. મેઘરજ તાલુકાના પંચાલ બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યુ છે. તો મંગળવારે મેઘરજ બંધના એલાનની ચીમકી આપવામાં આવી છે. આ દરમિયાન મેઘરજની પંચાલ બેઠકના ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય કનુભાઈ મણાતે રાજીનામું ધરી દીધું છે.
કનુભાઈએ જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામાનો પત્ર લખીને ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ ધર્યાનું લેખીત જણાવ્યુ છે. તેઓએ ભીખાજીને ઉમેદવાર તરીકે પોતાનું નામ પરત ખેંચ્યાના સમાચારથી દુઃખી હોવાનું જણાવ્યુ છે.
તો વળી આ દરમિયાન આગામી મંગળવારે મેઘરજ બંધનું એલાન આપવાની ચિમકી તેમના સમર્થકો દ્વારા આપવામાં આવી છે. જે રીતે ભાજપ પક્ષ સામે વિરોધ દર્શાવીને ટિકિટના મુદ્દાને ગરમ બનાવવામાં આવી રહ્યો છે, જેનાથી સ્થાનિક મેઘરજ વિસ્તારમાં તેના પ્રત્યાઘાતો દર્શાવવામાં આવી રહ્યો છે. મેઘરજમાં ઉન્ડવા વિસ્તારમાં ભાજપ વિરોધી પોસ્ટર લગાડવામાં આવ્યા છે.
પોસ્ટરમાં ચૂંટણી બહિષ્કાર અને ભાજપના વળતા પાણી સહિતના સૂત્રો લખવામાં આવ્યા હતા. તેમજ રેલી નિકાળીને સૂત્રોચ્ચાર કરીને ભીખાજી ઠાકોરની સાથે હોવાની સંદેશ આપ્યો હતો. ૧૦૦ થી ૧૫૦ લોકોના ટોળાએ રેલી સ્વરુપ રસ્તા પર નિકળીને વિરોધ નોંધાવ્યા હતો. જેને લઈ સ્થાનિક પોલીસ પણ વિસ્તારમાં બંદોબસ્તમાં લાગી હતી અને મામલો શાંત રહે એ માટે પ્રયાસ કર્યો હતો.
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં શનિવારથી માહોલ શાંત રહ્યા બાદ રવિવારે સવારે મેઘરજમાં આ પ્રકારે ભાજપ વિરુદ્ધ મોરચો મંડાતા પક્ષ દ્વારા પણ નજર પરિસ્થિતિ પર રાખવામાં આવી રહી છે. સ્થાનિક આગેવાનો સહિત તમામ પ્રવૃત્તિઓ અને વિરોધની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હોવાની વિગતો પણ સૂત્રો દ્વારા સામે આવી છે.