બધા જ દાનમાં અમૂલ્ય છે અંગદાનઃ જેનાથી બીજા માણસને મળે છે નવું જીવન
અંગદાન અભિયાનને પ્રોત્સાહિત કરવાથી માણસને મળશે જીવનદાન-અંગદાનને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય સ્તરે ચોક્કસ નીતિનું ઘડતર થવું જોઈએ
માણસે દુર્લભ જીવનનું મૂલ્ય ઓછું આંકવુ જોઈએ નહીં, ઉમદા અને પ્રેરક કાર્યાે કરવા માટે માનવ જીવન મળતું હોય ત્યારે તે અવતાર એળે જવો જોઈએ નહીં. સેવાધર્મમાં જો જીવન વ્યતિત થાય તો મનનો આનંદ બેવડાઈ શકે છે. મનનો શાશ્વત આનંદ પ્રગટે છે દાન અને ધર્મમાંથી, સેવાના કાર્યાેમાંથી નવા ઉમદા કાર્યાેમાંથી. જે લોકો પોતાના જીવનમાં ધર્મ અને સેવાના માર્ગમાં પોતાનું યોગદાન બક્ષે છે તેઓ અપૂર્વ આનંદ અને શાંતિ પામે છે.
આપણે અન્નદાન દ્વારા એક ઉમદા કદમ માંડી શકીએ છીએ. ભૂખ્યાને ભોજન કરાવવાનું સેવાકાર્ય વિશેષ ઉમદા અને પ્રેરક કાર્ય તરીકે નોંધાઈ શકે છે, જ્યારે પણ તક સાંપડે ત્યારે અન્નદાન, વસ્ત્રદાન, ભોજનદાન કરાવતા લોકો કાયમ સુખની કેડીએ વિચરણ કરતા હોય છે. આપણા સંતો અને પ્રતિષ્ઠિત વિભૂતિઓ કાયમ સેવાકાર્ય પર ભાર મૂક્તા આવ્યા છે.
વીરપુરના જલારામબાપા, વાવ પરબનાં સંત દેવીદાસ, શિરડીના સાંઈબાબા, ભગવાન મહાવીર, તુકારામ, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ જેવા ગણમાન્ય સંતો કહી ગયા છે કે દયા રાખો, મુંગા જીવોનું જતન કરો. હિંસાનો ત્યાગો, પ્રેમનો સંદેશો આપો, અન્નદાન કરો, ભૂખ્યાને ભોજન, દિવ્યાંગોની સેવા અને વિદ્યાદાન આપીને તમે લોકોના દિલ જીતી શકો છો.
સંતોએ જાત પર કષ્ઠો વેઠ્યા હતા, ટાઢ તડકો, વરસાદ અને વાવાઝોડાની પણ પરવા કર્યા વગર સંતોએ માનવદયા પ્રત્યે પોતાની સંવેદના પ્રગટાવી પ્રેમનો અલગ જ દિવ્ય સંદેશ આપ્યો હતો. આપણે મનુષ્ય તરીકે હૃદયમાં કરૂણાભાવ રાખીને ઉમદા કાર્યાે કરવા જોઈએ. ભગવાન મહાવીર સ્વામીએ દયા અને કરૂણા પરભાર મૂક્યો હતો. તેમણે પ્રેમ અને એક્તા પર પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા.
તેમણે સૌથી મોટો સંદેશ દયા અને દાનનો પ્રગટાવ્યો હતો. રામકૃષ્ણ પરમહંસ પણ સદૈવ દયાદાન વરસાવતા રહ્યા હતા. જીવદયામાં તેમનો જોટો જડે તેમ નથી. રાતદિવસ ભક્તિ અને ઉપાસના દ્વારા સંતો કાયમ વિશ્વનું કલ્યાણ ઈચ્છતા હતા.
કહે છે કે બધા જ દાનમાં સર્વ શ્રેષ્ઠદાન અંગદાન છે. ચક્ષુદાન પણ સર્વાેચ્ય દાન છે. ચક્ષુઓ દ્વારા દિવ્ય ચિત્રોનું દર્શન થાય છે અને એનાથી પ્રેમની લાગણી વધારે પ્રગાઢ બને છે.
અહીં અંગદાનના વિષય પર વાત કરીશું. અંગદાનના ક્ષેત્રે એક સેવા અભિયાન શરૂ થવું જોઈએ, આમ થાય તો જીવનદાન વધુ ગતિવંત બનશે. અંગદાનનું મહત્ત્વ શું છે તે જાણવું જરૂરી છે. અંગદાનનું મહત્ત્વ દિલ્હીના પેન્ટરથી વધુ કોણ સમજી શકે ? એને ચિકિત્સા વિજ્ઞાનની મોટી વાત જ ગણી શકાશે. જેમાં બાઈલેટરલ હેડ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા આ પેન્ટરને બંન્ને હાથ ફરીથી મળી ગયા છે.
નિશ્ચિત રીતે તેમનું ભાવિ જીવન ગતિવંથ બનશે. એની પાછળ બ્રેનડેડ ઘોષિત થયેલ એ મહિલા છે જેના અંગદાને એક સાથે ચાર દર્દીઓને નવી જિંદગી આપી હતી. આ ઘટનાક્રમે એ પણ સ્પષ્ટ કર્યું છે કે અંગદાનના અભિયાનને વધુ તેજ કરવામાં આવે તો વાટ જોઈ રહેલા હજારો દર્દીઓનો ના કેવળ પ્રાણ બચાવી શકાશે પરંતુ એમના ભાવિ જીવનના રાહને સુગમ કરવાનો માર્ગ પણ પ્રશસ્ત થઈ શકે છે.
પરંતુ અંગદાનને લઇને લોકોમાં કેટલાયે પ્રકારની ભ્રાંતિઓ પણ છે જેને દૂર કર્યા વગર આ અભિયાનને ગતિ આપવી સરળ નહીં બને. હજુ તો સ્થિતિ એ છે કે સરેરાશ દસ લાખ લોકોમાંથી ફક્ત એક જ અંગદાતાઓની સૂચિમાં છે, જ્યારે બીજી તરફ અંગ પ્રત્યારોપણની ઈચ્છા ધરાવતા દર્દીઓમાં દર આઠમી મિનિટમાં એક વ્યક્તિ જોડાઈ જાય છે. એ પરિસ્થિતિમાં બ્રેનડેડ ઘોષિત થઈ ચૂકેલા દર્દીઓના સ્વજનોને આ વાતને લઈને પ્રેરિત કરવા પણ જરૂરી થઈ જાય છે કે તેમના પ્રિયજનો નહીં રહેવાથી એમના અંગ કોઈના કામમાં આવી શકે છે.
કોઈને કિડનીની જરૂર હોય છે તો કોઈને લિવરની તો કોઈને કોનિયાની. થોડા દિવસો પહેલાં જ અંગદાનને ઉત્તેજન આપવાના પ્રયાસોને આગળ વધારતા ઓરિસ્સા સરકારે નિર્ણય લીધો હતો કે ઓરિસ્સામાં અંગદાન કરનારાઓના અંતિમ સંસ્કાર રાજકીય સન્માનથી કરવો જોઈએ. તામિલનાડુમાં પ્રથમ સરકારે આ પ્રકારની વ્યવસ્થા કરી રાખી છે. લોકોને ભાવનાત્મક રૂપથી આ અભિયાન સાથે જોડવાનો આ પ્રયાસ સારો જ કહી શકાશે. આ દિશામાં આવા પગલાંનું સ્વાગત જ કરવું ખૂબ જરૂરી બની જાય છે.